Thu Jul 23 2026

Logo

વડોદરાના ગઠિયાએ આદિપુરના સ્કૂલ ક્લાર્કને નવડાવ્યા, શેર અને ફ્રેન્ચાઈઝીના નામે રૂ. ૧૦.૨૦ લાખની ઠગાઈ

2026-05-20 13:28:00
Author: Mayur Patel
Article Image

ભુજ: આદિપુરમાં રહેતા એક યુવકને કંપનીની ફ્રેન્ચાઈઝી અને શેરમાં રોકાણ કરવાના બહાને મૂળ રકમ કરતાં ૧૦ ગણું વળતર આપવાની લાલચ આપી રૂ ૧૦,૨૦,૦૦૦ની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. આદિપુરના ન્યૂ સી.બી.એક્સ. વિસ્તારમાં રહેતા અને સરસ્વતી શાળામાં ક્લાર્ક તેમજ એલ.આઈ.સી. એજન્ટ તરીકે કામ કરતા આશિષ નરેન્દ્ર ભાટિયાએ આ અંગે વિધિવત્ ગુનો નોંધાવ્યો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર, ભોગ બનનાર આશિષભાઈ એક ઓનલાઈન તાલીમ કાર્યક્રમમાં જોડાયા હતા, જ્યાં તેમનો સંપર્ક તાલીમ આપનાર હિમાંશુ પુનદ્રિકલાલ જોશી સાથે થયો હતો. હિમાંશુએ તેમને વોટ્સએપ મેસેજ દ્વારા ‘એડવાઈઝર લર્નિંગ રિસોર્ટ લિમિટેડ’ કંપનીમાં ફ્રેન્ચાઈઝી લેવાની યોજના સમજાવી હતી અને રોકાણ સામે ૧૦ ગણું વળતર તેમજ દર વર્ષે ૧૦ ટકા નફો આપવાની ખાતરી આપી હતી. 

આ પ્રલોભનમાં આવીને ફરિયાદીએ કંપનીના શેર પેટે રૂ.૨૦,૦૦ર અને ત્યારબાદ અલગ-અલગ મળી કુલ રૂ. ૧૦ લાખ ટ્રાન્સફર કર્યા હતા. નાણાં ચૂકવ્યા બાદ જ્યારે ફરિયાદીએ શેર પ્રમાણપત્ર, એગ્રિમેન્ટ અને નફાની માંગણી કરી ત્યારે આરોપી જુદાં-જુદાં બહાના બતાવી વાયદા કરતો હતો. અંતે મૂળ રકમ પણ પરત ન મળતાં ભોગ બનનારે ૭ મે ૨૦૨૬ના રોજ આદિપુર પોલીસ મથકે અરજી આપી હતી, જેના આધારે પોલીસે આજે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(ઉત્સવ વૈદ્ય)