Mon Oct 05 2026

Logo

ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને રણનીતિ બદલી, આતંકી કેમ્પોની ડિઝાઇન બદલી

2026-09-30 18:55:53
Author: Chandrakant Kanoja
ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને રણનીતિ બદલી, આતંકી કેમ્પોની ડિઝાઇન બદલી

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતના ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનને મોટો આંચકો આપ્યો હતો. જેમાં મોટા ભાગના આતંકી કેમ્પોનો નાશ કર્યો હતો. તેની બાદ હવે પાકિસ્તાને રણનીતિ બદલી છે. તેમજ પીઓકેમાં હવે આતંકી કેમ્પોની ડિઝાઇન બદલી  છે. 

આતંકવાદી માળખાને રહેણાંક વિસ્તાર જેવા બનાવી રહ્યા છે 

આ અંગે એક વરિષ્ઠ ગુપ્તચર અધિકારીએ જણાવ્યું હતું કે આ આતંકી જૂથો  હવે તેમના આતંકવાદી માળખાને એવી ઇમારતોમાં છુપાવી રહ્યા છે જેનો ઉપયોગ સામાન્ય લોકો રહેણાંક, શૈક્ષણિક અથવા દૈનિક પ્રવૃત્તિઓ માટે પણ કરે છે. 

ફેરફાર સુવિધાઓનું નિર્માણ, ઉપયોગ અને છુપાવવાની રીતમાં 

આ પરિવર્તન ફક્ત શિબિરોને સ્થાનાંતરિત કરવા ઉપરાંત છે. જેમાં મહત્વના ફેરફાર સુવિધાઓનું નિર્માણ, ઉપયોગ અને છુપાવવાની રીત કરવામાં આવ્યું છે. આ પૂર્વે આતંકવાદી તાલીમ શિબિર તરીકે ઉપયોગમાં લેવાતી ઇમારત અથવા સ્થળમાં આતંકવાદી પ્રવૃત્તિઓ જ કરવામાં આવતી હતી. 

ઇમારત એક સામાન્ય નાગરિક સુવિધા જેવી લાગે

જોકે, ઓપરેશન સિંદૂર પછી આ પેટર્ન બદલાઈ ગઈ છે. આતંકવાદી પ્રવૃત્તિઓ ઘણીવાર ફક્ત એક કે બે માળ સુધી મર્યાદિત હોય છે. જ્યારે બાકીના માળમાં રહેવાસીઓ અથવા શાળાઓ અને કોલેજો જેવી શૈક્ષણિક સંસ્થાઓ હોઈ શકે છે. પરિણામે, બહારથી આ ઇમારત એક સામાન્ય નાગરિક સુવિધા જેવી લાગે છે. 

નાગરિકોને માનવ ઢાલ બનાવવાનો પ્રયાસ

આ અંગેની ગુપ્તચર માહિતી મુજબ  પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો તેમના છુપાયેલા સ્થળોની આસપાસ નાગરિકોને માનવ ઢાલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સૂચવે છે કે આવા સ્થળો પર હુમલો થવાના કિસ્સામાં નાગરિક જાનહાનિનું જોખમ વધશે. જેનો ઉપયોગ ભવિષ્યમાં હુમલાને રોકવા માટે કરી શકે છે.