અંકિત દેસાઈ
સમાજે પુરુષ માટે સફળતાની એક એવી વ્યાખ્યા ઘડી કાઢી છે જે તેના બૅન્ક બૅલેન્સ, તેના ઘરના ક્ષેત્રફળ અને તેની ગાડીના મોડેલ પરથી નક્કી થાય છે. બાળપણથી જ એક છોકરાના મનમાં એ વાત ઠસાવી દેવામાં આવે છે કે તારે ભવિષ્યમાં કમાણી કરવાનો એક મજબૂત આધાર બનવાનું છે. જો તે મહિને મંતવ્ય મુજબનો સારો પગાર મેળવે, મોંઘી ગાડી ચલાવે અને પરિવારની ભૌતિક જરૂરિયાતો પૂરી કરી શકે તો સમાજ તેના પર પસફળ પુરુષ’નો સિક્કો મારી દે છે.
જોકે અહીં સવાલ એ થાય છે કે શું એક પુરુષનું સમગ્ર અસ્તિત્વ માત્ર તેના કમાવાના સાધન કે આંકડાઓ સુધી જ સીમિત છે? શું જે પુરુષ માત્ર સરખું કમાઈ લાવે છે, તેને આંખ બંધ કરીને સફળ માની લેવો વ્યાજબી છે કે પછી સફળતાનો આંકડો કમાણીની સરહદો ઓળંગીને પુરુષના વ્યક્તિત્વના ઘણા ઊંડા ખૂણાઓ સુધી વિસ્તરેલો છે?
જો કમાણી જ સફળતાનો આખરી માપદંડ હોત તો દિવસમાં બાર-બાર કલાક કામ કરીને થાકીને લોથપોથ થઈને ઘરે પાછા ફરતા, પણ પરિવાર સાથે બે ઘડી પ્રેમથી વાતો કરવાનો સમય કે માનસિક શાંતિ ન ધરાવતા પુરુષો સૌથી વધુ સફળ ગણાત. કમાણી ચોક્કસપણે જીવન નિર્વાહ અને સ્થિરતા માટે અનિવાર્ય છે, તેમાં કોઈ બેમત નથી.
આર્થિક રીતે આત્મનિર્ભર હોવું અને પોતાના પરિવારનું ભરણપોષણ કરવું એ પુરુષની જવાબદારીનો એક મહત્ત્વનો ભાગ છે, પરંતુ જ્યારે આ કમાણી જ પુરુષની એકમાત્ર ઓળખ બની જાય છે ત્યારે પુરુષત્વનો અસલી મર્મ ક્યાંક ખોવાઈ જાય છે. કમાણી એ સફળતાનું એકમાત્ર પાસું હોઈ શકે, પણ સમગ્ર સફળતા ક્યારેય નહીં.
ખરેખર તો સફળ પુરુષ એ છે જે માનસિક અને ભાવનાત્મક રીતે પરિપક્વ છે. જે પુરુષ પોતાના ઘરમાં માત્ર પૈસા લાવવા પૂરતો મર્યાદિત નથી રહેતો, પરંતુ પોતાના પરિવારને સુરક્ષા, પ્રેમ અને સન્માનની અનુભૂતિ કરાવે છે તે સાચા અર્થમાં સફળ છે. પુરુષની સફળતા એ વાતમાં છુપાયેલી છે કે તે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાની ભાવનાત્મક સ્થિરતા કેવી રીતે જાળવી રાખે છે.
તે પોતાના ગુસ્સા પર,પોતાની અહમ્-વૃત્તિ પર અને પોતાની નબળાઈઓ પર કેટલો વિજય મેળવે છે તે તેની ખરી કસોટી છે. એક સફળ પુરુષ એ નથી જે ઘરમાં હુકમ ચલાવે કે પોતાની આર્થિક શક્તિનો રોફ જમાવે, પરંતુ એ છે જે પોતાના પરિવારના સભ્યોનાં સપનાંઓને પાંખો આપે છે અને તેમની પડખે ઢાલ બનીને ઊભો રહે છે.
આજના આધુનિક સમયમાં પુરુષ માટે સફળતાની વ્યાખ્યામાં સંવેદનશીલતાનો ઉમેરો થવો ખૂબ જરૂરી બન્યો છે. પરંપરાગત રીતે પુરુષને એવું શીખવવામાં આવ્યું છે કે રડવું કે પોતાની નબળાઈ દર્શાવવી એ નપુંસકતા કે નબળાઈની નિશાની છે, પરંતુ સાચો સફળ પુરુષ એ છે જે પોતાની ભાવનાઓને સ્વીકારવાની હિંમત ધરાવે છે. તે પોતાની પત્ની કે માતા સમક્ષ પોતાના ડર કે થાકની કબૂલાત કરતાં અચકાતો નથી.
તે માત્ર આર્થિક પુરવઠો પૂરો પાડનાર પપ્રોવાઇડર’ નથી બનતો, પરંતુ એક ઉત્તમ શ્રોતા અને સંવેદનશીલ સાથી બને છે. પોતાના બાળકના ઉછેરમાં માત્ર પૈસા ખર્ચવાને બદલે પોતાનો કીમતી સમય આપવો, બાળકની નાની-નાની ખુશીઓમાં સામેલ થવું અને તેને એક સારો માણસ બનાવવામાં યોગદાન આપવું એ પુરુષની સફળતાનું એક ખૂબ મોટું અને ઊંડું પરિમાણ છે.
સફળ પુરુષની વ્યાખ્યામાં તેનું પોતાના પ્રત્યેનું વલણ પણ એટલું જ મહત્ત્વનું છે. જે પુરુષ કમાણીની દોડમાં પોતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ખોઈ બેસે છે તે ગમે તેટલો શ્રીમંત હોય તો પણ તેને સફળ ન કહી શકાય. પોતાના શરીરનું ધ્યાન રાખવું, પોતાના મનને શાંત રાખવું, પોતાના શોખ અને રોચક વિષયો માટે સમય ફાળવવો અને જીવનમાં એક સંતુલન જાળવી રાખવું એ સાચા પુરુષાર્થનું લક્ષણ છે. જે પુરુષ પોતાના આત્મા સાથે સંવાદ સાધી શકે છે, જેને પોતાની ઓળખ માટે માત્ર પોતાના હોદ્દા કે પદની જરૂર નથી પડતી તે પુરુષ આંતરિક રીતે સમૃદ્ધ અને સફળ છે.
આ ઉપરાંત, સમાજ અને સંબંધો પ્રત્યેનો તેનો દૃષ્ટિકોણ પણ તેની સફળતા નક્કી કરે છે. એક સફળ પુરુષ એ છે જે સ્ત્રીના અસ્તિત્વ અને તેની સ્વતંત્રતાનું સન્માન કરે છે. તે પોતાની સફળતાથી બીજાને દબાવવાનો પ્રયાસ નથી કરતો, પરંતુ પોતાની સાથે જોડાયેલા દરેક વ્યક્તિને આગળ વધવામાં મદદરૂપ બને છે. તેની હાજરી માત્રથી આસપાસના લોકો સુરક્ષિત અને આશ્વાસન અનુભવે છે. તેની વાણીમાં વિવેક, વ્યવહારમાં નમ્રતા અને નિર્ણયોમાં તર્ક સંગતતા હોય છે. પૈસા તો કોઈ પણ ગેરમાર્ગે કે નસીબજોગ પણ કમાઈ શકે છે, પરંતુ ચારિત્ર્ય, સન્માન અને આંતરિક શાંતિ કમાવવી એ દરેકના બસની વાત નથી.
છેવટે તો સફળતા એ કોઈ અંતિમ પડાવ નથી, પરંતુ જીવન જીવવાની એક પદ્ધતિ છે. જે પુરુષે પોતાના જીવનમાં કામ, પરિવાર, સ્વાસ્થ્ય અને પોતાની આંતરિક શાંતિ વચ્ચે એક અદ્ભુત સંતુલન સાધી લીધું છે તે જ સાચા અર્થમાં સફળ છે. જે પુરુષ રાત્રે શાંતિથી ઊંઘી શકે છે, જેની આંખોમાં પોતાના પરિવાર માટે પ્રેમ અને સંતોષ છે અને જેના દિલમાં કોઈ અપરાધભાવ નથી તે પુરુષ દુનિયાના કોઈ પણ અબજોપતિ કરતાં વધુ સફળ છે. તેથી કમાણીના આંકડાઓથી પુરુષની સફળતા માપવાનું બંધ કરીને તેના ગુણો, તેની સંવેદનશીલતા અને તેના જીવનના સંતુલનને જોતાં શીખવું પડશે. સફળ પુરુષ એ નથી જે માત્ર ઘર ચલાવે છે, પરંતુ એ છે જે પોતાના અસ્તિત્વથી અનેક જીવનને સુંદર અને અર્થપૂર્ણ બનાવે છે.