Wed Jun 17 2026

Logo

SG હાઈવે પર ટ્રાફિકથી મળશે મોટી રાહત: ઇસ્કોનથી કે.ડી. હોસ્પિટલ રોડ ઝીરો ટોલરન્સ જાહેર

2026-06-15 12:41:58
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકની સમસ્યાના દિવસેને દિવસે વકરી રહી છે. આ દરમિયાન પ્રાયોગિક ધોરણ કેટલીક જગ્યાએ કટ બંધ કરવામાં આવ્યા હતા. જેના પરિણામે ટ્રાફિક જામની સમસ્યામાંથી રાહત મળી હતી અને સમય-ઈંધણનો પણ બચાવ થયો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શહેરોના માર્ગો પર વધતી જતી ટ્રાફિક જામની સમસ્યાને હલ કરવા માટે સિટી ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે એક મોટો એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પહેલ અંતર્ગત શહેરના 76 કિલોમીટર લાંબા રિંગ રોડ પરના કુલ 40 કટ  બંધ કરી દેવામાં આવ્યા છે. વહીવટી તંત્રનો દાવો છે કે આ પગલાથી વાહનચાલકોને ટ્રાફિકના પીક અવર્સ  દરમિયાન 30 મિનિટ સુધીનો સમય બચાવવામાં મદદ મળશે.

બીજી તરફ, અગાઉ ગોતા, સોલા અને પેલેડિયમ મોલ પાસેના કટ બંધ કર્યા બાદ, તંત્ર હવે ટ્રાફિકની ગીચતાને વધુ ઓછી કરવા માટે એસ.જી. હાઈવે પરના અન્ય છ કટ બંધ કરવા અંગે વિચારણા કરી રહ્યા છે. હાલમાં પ્રહલાદનગર, ઇસ્કોન, વાયએમસીએ, થલતેજ અને કર્ણાવતી ક્લબ પાસેના કટ બંધ કરવા અંગે વ્યાપક સર્વે ચાલી રહ્યો છે. આગામી દિવસોમાં સંબંધિત વિભાગોની બેઠક બાદ આ અંગે આખરી નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાનના ભાગરૂપે, ઇસ્કોન ચાર રસ્તાથી કે.ડી. હોસ્પિટલ વચ્ચેના વ્યસ્ત માર્ગને ઝીરો ટોલરન્સ રોડ જાહેર કરવામાં આવ્યો છે. સત્તાધીશોએ આ પટ્ટાને સંપૂર્ણપણે સિગ્નલ-મુક્ત બનાવવા અને ટ્રાફિકની અવરજવર અવિરત ચાલુ રહે તે માટે એક બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. આ કોરિડોર પરના 27 સ્થળોનું નિરીક્ષણ કર્યા પછી, ટ્રાફિક પોલીસે એક વિગતવાર અહેવાલ તૈયાર કર્યો છે અને જરૂરી માળખાકીય ફેરફારોની ભલામણ કરતું પ્રેઝન્ટેશન AMC સોંપવામાં આવ્યું છે.

ઝીરો ટોલરન્સ રોડ એટલે શું?
ઝીરો ટોલરન્સ રોડ એટલે એવો માર્ગ જ્યાં ટ્રાફિકના નિયમોનું કોઈ પણ પ્રકારની ઢીલાશ વગર સખત રીતે પાલન કરાવવામાં આવે છે. આ વ્યવસ્થા હેઠળ, ગેરકાયદેસર પાર્કિંગ, નો-પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરવું, રોંગ સાઈડ ડ્રાઈવિંગ  અને ટ્રાફિક સિગ્નલ તોડવા જેવા ઉલ્લંઘનો સામે કડક હાથે કામ લેવામાં આવે છે અને નિયમ તોડનારાઓ પર તાત્કાલિક દંડ ફટકારવામાં આવે છે.