Sun Jul 26 2026

Logo

મિશન ગગનયાન અનંત આકાશમાં ભારત  ઐતિહાસિક  હરણફાળ ભરશે ત્યારે...એ સપનાની એક ઝલક

2026-07-26 09:08:00
Author: Bharat Mehta
Article Image

 

ભરત મહેતા

ચંદ્રયાનની અભૂતપૂર્વ સફળતા અને સૂર્ય મિશન ‘આદિત્ય-L1 બાદ, ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) હવે પોતાના સૌથી સાહસિક અને મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘ગગનયાન’ (Gaganyaan) માટે સજ્જ થઈ ચૂક્યું છે. આ માત્ર એક અંતરિક્ષ મિશન નથી, પરંતુ 140 કરોડ ભારતીયોના આત્મગૌરવ અને સ્વનિર્ભરતાની નવી ઉડાન છે. આ મિશન દ્વારા ભારત પ્રથમ વખત પોતાના જ બળ પર, સ્વદેશી રોકેટ દ્વારા ભારતીય અંતરિક્ષયાત્રીઓને (ગગનનૌટ્સ) બ્રહ્માંડની સફરે મોકલવા જઈ રહ્યું છે. 

આવી  ઐતિહાસિક મિશનનું  A to Z અર્થાત  શરૂઆતથી લઈને તેના રોડમેપ અને અત્યંત રોમાંચક તકનીકી પાસાંઓનો સંપૂર્ણ ચિતાર એક ભારતીય તરીકે જાણવો જરૂરી છે...

શરૂઆત અને પૃષ્ઠભૂમિ: ક્યારે વવાયાં આ સપનાનાં બીજ?

ઔપચારિક રીતે ગગનયાન પ્રોજેક્ટની જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, 2018ના રોજ લાલ કિલ્લા પરથી કરી હતી. જોકે, ઈસરો માટે આ ટેક્નોલોજિકલ સફર 2004થી જ શરૂ થઈ ગઈ હતી, જ્યારે ‘સ્પેસ કેપ્સ્યુલ રિકવરી એક્સપેરિમેન્ટ’ પર કામ શરૂ કરાયું હતું. ગગનયાનનો મુખ્ય ઉદ્દેશ્ય અંતરિક્ષયાત્રીઓની ટુકડીને પૃથ્વીની નીચલી કક્ષામાં (Low Earth Orbit - LEO) આશરે 400 કિલોમીટરની ઊંચાઈ પર મોકલવાનો અને 3 દિવસ બાદ તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવાનો છે.

મિશનના અસલી હીરો: ગગનયાત્રીઓ

આ મિશનની સૌથી રોમાંચક અને મહત્ત્વપૂર્ણ કડી તેના ગગનયાત્રી  છે. આ ઐતિહાસિક મિશન માટે ભારતીય વાયુસેનાના ચાર અત્યંત કુશળ ટેસ્ટ પાઇલોટ્સની પસંદગી કરવામાં આવી છે: ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર, ગ્રુપ કેપ્ટન અજિત કૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા. આ ચારેય જાંબાઝ વીરોએ રશિયાના યુરી ગાગારિન કોસ્મોનોટ ટ્રેનિંગ સેન્ટર ખાતે પ્રાથમિક પ્રશિક્ષણ મેળવ્યા બાદ, હાલ એ બધા  ઇસરોના બેંગલુરુ સ્થિત સેન્ટરમાં મિશન-સ્પેસિફિક તાલીમ લઈ રહ્યા છે. આ ચાર પૈકીના આખરી પસંદ કરાયેલા ત્રણ ગગનનૌટ્સ અવકાશમાં ઉડાન ભરીને ભારતનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરશે.

માનવ મિશન શા માટે જરૂરી છે ને તેના ફાયદા?

ઉપગ્રહો મોકલવા પૂરતું હતું, તો માણસને અવકાશમાં મોકલવાનું જોખમ શા માટે? જવાબ છે: ભવિષ્યનું વિજ્ઞાન અને વૈશ્વિક પ્રભુત્વ.

1)  માઇક્રોગ્રેવિટી પ્રયોગો: 

શૂન્ય ગુરુત્વાકર્ષણમાં જે વૈજ્ઞાનિક પ્રયોગો, અદ્ભુત દવાઓનું સંશોધન અને મટિરિયલ સાયન્સના ટેસ્ટ થઈ શકે છે, જે પૃથ્વી પર સંભવ નથી.

2) ભવિષ્યનો પાયો: 

ભારત 2035 સુધીમાં પોતાનું ભારતીય અંતરિક્ષ સ્ટેશન (BAS) સ્થાપવા અને 2040 સુધીમાં ચંદ્ર પર માનવી મોકલવાનું લક્ષ્ય ધરાવે છે. ગગનયાન આ ભવ્ય ભવિષ્યની પ્રથમ સીડી છે.

3) આર્થિક તેમ જ સામાજિક ફાયદા: 

આ પ્રોજેક્ટમાં દેશની સેંકડો ખાનગી કંપનીઓ અને MSMEs જોડાયેલી હોવાથી હાઈ-ટેક મૅન્યુફેક્ચરિંગ અને રોજગારીને મોટો વેગ મળ્યો છે. સાથે જ તે દેશના લાખો વિદ્યાર્થીઓને STEM (સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથ્સ) ક્ષેત્રમાં ઇનોવેશન કરવા માટે પ્રેરિત કરશે.

આ મિશનનું કદ- સ્કેલ ભારતીય એન્જિનિયરિંગની કમાલ છે. 

*બાહુબલી રોકેટ (LVM3): આ મિશન માટે ઈસરોના સૌથી શક્તિશાળી રોકેટ LVM3ને ખાસ "Human-Rated' (માણસોને લઈ જવા માટે સુરક્ષિત) બનાવવામાં આવ્યું છે. આ પ્રચંડ રોકેટની કુલ ઊંચાઈ આશરે 43.5 મીટર અને લોન્ચ વ્હીકલનું કુલ વજન આશરે 6,40,000 કિગ્રા (640 ટન) છે.

* ઓર્બિટલ મોડ્યુલ (Orbital Module): અવકાશમાં જે મુખ્ય માળખું ફરશે તેનું કુલ વજન 7,800 કિગ્રા છે, જેની ઊંચાઈ 7 મીટર અને વ્યાસ 3.7 મીટર છે. તે બે મુખ્ય ભાગમાં વહેંચાયેલું છે:

1)  ક્રૂ મોડ્યુલ (Crew Module): આ એ મુખ્ય ડબલ-વોલ કેપ્સ્યુલ છે જેમાં યાત્રીઓ રહેશે. તેનું વજન આશરે 3,735 કિગ્રા છે અને તેમાં 4.3 ક્યુબિક મીટર (4.3 ળ3) ની આરામદાયક રહેવાલાયક જગ્યા (Habitable Volume) છે, જે અત્યાધુનિક લાઈફ સપોર્ટ સિસ્ટમ (ECLSS)થી સજ્જ છે.

 2)  સર્વિસ મોડ્યુલ (Service Module): આ ભાગ કેપ્સ્યુલની નીચે રહેશે, જેમાં પ્રોપલ્શન અને પાવર સિસ્ટમ ગોઠવાયેલી છે. તેનું વજન આશરે 4,065 કિગ્રા છે.
બજેટ અને વૈશ્વિક સરખામણીમાં  કેમ ભારત સૌથી મોખરે?

હોલિવૂડની ફિલ્મોના બજેટ કરતાં પણ ઓછા ખર્ચે સ્પેસ મિશન કરનાર ઈસરોએ ગગનયાન માટે આશરે 10,000 કરોડ રૂપિયા (આશરે 1.2 થી 1.4 અબજ ડૉલર)નું પ્રારંભિક બજેટ રાખ્યું છે. તાજેતરના બજેટમાં પણ સ્પેસ ડિપાર્ટમેન્ટ માટે રૂ. 13,705.6 કરોડ ફાળવીને આ કાર્યને વધુ ગતિ  આપવામાં આવી  છે.

હવે જો વૈશ્વિક સ્તરે સરખામણી કરીએ તો ભારતની કરકસરયુક્ત એન્જિનિયરિંગ (Frugal Engineering) અજોડ છે, જેમકે ....

* અમેરિકા (NASA): પોતાના માનવ મિશનો (એપોલો/આર્ટેમિસ) પાછળ 30 થી 40 અબજ ડૉલરથી વધુનો ખર્ચ કરે છે, જે ભારત કરતાં 25 થી 30 ગણો વધુ છે.

* ચીન: સ્પેસ પ્રોગ્રામ પાછળ વાર્ષિક અંદાજે 2 થી 3 અબજ ડૉલર ખર્ચે છે.

* ભારત (ISRO): માત્ર 1.2 થી 1.4 અબજ ડૉલરમાં આ મિશન પાર પાડી રહ્યું છે, જે વિશ્વમાં સૌથી કિફાયતી છે. ઈસરો આયાત કરવાને બદલે સ્વદેશી ટેકનોલોજી (Indigenization) પર ભાર મૂકીને આ સિદ્ધિ મેળવે છે.

શું છે ગગનયાનનો રોડમેપ...

માનવ જીવ અત્યંત કીંમતી હોવાથી ઈસરોએ ખૂબ જ સાવચેતીપૂર્વકનો રોડમેપ તૈયાર કર્યો છે:

1)  ટેસ્ટ વ્હીકલ ફ્લાઇટ્સ (TV-D1): કટોકટીના સમયે યાત્રીઓનો જીવ બચાવતી ‘ક્રૂ એસ્કેપ સિસ્ટમ’ (CES) નું સફળ પરીક્ષણ થઈ ચૂક્યું છે.

2)  માનવરહિત મિશન અને ‘વ્યોમમિત્ર’ (Vyommitra): વાસ્તવિક ઉડાન પહેલાં ઈસરો માનવરહિત ટેસ્ટ ફ્લાઇટ્સ મોકલશે. આ ફ્લાઇટમાં ભારત દ્વારા નિર્મિત હ્યુમનોઇડ રોબોટ (મહિલા રોબોટ) ‘વ્યોમમિત્ર’ને મોકલવામાં આવશે, જે કેબિનની અંદરના દબાણ અને રેડિયેશનની ચોક્કસ ચકાસણી કરશે.

3)  માનવ મિશન (Crewed Mission): શ્રીહરિકોટાથી લોન્ચ થયા બાદ માત્ર 16 મિનિટમાં ગગનનૌટ્સ સ્પેસમાં પહોંચશે. 3 દિવસ પૃથ્વીની પ્રદક્ષિણા કર્યા બાદ, ખાસ થર્મલ પ્રોટેક્શન સિસ્ટમ અને પેરાશૂટ્સની મદદથી સ્પેસ કેપ્સ્યુલ અરબી સમુદ્ર અથવા ગુજરાતના દરિયાકાંઠાના પાણીમાં (Splashdown) સુરક્ષિત લેન્ડ કરશે, જ્યાં ભારતીય નૌકાદળ તેમને રિસીવ કરશે.

ગગનયાન એ માત્ર એક વૈજ્ઞાનિક પ્રયોગ નથી, પણ આત્મનિર્ભર ભારતની સાર્વભૌમત્વની ઘોષણા છે. અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત આ ક્ષમતા ધરાવતો વિશ્વનો ચોથો દેશ બનશે. જ્યારે આપણું સ્વદેશી બાહુબલી રોકેટ ભારતનાં સપનાંઓને લઈને અંતરિક્ષની છાતી ચીરીને નીકળશે, ત્યારે સમગ્ર વિશ્વ આશ્ર્ચર્યથી ભારત તરફ જોતું હશે અને અંતરિક્ષના અનંત આકાશમાં ગૂંજશે ‘જય વિજ્ઞાન, જય અનુસંધાન!’