એ ટર્કિશ ટીવી સિરિયલનું સંગીત હોવાનો તેમણે કર્યો દાવો
જાલના: જાલના જિલ્લામાં આવેલી શાળાના કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાની ગીત વગાડવા બદલ પ્રિન્સિપાલ અને બે શિક્ષિક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે એ પાકિસ્તાની ગીત નહોતું, પણ ટર્કિશ ટીવી સિરિયલનું સંગીત હોવાનો તેમણે દાવો કર્યો હતો.
પરતુર પોલીસ સ્ટેશનમાં ગુરુવારે પ્રિન્સિપાલ વઝીયુદ્દીન સિદ્દીકી અને બે શિક્ષક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 152 (ભારતની અખંડતા અને એકતાને જોખમમાં મૂકતાં કૃત્યો), 196 (બે જૂથ વચ્ચે વેર પેદા કરવું), 197 (રાષ્ટ્રીય અખંડતાને અસર કરતી ખોટી માહિતી ફેલાવવી) અને 353 (જનતામાં આક્રોશ ફાટી નીકળે તે રીતે ખોટી માહિતી ફેલાવવી) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
અગાઉ અમુક સોશ્યલ મીડિયા પોસ્ટમાં આરોપ કરવામાં આવ્યો હતો કે પરતુર ખાતે કિડ્સ વર્લ્ડ ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓએ માર્ચ, 2025માં વાર્ષિક મેળાવડામાં પાકિસ્તાની ગીત પર નૃત્ય કર્યું હતું અને આ નૃત્ય દરમિયાન પાકિસ્તાની ઉગ્રવાદી ‘મુમતાઝ કાદરી’ની તસવીર પ્રદર્શિત કરવામાં આવી હતી.
ભાજપના સ્થાનિક વિધાનસભ્ય બબનરાવ લોણીકરે શાળાની માન્યતા રદ કરવા ઉપરાંત શાળાના વ્યવસ્થાપન સામે પગલાં લેવાની માગણી કરી હતી. જોકે શાળા પ્રશાસને આરોપો નકારી કાઢ્યા હતા. પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે એ સંગીત લોકપ્રિય ટર્કિશ ટીવી સિરિયલ ‘એર્ટુગ્રુલ ગાઝી’માંથી લેવાયું હતું અને તે પાકિસ્તાની ગીત નહોતું.
કાર્યક્રમ દરમિયાન દર્શાવવામાં આવેલી છબિ એર્ટુગ્રુલ ગાઝીના કલાકારોની હતી. અમુક લોકોએ વિઝ્યુઅલ સાથે ચેડાં કર્યા અને ગેરમાર્ગે દોરતી ક્ધટેન્ટ સોશ્યલ મીડિયા પર સર્ક્યુલેટ કરી હતી. પોલીસ હવે આ કેસની ઊંડાણથી તપાસ કરી રહી છે. (પીટીઆઇ)