Thu Jun 18 2026

Logo

સાધારણ મૌલવીથી સુપ્રીમ લીડર સુધી: ખામેનેઈનો રહસ્યમય રાજકીય પ્રવાસ

Tehran   2026-03-01 09:57:00
Author: Tejas Rajpara
Article Image

 

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ તણાવમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈનું 86 વર્ષની વયે અમેરિકી-ઈઝરાયેલ હુમલામાં મોત થયાના અહેવાલે મધ્ય-પૂર્વના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. છેલ્લા 37 વર્ષથી ઈરાનની સત્તાના સર્વેસર્વા રહેલા ખામેનેઈ માત્ર એક દેશના નેતા નહોતા, પરંતુ વિશ્વભરના શિયા સમુદાયના સૌથી પ્રભાવશાળી ચહેરાઓમાંના એક હતા. તેમના નિધન સાથે જ ઈરાનના ઈતિહાસના એક અત્યંત શક્તિશાળી અને કટ્ટરપંથી પ્રકરણનો અંત આવ્યો છે.

મશહદના મૌલવીથી ક્રાંતિના નાયક સુધી

ખામેનેઈનો જન્મ 1939માં મશહદના એક સાધારણ પરિવારમાં થયો હતો. ધાર્મિક શિક્ષણ પ્રત્યે તેમનો ઝુકાવ બાળપણથી જ હતો, જેના કારણે માત્ર 11 વર્ષની ઉંમરે તેઓ મૌલવી બની ગયા હતા. 1950ના દાયકામાં કુમ ખાતે તેમની મુલાકાત ઈસ્લામિક ક્રાંતિના જનક આયાતુલ્લા ખુમૈની સાથે થઈ, જેમણે ખામેનેઈના જીવનની દિશા બદલી નાખી. શાહના શાસન વિરુદ્ધના દેખાવોમાં સક્રિય રહેવા બદલ તેમને 6 વખત જેલની સજા પણ ભોગવવી પડી હતી, જે તેમના મક્કમ નિર્ધારનું પ્રતીક હતું.

જીવલેણ હુમલો અને IRGCની સ્થાપના

1979ની ઈસ્લામિક ક્રાંતિ બાદ ખામેનેઈ નવી સરકારના પાયાના પથ્થર બન્યા. 1981માં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમના પર બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તેમનો જમણો હાથ હંમેશા માટે લકવાગ્રસ્ત (પેરાલાઈઝ) થઈ ગયો હતો. જોકે, આ હુમલાએ તેમને વધુ મજબૂત બનાવ્યા. રક્ષા મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે 'ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC) ની રચના કરી હતી, જે આજે ઈરાનની સૌથી શક્તિશાળી અને આધુનિક સૈન્ય પાંખ માનવામાં આવે છે.

પરમાણુ શક્તિ અને પશ્ચિમી દેશો સાથે દુશ્મની

વર્ષ 1989માં ખુમૈનીના અવસાન બાદ ખામેનેઈ ઈરાનના સુપ્રીમ લીડર તરીકે નિયુક્ત થયા. તેમના નેતૃત્વમાં ઈરાને પોતાનો પરમાણુ કાર્યક્રમ ખૂબ જ તેજીથી આગળ વધાર્યો, જેને કારણે અમેરિકા અને ઈઝરાયેલ સાથેના સંબંધો કાયમી દુશ્મનીમાં ફેરવાઈ ગયા. તેમની ઓળખ એક અત્યંત કડક અને સિદ્ધાંતવાદી નેતા તરીકેની હતી, જેમણે પશ્ચિમી દબાણ સામે ક્યારેય ઝૂકવાનું સ્વીકાર્યું નહોતું. હવે તેમના ગયા પછી ઈરાન કઈ દિશામાં જશે તે જોવું રસપ્રદ રહેશે.

કોણ સંભાળશે ઈરાનની બાગડોર?

ખામેનેઈના નિધન બાદ હવે સૌથી મોટો પ્રશ્ન તેમના ઉત્તરાધિકારીનો છે. હાલમાં તેમના પુત્ર મૌતબા ખામેનેઈ અને અયાતુલ્લા ખુમૈનીના પૌત્ર હસન ખુમૈનીના નામ સૌથી મોખરે છે. જોકે, અંતિમ નિર્ણય 'એક્સપર્ટ કાઉન્સિલ' દ્વારા લેવામાં આવશે. આ પસંદગીની પ્રક્રિયામાં IRGCની ભૂમિકા નિર્ણાયક સાબિત થશે, કારણ કે સેનાનો પ્રભાવ દેશની વ્યવસ્થા પર સૌથી વધુ છે. ટૂંક સમયમાં જ ઈરાન નવા સર્વોચ્ચ નેતાના નામની જાહેરાત કરી શકે છે.