ધરમશાલાઃ અહીં આજે આઇપીએલની 61મી મૅચમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન બેંગ્લૂરુ (Bengaluru)એ બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં ચાર વિકેટે 222 રન બનાવ્યા હતા અને પંજાબને 223 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. પંજાબ (Punjab)ને આ મૅચ જીતીને સતત પાંચ પરાજયની હારમાળા રોકવાની તક છે અને એ માટે એના ઓપનર્સ પ્રિયાંશ આર્ય તથા પ્રભસિમરન સિંહે મજબૂત પાયો નાખી આપવો પડશે. પંજાબ આ મૅચ અગાઉની પાંચ મૅચમાં મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, ગુજરાત, રાજસ્થાન સામે હાર્યું હતું.
બેંગ્લૂરુને 4/222નો મોટો સ્કોર અપાવવામાં વિરાટ કોહલી (58 રન, 37 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) અને દેવદત્ત પડિક્કલ (45 રન, પચીસ બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર)ની જોડીની 76 રનની ભાગીદારીનું મોટું યોગદાન હતું. તેમની આ પાર્ટનરશિપ માત્ર 42 બૉલમાં બની હતી. ત્યાર પછી કોહલી અને વેન્કટેશ ઐયર (73 અણનમ, 40 બૉલ, ચાર સિક્સર, આઠ ફોર) વચ્ચે 35 બૉલમાં 60 રનની અને છેલ્લે વેન્કટેશ તથા ટિમ ડેવિડ (28 રન, 12 બૉલ, બે સિક્સર, બે ફોર) વચ્ચે 30 બૉલમાં 65 રનની ભાગીદારી થઈ હતી. આ ત્રણ ભાગીદારી બેંગ્લૂરુને આજે સત્તાવાર રીતે પ્લે-ઑફમાં પહોંચાડી શકે.

કોહલીએ 31 બૉલમાં આઇપીએલની 67મી હાફ સેન્ચુરી પૂરી કરી હતી. તે યુઝવેન્દ્ર ચહલના બૉલમાં ફ્લિકના પ્રયાસમાં ડીપ મિડવિકેટ પર કૅચઆઉટ થયો હતો.
પંજાબ માટે આબરૂનો સવાલ છે. શરૂઆતમાં વરસાદને લીધે અનિર્ણીત રહેલી એક મૅચને બાદ કરતા બાકીની તમામ છ મૅચ જીતનાર પંજાબ ત્યાર બાદ પાંચ-પાંચ મૅચ હાર્યું એટલે એના માટે પ્લે-ઑફની એન્ટ્રી જે એક સમયે સાવ આસાન હતી એ હવે મુશ્કેલ બની ગઈ છે.
પંજાબ વતી બીજી જ મૅચ રમનાર સ્પિનર હરપ્રીત બ્રારે બે વિકેટ તેમ જ અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલે એક-એક વિકેટ લીધી હતી.