Thu Jun 18 2026

Logo

વર્લ્ડ કપની ટીમો પરવારી ગઈ, પણ આઇપીએલની ટીમોના માલિકોની ચિંતા શરૂ થઈ

2026-03-12 19:38:37
Author: Ajay Motiwala
Article Image

અજય મોતીવાલા

ભારતમાં ક્રિકેટોત્સવ ચાલી રહ્યો છે જેમાં `ટી-20ની વર્લ્ડ વૉર' તો હેમખેમ પૂરી થઈ ગઈ, પણ હવે આઇપીએલ-2026ની સીઝનનું શું થશે? એની થોડી તો ચિંતા આ જગવિખ્યાત ટી-20 ટૂર્નામેન્ટના સંચાલકોને જરૂર સતાવતી હશે. ખરું કહીએ તો આ વખતે વિશ્વ કપ અને આઇપીએલ (IPL) વચ્ચે ગજબનું કનેક્શન જોવા મળ્યું!

વર્લ્ડ કપની મોટા ભાગની ટીમો સ્વદેશમાં ઠરીઠામ થઈ ગઈ, પણ આઇપીએલના 10 ફ્રૅન્ચાઇઝીઓનું ટેન્શન હવે શરૂ થયું છે. વાત એવી છે કે મધ્ય-પૂર્વના યુદ્ધ (Middle East War)ની વિપરીત અસર ક્રિકેટરોની અવરજવર પર પડી છે. સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝની ટીમ વર્લ્ડ કપમાં રમી એને અઠવાડિયા કરતાં પણ વધુ સમય થઈ ગયો હોવા છતાં તેમણે (અખાતના દેશોના ઍર સ્પેસમાંથી પસાર થતી ફ્લાઇટો ઉપલબ્ધ ન હોવાને કારણે) ભારતમાં રોકાઈ રહેવું પડ્યું. એમાંના કેટલાક ખેલાડીઓ 28મી માર્ચે શરૂ થનારી આઇપીએલમાં રમવાના હોવાથી ફ્રૅન્ચાઇઝીઓને ચિંતા હતી કે આ ખેલાડીઓ ક્યારે સ્વદેશ ભેગા થશે અને ક્યારે આઇપીએલ રમવા પાછા ભારત આવશે?

વર્લ્ડ કપનો અંત આવ્યાના ચાર દિવસ બાદ એટલે કે છેક ગુરુવાર, 12મી માર્ચે સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓનું ભારતમાં અટવાયેલું છેલ્લું જૂથ સ્વદેશ જવા રવાના થયું હતું. આઇપીએલનું 28મી માર્ચથી 12મી એપ્રિલ સુધીનું શરૂઆતનું અડધું શેડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યું છે અને આ બન્ને દેશના જે ખેલાડીઓ હજી આ અઠવાડિયે સ્વદેશ પાછા જઈ શક્યા એમાંથી જેમણે આવતા અઠવાડિયે આઇપીએલ રમવા પાછા ભારત આવવાનું છે તેઓ આવી શકશે કે કેમ એ સવાલ છે.

આઇપીએલની 19મી સીઝનની ક્રિકેટપ્રેમીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે, પણ ફ્રૅન્ચાઇઝીઓ ચિંતામાં છે કે જે વિદેશી ખેલાડીઓ નહીં આવી શકે તો તેમના સ્થાને રમાડવા કોને? અમેરિકા અને ઇઝરાયલના સહિયારા આક્રમણ સામે એકલા હાથે ઝઝૂમતું ઇરાન હજી નમ્યું નથી. ઊલટાનું, દુબઈ તેમ જ ઓમાન, કતાર પર હુમલા એણે ચાલુ જ રાખ્યા છે. એવામાં વિદેશી ખેલાડીઓનું વાયા દુબઈ થઈને ભારત આવવું વધુ મુશ્કેલ થઈ રહ્યું છે. યુદ્ધ હજી કેટલા દિવસ ચાલશે એ નક્કી નથી, પણ આઇપીએલ તો 28મી માર્ચે શરૂ થવાની જ છે એટલે ફ્રૅન્ચાઇઝીઓએ જે વિદેશી પ્લેયર્સ ભારત નહીં આવી શકે તેમને ભૂલીને ભારતમાંથી જ આશાસ્પદ ખેલાડીઓને સિલેક્ટ કરીને આઇપીએલનો ક્રિકેટ અને મનોરંજનનો શૉ સમયસર શરૂ કરી દેવો પડશે એવું અત્યારની સ્થિતિ પરથી લાગી રહ્યું છે.

પીટીઆઇને એક ફ્રૅન્ચાઇઝીના અધિકારીએ કહ્યું છે કે સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓને (અખાતના યુદ્ધને કારણે) પાછા મોકલવામાં મોડું થયું એટલે તેમને હવે ભારત પાછા લાવવાનું કામ બહુ મુશ્કેલ થઈ જશે. યુદ્ધને લીધે વિમાન પ્રવાસના ભાડાં ખૂબ વધી રહ્યા છે એટલે ફ્રૅન્ચાઇઝીઓ પર એનો વધારાનો બોજ આવશે. બીજું, ફ્રૅન્ચાઇઝીઓના મૅનેજમેન્ટે કયા વિદેશી ખેલાડી માટે ક્યા શહેરની હૉટેલમાં કેટલા દિવસ માટે રૂમ બુક કરાવવી એ પણ મોટો પ્રશ્ન છે. કમર્શિયલ ગૅસની અછતને લીધે ભારતીય શહેરોની હૉટેલો આઇપીએલ દરમ્યાન ખેલાડીઓ તથા તેમના સપોર્ટ સ્ટાફને કદાચ પસંદગીના નાસ્તો-ભોજન નહીં પીરસી શકે તો? આવી ચિંતા પણ ફ્રૅન્ચાઇઝીઓને સતાવતી હશે. આઇપીએલ રમાવાની છે, ભારતના જ શહેરોમાં, પરંતુ વિદેશી પ્લેયર્સ આવવાનું નક્કી જ ન હોય તો તેમના માટે કઈ ફ્લાઇટની ક્યારની ટિકિટ બુક કરાવવી અને હૉટેલોની કેટલી રૂમ ભાડે લેવી એની પણ અધિકારીઓ ગડમથલમાં છે. આમ પણ ત્રણ રાજ્ય પશ્ચિમ બંગાળ, તમિળનાડુ અને આસામમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી હોવાથી આઇપીએલના સમયપત્રકને અસર થવાની જ હતી ત્યાં હવે બે અઠવાડિયાથી ચાલતા મહાયુદ્ધે આઇપીએલની ટીમોના માલિકોનું કામ વધારી દીધું છે.

જે કંઈ હોય, એક વાત ચોક્કસ છે કે જેટલા વિદેશી ખેલાડીઓ આઇપીએલમાં સમયસર રમવા નહીં આવી શકે તેમના સ્થાને ભારતના જ ટૅલન્ટેડ ખેલાડીઓને રમવાનો મોકો જરૂર મળશે. આમ પણ 2008માં આ ટૂર્નામેન્ટ શરૂ કરવા પાછળનો સૌથી મોટો હેતુ બને એટલા વધુ ભારતના યુવા ખેલાડીઓને જ તક આપવાનો હતો. કેટલાક તો એવી વાતો કરે છે કે યુદ્ધની મોકાણને લીધે આઇપીએલ-2026 મુલતવી પણ રહી શકે. આશા રાખીએ કે યુદ્ધનો જલદી અંત આવી જાય અને આઇપીએલનો સમયસર આરંભ થાય.