Tue May 26 2026

Logo

જમ્મુ કાશ્મીરમાં આતંકી સંગઠનો ફરી સક્રિય થવાની તૈયારીમાં, સુરક્ષા દળો એલર્ટ

2026-05-26 18:07:56
Author: Chandrakant Kanoja
Article Image

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર આતંકી સંગઠનો સક્રિય થવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આ અંગે ગુપ્તચર એજન્સીઓ સુરક્ષા દળોએ ચેતવણી આપી છે કે  અલ-બદ્ર અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકી સંગઠનો  જમ્મુ કાશ્મીરમાં ફરી સંયુક્ત રીતે સક્રિય થવાની તૈયારી કરી રહ્યા છે. 

આ અંગે મળતી માહિતી મુજબ આઇએસઆઇ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને ફરી વધારવા પ્રયાસ કરી રહ્યું છે. જેમાં તે હવે હોમગ્રોન ટેરર મોડેલ અપનાવવા જઇ રહ્યું છે. 

આ ઉપરાંત હાલમાં પાકિસ્તાનમાં અલ-બદ્રના ટોચના કમાન્ડર હમઝા બુરહાનનું તાજેતરમાં હત્યા થઇ છે. જે  સંગઠન માટે એક મોટો ફટકો હતો. જોકે, ભારતીય એજન્સીઓ માને છે કે આ સંગઠનને ઓછું આંકવાની ભૂલ કરી શકાય તેમ નથી. તેમજ હાલના  ઇન્ટરસેપ્ટ્સ સૂચવે છે કે અલ-બદ્ર અને હિઝબુલ મુજાહિદ્દીન જમ્મુ અને કાશ્મીરમાં તેમના નેટવર્કને ફરીથી સ્થાપિત કરવાના પ્રયાસોમાં સક્રિય છે. 

બંને આતંકી  સંગઠનોનું જોડાણ આઇએસઆઇ માટે ફાયદારૂપ 

આ અંગે ગુપ્તચર એજન્સીએ જણાવ્યું છે કે, આ બંને આતંકી  સંગઠનોનું જોડાણ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ  માટે વ્યૂહાત્મક રીતે ફાયદારૂપ છે. કારણ કે બંનેને સ્વદેશી આતંકવાદી જૂથો તરીકે દર્શાવી શકાય છે. આ સંગઠનોમાં મોટી સંખ્યામાં એવા લોકો છે જેઓ વર્ષો પૂર્વે  અભ્યાસના બહાને પાકિસ્તાન ગયા હતા. પરંતુ તેમને ત્યાં તાલીમ આપવામાં આવી હતી. તેમજ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે તૈયાર કરવામાં આવ્યા હતા.