કઝિનનું અકસ્માતમાં મૃત્યુ થયું હોવાથી કિશન ફાઇનલ પહેલાં હતાશ અને ગમગીન હતો
અમદાવાદઃ સાતમી ફેબ્રુઆરીએ ટી-20 વર્લ્ડ કપ શરૂ થયો એ પહેલાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનું લિસ્ટ નક્કી થતાં પહેલાં કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ઇશાન કિશને નામ મનોમન નક્કી જ કરી રાખ્યું હતું, પણ કન્ફર્મ કરવા માટે તેને માત્ર એટલું જ પૂછ્યું હતું કે `વર્લ્ડ કપ જિતાયેગા?'
કિશને (Kishan) જવાબમાં સામું પૂછ્યું, `ભરોસા કરોગે?' સૂર્યાએ ત્યારે તેને જવાબમાં `હા' પાડી એ સાથે જ ટીમમાં કિશનનો સમાવેશ નક્કી થઈ ગયો હતો અને કિશને આ વર્લ્ડ કપમાં કુલ 241 રન કરીને જેમાં ખાસ કરીને રવિવારની ફાઇનલમાં હાફ સેન્ચુરી કરીને સૂર્યા (Surya)ના વિશ્વાસને યોગ્ય ઠરાવ્યો હતો.
કિશને રવિવારે ન્યૂ ઝીલૅન્ડ સામેની ફાઇનલમાં પચીસ બૉલમાં ચાર સિક્સર અને ચાર ફોરની મદદથી 54 રન કર્યા હતા. ભારતે કિવીઓને ફાઇનલમાં 96 રનથી હરાવીને વિક્રમજનક ત્રીજી વખત આ ફૉર્મેટના વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી હતી.
મૂળ બિહારનો કિશન ફાઇનલમાં ભારે હૃદયે રમ્યો હતો. ફાઇનલના આગલા દિવસે તેને ખબર પડી હતી કે તેની કઝિનનું થોડા દિવસ પહેલાં અકસ્માતમાં મૃત્યુ થયું હતું. કિશને પત્રકારોને રવિવારે ફાઇનલ પછી કહ્યું, `મારી કઝિન સિસ્ટર થોડા દિવસ પહેલાં કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તે હંમેશાં મને કહેતી કે દરેક મૅચમાં તું ઢગલો રન બનાવજે. શનિવારે હું એ બૅડ ન્યૂઝ મળ્યા બાદ શોકમગ્ન હતો, પણ હિંમત એકઠી કરીને ફાઇનલમાં રમ્યો હતો.' કિશને ફાઇનલની હાફ સેન્ચુરી કઝિન સિસ્ટરને અર્પણ કરી હતી.