તહેરાન/બાકુઃ વિશ્વ આખું અત્યારે ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષ પર નજર રાખી રહ્યું છે, ત્યારે અચાનક ઈરાને પાડોશી દેશ અઝરબૈજાન તરફ પોતાની તોપો ફેરવી છે. મળતા અહેવાલો મુજબ, ઈરાને અઝરબૈજાનના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વિસ્તારો પર ડ્રોન વડે હુમલો કર્યો છે. આ ઘટનાને પગલે દક્ષિણ કાકેશસ ક્ષેત્રમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ હુમલા બાદ ઈરાન અને અઝરબૈજાન વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ભારે ખટાશ આવી ગઈ છે અને સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર આજે બપોરના સમયે ઈરાન તરફથી બે ડ્રોન લોન્ચ કરવામાં આવ્યા હતા. જેમાં એક ડ્રોન નખચિવન ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગ પર ત્રાટક્યું હતું, જેના કારણે ત્યાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને બિલ્ડિંગનો મોટો હિસ્સો ક્ષતિગ્રસ્ત થયો હતો. જ્યારે બીજું ડ્રોન શેખરાબાદ ગામમાં એક શાળા પાસે ક્રેશ થયું હતું. આ હુમલામાં બે સામાન્ય નાગરિકો ઘાયલ થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ છે.
આ હુમલા બાદ અઝરબૈજાન સરકારે કડક વલણ અપનાવ્યું છે. બાકુએ તેહરાન સામે આકરો વિરોધ નોંધાવતા ઈરાનના રાજદૂત મોજતબા ડરમિચિલુને સમન્સ પાઠવ્યું છે. અઝરબૈજાનના વિદેશ મંત્રાલયે આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું સરેઆમ ઉલ્લંઘન ગણાવ્યું છે. અઝરબૈજાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેમની પાસે આ હુમલાનો યોગ્ય જવાબ આપવાનો પૂરેપૂરો અધિકાર છે અને ઈરાને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.
વૈશ્વિક રાજનીતિની દ્રષ્ટિએ જોવામાં આવે તો, અઝરબૈજાન હંમેશાં પાકિસ્તાન અને તુર્કીયે સાથે ગાઢ સંબંધો ધરાવે છે. આ ત્રણેય દેશોનું એક મજબૂત ગઠબંધન છે. નોંધનીય છે કે અઝરબૈજાન કાશ્મીર જેવા સંવેદનશીલ મુદ્દે હંમેશા ભારત વિરોધી નિવેદનો આપતું આવ્યું છે અને પાકિસ્તાનનો પક્ષ લેતું રહ્યું છે.
હાલમાં જ અઝરબૈજાનના રાષ્ટ્રપતિએ પાકિસ્તાનની મુલાકાત પણ લીધી હતી. જોકે, ઈરાનના આ તાજેતરના આક્રમણ બાદ અઝરબૈજાન હવે મુશ્કેલીમાં મુકાયું હોય તેમ જણાય છે.