Thu Jun 18 2026

Logo

ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીનું મોત, ઈરાની મીડિયાએ કરી પુષ્ટિ

Tehran   2026-03-01 08:57:00
Author: Vimal Prajapati
Article Image

તેહરાનઃ ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાની મીડિયાએ ખામેનીના મૃત્યુની પુષ્ટિ કરી છે. ઈરાને 40 દિવસનો જાહેર શોક જાહેર કર્યો હોવાના અહેવાલ મળ્યાં છે. ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીના મોતનો ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો, પરંતુ હવે ઈરાની મીડિયા દ્વારા પણ ખામેનીના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, માત્ર ખામેની જ નહીં પરંતુ ખામેનીના આખા પરિવારનું મોત થયું હોવાના અહેવાલ મળ્યાં છે. 

ઈરાનની સરકારી સમાચાર એજન્સી પણ કરી પુષ્ટી

ઈરાની મીડિયાએ કહ્યું કે, દેશના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનીનું મોત થઈ ગયું છે. ઈરાનની સરકારી સમાચાર એજન્સીએ પણ 86 વર્ષીય ખામેનીના મોતની ખબર આપી છે, પરંતુ તેમનું મોત કેવી રીતે થયું તેના વિશે કોઈ વિસ્તૃત જાણકારી આપવામાં આવી નથી. ઈરાની મીડિયા દ્વારા મોતની પુષ્ટી કરવામાં આવી તેના થોડા જ સમય પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા ખામેનીના મોતનો દાવો કર્યો હતો. 

ઈરાની મીડિયાએ ખામેની મોતને બલિદાન ગણાવ્યું 

ખામેનીના મૃત્યુની પુષ્ટિ થયા પછી ઈરાની મીડિયાએ ખામેની મોતને બલિદાન ગણાવ્યું છે. લખ્યું કે, તમારા મૃત્યુ પહેલાં, કૃપા કરીને તમારા બાળકો અને ભાવિ પેઢીઓને કહો કે અમે એક એવો સમય જોયો જ્યારે 86 વર્ષીય મુજાહિદ ઇસ્લામ માટે એકલા લડ્યા, જ્યારે સમગ્ર વિશ્વ અને ઇસ્લામિક દેશો મૌન અને ઉદાસીનતામાં ડૂબેલા હતા. આ ઉંમરે પણ તેઓ અડગ રહ્યા, ક્યારેય થાક્યા નહીં, ક્યારેય નમ્યા નહીં, પરંતુ સત્યનો અવાજ ઉઠાવતા રહ્યા. આ ઇતિહાસનો એક એવો અધ્યાય છે જેને આવનારી પેઢીઓ આશ્ચર્ય અને ગર્વથી યાદ રાખશે. 

ઈરાની મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ખામેની સાથે તેની દીકરી, પૌત્ર અને જમાઈની પણ હત્યા થઈ છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, ખામેનીના મોત બાદ ઈરાનમાં 40 દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. ખામેનીની હત્યા બાદ ઈરાની સરકારે ઈરાનમાં 40 દિવસ સુધી સાર્વજનિક શોકની જાહેરાત કરી અને સાત દિવસની જાહેર રજા પણ જાહેર કરવામાં આવી છે.