અમેરિકા, ઈઝરાયલ, યુરોપ અને તેના પશ્ચિમી સહયોગી રાષ્ટ્રના જહાંજને ઈરાદાપૂર્વક તોડાશે
તહેરાનઃ ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર દુનિયા પર એની માઠી અસર થઈ રહી છે. સમગ્ર મીડલ ઈસ્ટમાં તણાવગ્રસ્ત સ્થિતિ ઊભી થઈ છે. એવામાં હોર્મુઝ ક્રિકને લઈને એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ભારત માટે રાહતના સમાચાર એ છે કે, હોર્મુઝ ક્રિક માત્ર અમેરિકા, ઈઝરાયલ, યુરોપ અને તેના પશ્ચિમી સહયોગી રાષ્ટ્રના શીપ-જહાંજ કે કંટેનર્સ વેસલ્સ માટે સંપૂર્ણ રીતે બંધ રહેશે. ઈરાન સરકારના પ્રસારણ માધ્યમ IRIB પરથી આ જાહેરાત કરવામાં આવી છે.
ભારત સરકારને મોટી રાહત
IRGC (Islamic Revolutionary Guard Corps)એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો અમેરિકા, ઈઝરાયલ, યુરોપ અથવા તેના સમર્થક રાષ્ટ્રના કોઈ પણ જહાંજ, શીપ કે કંટેનર્સ વેસલ્સ જે મહત્ત્વના હશે તે આ જળમાર્ગ પાર કરવાનો પ્રયાસ કરશે તો તેના પર ઈરાદાપૂર્વક હુમલો કરવામાં આવશે. મિસાઈલ મારો કરીને તેને તોડી નાંખવામાં આવશે. આ પહેલા IRGCએ સ્પષ્ટતા કરી હતી કે, આ જળમાર્ગનો ઉપયોગ કરવાની છૂટ માત્ર ચીનને આપવામાં આવી છે. આ એલાન બાદ હવે એક મોટી રાહત એ થઈ છે કે, ભારતને ક્રૂડ ઓઈલથી લઈને જીવનજરૂરી ચીજવસ્તુઓ સરળતાથી પ્રાપ્ય થશે.
ઈરાનના અધિકારીઓનું એલાન
ઈરાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંબંધીત પ્રસ્તાવ અનુસાર યુદ્ધ જેવી સ્થિતિમાં ઈસ્લામિક ગણરાજ્ય ઈરાને હોર્મુઝનો જળમાર્ગ રૂટ પર નિયંત્રણ રાખવાનો પૂરો અધિકાર છે. IRGCએ ચોખવટ કરી છે કે, અમે અગાઉ પણ કહી ચૂક્યા છીએ કે, યુદ્ધના સમયે આ જળમાર્ગ પર નિયંત્રણ રાખવાનો અમને પૂરો હક છે. ઈરાન-અમેરિકા દ્વારા એક સંયુક્ત સૈન્ય અભ્યાસ બાદ આ રૂટને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ કારણે વૈશ્વિક ફલક પર ક્રુડ ઓઈલની કિંમતમાં વધારો થયો હતો.
દરિયામાં અટવાયા મોટા જહાંજો
ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થતા હોર્મુઝ જળમાર્ગ તમામ પ્રકારના જહાંજ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ કારણે ઈરાન, દુબઈ, દોહા, અઝરબૈજાન જેવા રાષ્ટ્રની આસપાસ મોટી સંખ્યામાં માલવાહક જહાજોને મોટી બ્રેક લાગી હતી, જેની સીધી અસર જીવનજરૂરી ચીજવસ્તુઓ પર પડી અને સમગ્ર સપ્લાય ચેઈન ખોરવાઈ હતી. ઈરાનનું અબ્બાસ બંદર પણ આ કટોકટીનો સામનો કરી રહ્યું છે. ખાડીના દેશમાં પહોંચતી ચીજ વસ્તુઓનો સ્ટોક ખૂટી જવાના એંધાણ વચ્ચે હવે ભારતને મોટી રાહત મળી છે.