Thu Jun 18 2026

Logo

બુમરાહનો મોટો નિર્ણય: 2027 વર્લ્ડ કપ સુધી T20 ક્રિકેટથી રહેશે દૂર, જાણો શું છે પ્લાન?

2026-03-10 20:32:54
Author: Mumbai Samachar Team
Article Image

BCCI


નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ટવેન્ટી-20 મેચ માટે મહત્ત્વની યોજના જાણવા મળી છે. 2027 વન-ડે વર્લ્ડ કપ માટે તૈયારી શરૂ કરી છે. આગામી 18 મહિના સુધી તે T20ને બદલે વન-ડે ક્રિકેટ પર વધુ ધ્યાન આપશે. ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ હવે ટી-20 સીરિઝ ઓછી રમશે. તે 2027 વર્લ્ડ કપ સુધી વધુ વન-ડે મેચ રમશે. જસપ્રીત બુમરાહ 2027 વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આગામી 18 મહિનામાં ટી-20 આંતરરાષ્ટ્રીય દ્વિપક્ષીય શ્રેણીને બદલે વન-ડે મેચમાં રમવાનો પ્રયાસ કરશે. 

ભારત આવતા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં અનેક દ્વિપક્ષીય ટી-20 આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ તેમ જ જાપાનમાં એશિયન ગેમ્સમાં ભાગ લેવાનું છે. સૂર્યકુમાર યાદવ એશિયન ગેમ્સમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરે તેવી શક્યતા છે. 

બુમરાહ અન્ય ઘણા અનુભવી ભારતીય ખેલાડીઓની જેમ 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં રમવા માટે ખૂબ જ ઉત્સુક હોવાનું માનવામાં આવે છે, જે ટી-20 ફોર્મેટમાં યોજાશે. જોકે, તે 2027 વર્લ્ડ કપ સુધી વન-ડે ફોર્મેટને પ્રાથમિકતા આપશે.

ભારતની વર્લ્ડ કપની તૈયારીઓ ખરેખર બે મહિના લાંબી અને અત્યંત વ્યસ્ત ઇન્ડિયન પ્રીમિયર લીગ પછી શરૂ થશે. આઈપીએલના અંત સુધીમાં રાષ્ટ્રીય પસંદગી સમિતિ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેન્ટર ઓફ એક્સેલન્સ (વીવીએસ લક્ષ્મણના નેતૃત્વ હેઠળ) અને ટીમ મેનેજમેન્ટ (ગૌતમ ગંભીર અને કેપ્ટન શુભમન ગિલ) આગામી તબક્કાની રણનીતિ બનાવશે.

આ યોજનાનો મુખ્ય પાસું બુમરાહના વર્કલોડ મેનેજ કરવાનો છે. એવું માનવામાં આવે છે કે 32 વર્ષીય બોલરને આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે મેચ પસંદ કરવાની સ્વતંત્રતા રહેશે નહીં. 
બુમરાહે 19 નવેમ્બર, 2023ના રોજ ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી વન-ડે વર્લ્ડ કપ ફાઇનલ પછી કુલ 42 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં 21 ટેસ્ટ અને 21 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચનો સમાવેશ થાય છે. 

બીસીસીઆઈના એક સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, "ભારત માટે કોઈપણ વૈશ્વિક અભિયાનમાં બુમરાહની ફિટનેસ સર્વોપરી રહે છે. તેથી ટીમ મેનેજમેન્ટે ફોર્મેટને પ્રાથમિકતા આપવામાં ખૂબ કાળજી રાખવી પડશે. તે ચોક્કસપણે ટેસ્ટ ક્રિકેટ રમશે પરંતુ વન-ડે પર તેનું વિશેષ ધ્યાન રહેશે. આ સમયગાળા દરમિયાન લગભગ 30-35 મેચ હશે અને તેથી જોખમ લઈ શકાય નહીં."