Tue Aug 18 2026

Logo

મુખ્બિરે ઈસ્લામઃ રૂઠેલી કુદરતને રાજી કરવા માટેનો આ રહ્યો હાથવગો ઉપાય

2026-08-13 10:07:00
Author: Anwar Valiani
Article Image

 

અનવર વલિયાણી

ઈન્સાન જાતની જન્મથી એ ફીતરત (ટેવ) રહી છે કે તે સુખમાં રબની નેઅમત (ઈશ્ર્વરીય દેણગી)થી બેપરવાહ રહેતો હોય છે, પણ તેના પર જ્યારે દુ:ખ આવે છે તો તે અલ્લાહને યાદ કરી આજીજી કરતો હોય છે. એક અલ્લાહ, એક કુરાન અને એક પયગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ (સલ.)ને દિલોજાનથી માનનારા સુન્ની-શિયાના નામે મુસલમાન મુસીબતના સમયેજ ખુદાને યાદ કરે અને રાહતના સમયે રીતિરિવાજ પ્રમાણે સ્મરણ કરી દુનિયાની દોડધામમાં, ભૌતિક સુખ પાછળ વ્યસ્ત થઈ જાય તે કેટલી હદે યોગ્ય છે, જેનું સ્મરણ કરી લેવાનો સમય દરવાજે દસ્તક દઈ રહ્યો છે.

અલ્લાહતઆલા કુરાન કરીમમાં ફરમાવ્યું છે કે - સેતાન ઈન્સાન જાતને ઈલાહી માર્ગથી ભટકાવી, ગેરમાર્ગે દોરવા સતત બહેકાવતો રહે છે, પછી તે જીનોમાંથી હોય કે ઈન્સાનમાંથી હોય?
ઉપરોક્ત આયત (શ્ર્લોક)માં જીનોનું નામ પ્રથમ લેવાયું છે અને માનવીનું નામ પછી કહેવાયું છે.
વ્હાલા જિજ્ઞાસુ વાચક મિત્રો! યાદ રહેવું ઘટે કે મનુષ્યની જેમ જીનોમાં પણ સારા-નરસા, ભલા-બૂરા હોય છે.

અહીં એક પ્રશ્ન ઊભો થાય છે, શું મોમીન બંદા ખરેખર એક સારા ઈમાનદાર મુસલામાન પોતાની જાતને કહી શકીએ છીએ? ઈબાદત-બંદગી-સ્તુતિ તો કરીએ છીએ પણ અલ્લાહ અને તેના રસુલે અનવરે (સલ.) બતાવેલ માર્ગ પર અમલ કરીએ છીએ? સુખમાં પોતાની ‘કાબેલિયત’ને દાદ આપીએ છીએ અને દુ:ખમાં અલ્લાહને ફરિયાદ કરીએ છીએ.

આવા સ્વાર્થીપણા માટે અલ્લાહ તઆલાએ તેની કિતાબ કુરાન કરીમમાં એક આયત દ્વારા સ્પષ્ટ કર્યું છે - ‘...માણસ સામે જ્યારે આફત અથવા બુરાઈ દેખા દે છે ત્યારે તે મંડી પડે છે અમારી સામે દુઆ માંગવા, પછી જ્યારે અમે અમારા તરફથી તેના પર મહેરબાની કરીએ છીએ ત્યારે તે કહેવા માંડે છે કે આ તો ફક્ત અમારી હોશિયારી અને ઈલ્મોજ્ઞાનની તાકાત તથા કુનેહ થકી મને મળ્યું છે (આ સરાસર ભૂલ છે), બલકે આ તો એક પરીક્ષા-આઝમાઈશ હતી, પરંતુ તેમાંના મોટા ભાગના આ નથી સમજતા.’ 

(સૂરહઝૂમ-આયત: 49) અહીં પરીક્ષાનો અર્થ એ થાય છે કે ઈન્સાન મુસીબત ટળે તેમજ કૃપાઓ થયા પછી આરામ તથા શુકુન-ચૈનની સ્થિતિમાં આવી ગયા બાદ પણ તે શું તેના રબને યાદ કરતો રહે છે તેમજ એક આઝાદ-સ્વતંત્ર મોમીનની જેમ શુક્રિયા અદા કરતો રહે છે ખરો? સાચા દિલથી કરવામાં આવતી બંદગીમાં એક અદ્ભુત કશીશ રહેલી હોય છે અને એ દ્વારા મોમીન જે ઈચ્છે છે અને જે છે તેના કરતાં કંઈક વિશેષ હોવાનો અહેસાસ પ્રાપ્ત થાય છે. 

ટૂંકમાં જીવનને બદલવાનો એક ઉમદા માર્ગ જો કોઈ હોય તો તે બંદગી છે. લેખના પ્રારંભમાં સ્પષ્ટતા કરી, તેમ ઈબાદતમાં સ્વાર્થીપણું હોવું જોઈએ નહીં. પરવરદિગારે આલમ પાસે જ્યારે યાચના કરીએ ત્યારે તેમાં ઈચ્છાઓ પૂર્ણ કરવા માગણીઓ કરતા રહેવાને પ્રાધાન્ય ન આપતાં માણસની ભલાઈ શેમાં રહેલી છે અને પરવરદિગારે જો સુખ આપ્યું હોય, તેણે પોતાની નેઅમત-કૃપાઓ-મહેરબાનીઓથી નવાઝયા હોય તો એ કૃપાઓ (નેઅમતો) અન્યો સુધી પહોંચતી કરવા શક્ય સઘળું કરી છૂટવું જોઈએ અને જો દુ:ખ આવ્યું હોય, માંદગી, 

આર્થિક તંગી અથવા સગાં-સંબંધીઓ જોડે મતભેદ થવા પામ્યા હોય કે અન્ય કોઈ મુસીબતમાં ઘેરાયેલા હોઈએ તો તેમાંથી બહાર નીકળવાનો માર્ગ એકમાત્ર અલ્લાહ પર ભરોસો રાખવાથી શક્ય બનશે- નેક માર્ગે ચાલવાથી બનશે. પછી ભલે તે કાંટાળો હોય. સારી અથવા ખરાબ પરિસ્થિતિ એ કુદરતી ક્રમ છે. કોઈના દિવસ કદી પણ એકસરખા રહેતા નથી સુખી અને દુ:ખ એક સિક્કાની બે બાજુ જેવા છે. અલ્લાહ રહેમાન, રહીમ અને કરીમ (મહાન દયાળુ, કૃપા કરનાર, બરકતથી સન્માનિત કરનાર) છે. ત્યાં દેર છે પણ અંધેર નથી. માત્ર ધીરજ ધરવી જરૂરી છે.
*  *  *
દિલ પર લાગેલા કાટનું કારણ કદી જાણવાનો પ્રયત્ન કર્યો છે?

હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રદ્યિલ્લાહો અન્હોથી રિવાયત છે કે, પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયદે વસલ્લમ (સલ.) ફરમાવ્યું કે, ‘જેવી રીતે પાણી લાગવાથી લોઢાને કાટ ચઢે છે, તેવી જ રીતે દિલને પણ કાટ ચઢે છે.’ આપ હઝરત અબ્દુલ્લાહ (રદ્.ઇન્હો) અરજ ગુજારી કે તે કેવી રીતે સાફ થાય? આપ રસૂલે કરીમે (સલ.) ફરમાવ્યું કે, 1- મૃત્યુને વારંવાર યાદ કરવાથી અને 2-કુરાન મજીદની તિલાવત (વાંચન) કરવાથી કાટને દૂર કરી શકાય, અને એ કાટ લાગવાનું કારણ કુરાન કરીમમાં જ બતાવી દીધું છે. ફરમાવ્યું છે કે, બેશક, અલ્લાહ તઆલાએ તેઓના ખરાબ કૃત્યોના કારણે, તેમના દિલો પર કાટ ચઢાવી દીધો છે. સાબિત થયું કે, ખોટાં કાર્યોથી દિલ પર કાટ ચઢે છે.

હુઝુરે અનવરે (સલ.) ફરમાવ્યું કે, માનવી જ્યારે કોઈ ગુનો કરે છે, ત્યારે તેના દિલ પર એક કાળું ટપકું ઉપસી આવે છે. પછી જો તે તૌબા (પ્રાયશ્ચિત) કરી લે (ફરી કોઈ ગુનો ન કરવાની શરતે) તો તેનું દિલ સ્વચ્છ થઈ જાય છે. જો તે શખસ વારંવાર ગુનાહ કરતો રહે તો તેનું કાળું નાનું ટપકું, ધીમે ધીમે આખા દિલને ઘેરી લે છે. પછી તે શખસ નેકી-બદી વચ્ચેનો તફાવત ભૂલી જાય છે. માત્ર બદી તરફ જ ખેંચાયા કરે છે.
*  *  *
સાપ્તાહિક સંદેશ
વિચાર અને આચાર વચ્ચે અંતર ઘટાડવા માટે સત્સંગની આવશ્યકતા છે.