Thu Jun 18 2026

Logo

દુબઈની આલીશાન હોટલ પર મિસાઈલ હુમલો? પામ જુમેરાહની ફેયરમોન્ટ હોટલ પાસે વિસ્ફોટનો વીડિયો વાયરલ...

dubai   2026-02-28 22:40:19
Author: Devayat
Article Image

દુબઈઃ ઈરાન દ્વારા કરવામાં આવી રહેલા વળતા હુમલાને કારણે સમગ્ર મધ્ય-પૂર્વની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. શનિવારે ઈરાન તરફથી કરવામાં આવેલા હુમલા દરમિયાન દુબઈમાં અનેક સ્થળોએ વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. અહેવાલો મુજબ, દુબઈના પ્રસિદ્ધ પામ જુમેરાહ વિસ્તારમાં આવેલી 'ફેયરમોન્ટ ધ પામ' હોટલ પર ઈરાની મિસાઈલ પડી હોવાની આશંકા સેવાઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાના વીડિયો વાયરલ થયા છે, જેમાં હોટલની બહાર ધુમાડાના ગોટા અને આગની લપેટો સ્પષ્ટ જોઈ શકાય છે. જોકે, સત્તાવાર રીતે હજુ એ પુષ્ટિ નથી થઈ.

UAEના સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરી હતી કે ઈરાન દ્વારા છોડવામાં આવેલી બેલેસ્ટિક મિસાઈલો દ્વારા UAE પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, અમીરાતની એર ડિફેન્સ સિસ્ટમે કુશળતાપૂર્વક આ મિસાઈલોનો સામનો કર્યો અને અનેક મિસાઈલોને હવામાં જ તોડી પાડી હતી. ફેયરમોન્ટ હોટલ ખાતે બનેલી ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જોરદાર વિસ્ફોટ બાદ આકાશમાં કાળો ધુમાડો છવાઈ ગયો હતો અને તાત્કાલિક એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડતી જોવા મળી હતી.

દુબઈ મીડિયા ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું છે કે ઇમરજન્સી રેસ્ક્યૂ ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે. નાગરિક સુરક્ષા વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે હોટલમાં લાગેલી આગને બુઝાવી દેવામાં આવી છે અને ચાર ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલમાં સમગ્ર વિસ્તારને સુરક્ષિત કરી દેવામાં આવ્યો છે અને સંભવિત ખતરાને જોતા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.