Thu Jun 18 2026

Logo

જમ્મુ-કાશ્મીરની ઐતિહાસિક સિદ્ધિ બાદ કૅપ્ટન પારસ ડોગરાએ ભાવુક થતાં કહ્યું કે...

2026-02-18 18:47:01
Author: Ajay Motiwala
Article Image

PTI


કલ્યાણી (પશ્ચિમ બંગાળ): ક્રિકેટમાં વર્ષોથી જમ્મુ-કાશ્મીર (J & K)ની ટીમને પહેલાં તો નબળી અને અન્ડરડૉગ માનવામાં આવી છે, પરંતુ બુધવારે પારસ ડોગરા (Paras Dogra)ની કૅપ્ટન્સીમાં આ ટીમે રણજી ટ્રોફીની ફાઇનલમાં પ્રથમ વખત પ્રવેશીને રાજ્ય માટે જે નવો ઇતિહાસ સર્જયો ત્યાર બાદ ડોગરાએ પત્રકારો સાથેની વાતચીતમાં પોતાના વર્ષોના અનુભવને યાદ કરીને કહ્યું, ` ખેલાડીને ક્રિકેટની રમત ઇનામ (પુરસ્કાર) આપે એના કરતાં તેની અનેકગણી પરીક્ષા લઈ લેતી હોય છે.'

જમ્મુ-કાશ્મીરે અહીં પાંચ દિવસની સેમિ ફાઇનલમાં ચોથા દિવસે બેંગાલની ટીમને છ વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જેમાં એનો મુકાબલો કર્ણાટક સામે થશે અને કર્ણાટકના ફાઇનલ-પ્રવેશની સત્તાવાર જાહેરાત ગુરુવારે કરવામાં આવશે.

ડોગરાએ પત્રકારોને કહ્યું, `ક્રિકેટની રમત ભલે કસોટી લેતી રહે, ખેલાડીએ દૃઢ રહેવું પડે. તેણે પોતાની ક્ષમતાથી રમતા રહેવું જ પડે. અમે એક વાર ફાઇનલમાં પહોંચીશું જ એ અમારા ભાગ્યમાં લખાયું જ હશે.'

ભૂતપૂર્વ ક્રિકેટર અજય શર્મા જમ્મુ-કાશ્મીર ટીમના કોચ છે અને ઐતિહાસિક વિજય બાદ ખેલાડીઓએ તેમને ખભા પર ઊંચકી લીધા હતા. બેંગાલે 328 રન કર્યા બાદ જમ્મુ-કાશ્મીરે 302 રન કર્યા હતા અને બીજા દાવમાં બેંગાલને માત્ર 99 રનમાં આઉટ કરીને 126 રનનો લક્ષ્યાંક ચાર વિકેટે મેળવી લીધો હતો.