Thu Jun 18 2026

Logo

આઇપીએલમાં રમી ચૂકેલો ક્રિકેટર મૅચ ફિક્સિંગના આરોપમાં સસ્પેન્ડ

DUBAI   2026-03-12 16:30:00
Author: Ajay Motiwala
Article Image

આઇસીસીએ ટીમના ભારતીય મૂળના માલિક રાઠોડ સહિત બે વ્યક્તિ સામે પણ કડક પગલું ભર્યું

દુબઈઃ વેસ્ટ ઇન્ડિઝનો ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર જેવૉન સર્લ્સ ખાસ કંઈ જાણીતો નથી, પરંતુ તેણે ક્રિકેટમાં જે મોટો ગુનો કર્યો એ બદલ તેને ભ્રષ્ટાચાર-વિરોધી આચારસંહિતા હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ટાઇટન્સ નામની ટીમના ભારતીય મૂળના માલિક ચિત્તરંજન રાઠોડ તથા ટીમના ટોચના અધિકારી ટ્રેવૉન ગ્રિફિથ વિરુદ્ધ પણ કડક પગલાં ભરવામાં આવ્યા છે.

આ ત્રણેયે 2023-'24માં બાર્બેડોઝમાં યોજાયેલી બિમ-10 લીગ નામની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ફિક્સિંગ સંબંધિત કૃત્યો કર્યા હોવાનો તેમના પર આરોપ છે. ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) અને ક્રિકેટ વેસ્ટ ઇન્ડિઝના નિયમોના ઉલ્લંઘન કર્યા હતા.

કહેવાય છે કે બિમ-10 લીગ દરમ્યાન મૅચના પરિણામો તથા રમતની સ્થિતિ પર અસર પાડવા સંબંધિત કાવતરું ઘડવામાં આવ્યું હતું. રાઠોડ (Rathod) અને ગ્રિફિથને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તમામ પર ચાર-ચાર આરોપ છે. તેમણે ખેલાડીઓ તેમ જ સપોર્ટ સ્ટાફને ભ્રષ્ટ કૃત્યો માટે લલચાવવાનું કામ કર્યું હતું તેમ જ ભ્રષ્ટાચાર-વિરોધી તપાસમાં સહકાર પણ નહોતો આપ્યો. ત્રણેયને 14 દિવસની અંદર જવાબ આપવા જણાવાયુ છે. 

જેવૉન સર્લ્સ (Javon Searles) આઇપીએલની 2018ની સીઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વતી રમ્યો હતો. ત્યારે તેણે ચાર મૅચમાં બે વિકેટ લીધી હતી. તે અગાઉ વેસ્ટ ઇન્ડિઝ વતી અન્ડર-19 ટીમ વતી રમ્યો હતો. જોકે તેને વેસ્ટ ઇન્ડિઝ વતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નહોતી રમવા મળી. આ પહેલાં તાજેતરમાં જ અમેરિકાની આંતરરાષ્ટ્રીય ટીમના ખેલાડી અને 2024ના ટી-20 વર્લ્ડ કપમાં રમી ચૂકેલા આરૉન જોન્સ વિરુદ્ધ ક્રિકેટને લગતા ભ્રષ્ટાચાર સંબંધિત આચારસંહિતાનો ભંગ કરવાનો આરોપ મુકાયો હતો.