નિલેશ વાઘેલા
અખાતી યુદ્ધમાં જો કોઇ સૌથી માઠી અસર થઇ હોય તો એ આપણાં ચલણનો રકાસ છે! રૂપિયો માંદગીના બિછાને પટકાયો છે. ઇરાનમાં યુદ્ધ શરૂ થયા બાદ વૈશ્ર્વિક બજારોમાં જે અસ્થિરતા સર્જાઈ છે, તેની સીધી અને તાત્કાલિક અસર ભારત જેવા આયાત આધારિત અર્થતંત્ર પર જોવા મળી રહી છે. ખાસ કરીને ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલા ઉછાળાએ ભારત માટે બેવડો ફટકો માર્યો છે, એક તરફ આયાત ખર્ચ વધી રહ્યો છે અને બીજી તરફ રૂપિયાની કિંમત ડોલર સામે સતત દબાણમાં આવી રહી છે. આ પરિસ્થિતી માત્ર તાત્કાલિક આર્થિક ચિંતાનો વિષય નથી, પરંતુ લાંબા ગાળાના નીતિગત પ્રશ્ર્નો ઊભા કરે છે.
ડૉલર સામે રૂપિયાનો ઘટાડો ભારત માટે નવી બાબત નથી, પરંતુ આ વખતે તેની ગતિ અને કારણો બંને અલગ તેમ જ ચિંતાજનક છે. સામાન્ય રીતે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે અનિશ્ચિતતા વધે છે ત્યારે રોકાણકારો સલામત રોકાણ તરીકે ડૉલર તરફ વળે છે, જેના કારણે વિકસતા દેશોની કરન્સી પર દબાણ આવે છે. હાલના સંજોગોમાં પણ એ જ દૃશ્ય જોવાં મળી રહ્યું છે. પરિણામે, રૂપિયો નબળો પડી રહ્યો છે અને તેની સીધી અસર આયાત પર પડી રહી છે.
ખાસ કરીને ભારત માટે જીવનરેખા સમાન ક્રૂડ ઓઇલના ઊછળતા ભાવ અને રૂપિયાના અવમૂલ્યનને કારણે તેની બમણી અસર ભારત માટે મોટી ચિંતાનો વિષય છે. ક્રૂડ ઓઇલના ભાવથી વધતા પરિવહન ખર્ચમાં વધારો થાય છે, જે પછી મોંઘવારીના રૂપમાં સામાન્ય નાગરિક સુધી પહોંચે છે. પેટ્રોલ-ડીઝલ મોંઘું થાય તો માલવહન ખર્ચ વધે અને અંતે ખાદ્ય પદાર્થોથી લઈને રોજિંદી વસ્તુઓ સુધીના ભાવમાં વધારો થાય છે. આ રીતે, એક વૈશ્ર્વિક ઘટનાની અસર દેશના દરેક ઘરના બજેટ સુધી પહોંચી જાય છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ તાજેતરમાં નોન-ડિલિવરેબલ ફોરવર્ડ (એનડીએફ) માર્કેટમાં નિયંત્રણ, ફોરવર્ડ કોન્ટ્રેક્ટના રીબુકિંગ પર પ્રતિબંધ અને બેંકોની ફોરેક્સ પોઝિશન પર મર્યાદા જેવા કેટલાંક પગલાં લીધાં છે જેથી રૂપિયાના મૂલ્યમાં અચાનક ઘટાડો અટકાવી શકાય. આ બધા પગલાં ટૂંકા ગાળામાં અસરકારક સાબિત થયા છે. રૂપિયાની અવગતિ ધીમી પડી છે અને થોડી સ્થિરતા પણ જોવા મળી છે. પરંતુ પ્રશ્ર્ન એ છે કે શું આ પગલાં લાંબા ગાળે અસરકારક રહેશે?
સરકાર અને આરબીઆઇ બંનેએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ ચોક્કસ એક્સચેન્જ રેટને બચાવવાના પક્ષમાં નથી, પરંતુ અસ્થિરતા ઘટાડવા માગે છે. આ નીતિગત અભિગમ વાસ્તવિક છે, કારણ કે ઓપન માર્કેટમાં કરન્સી પર સંપૂર્ણ નિયંત્રણ શક્ય નથી. આમ છતાં, કમ્ફર્ટ ઝોન તરીકે 92.50થી 94નો દર સૂચવવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે વર્તમાન સ્તર સરકારના ગણિત માટે આદર્શ નથી.
ફોરેક્સ માર્કેટના વિશ્લેષકોનું માનવું છે કે જો વૈશ્ર્વિક પરિસ્થિતિમાં સુધારો નહીં થાય, તો રૂપિયા પર દબાણ ચાલુ રહી શકે છે. ખાસ કરીને જો ક્રૂડ ઓઇલના ભાવ લાંબા સમય સુધી ઊંચા રહે, તો ભારતની કરંટ અકાઉન્ટ ડેફિસિટ (સીએડી - ચાલુ ખાતાની ખાધ) વધશે અને તે રૂપિયાને વધુ નબળો બનાવશે. આ સ્થિતિમાં, વિદેશી રોકાણકારોનો વિશ્ર્વાસ જાળવવો અત્યંત જરૂરી બની જાય છે.
અહીં ભારતની ઊર્જા નીતિ અને આયાત પરની નિર્ભરતા ખૂબ મહત્ત્વનાં પરિબળ છે. જો દેશને લાંબા ગાળે આ પ્રકારના વૈશ્ર્વિક આઘાતોથી બચવવો હોય તો સોલાર, પવન અને ગ્રીન હાઇડ્રોજન સહિતના વૈકલ્પિક ઊર્જા સ્રોતો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આત્મનિર્ભર ભારતનું સૂત્ર માત્ર ઉત્પાદન ક્ષેત્ર પૂરતો સીમિત ન રાખીને, ઊર્જા સુરક્ષા સુધી વિસ્તરવું જોઈએ.
આ ઉપરાંત, નિકાસમાં વધારો કરવા સાથે ઉત્પાદન ક્ષમતા વધારવી પણ મહત્વપૂર્ણ છે. જો ભારત વધુ નિકાસ કરશે તો વિદેશી ચલણની આવક વધશે, જે રૂપિયાને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. હાલમાં, આઇટી અને સેવાઓ ક્ષેત્ર ભારત માટે મજબૂત આધાર છે, પરંતુ મેન્યુફેક્ચરિંગ અને હાઈ-વેલ્યુ એક્સપોર્ટ્સમાં હજુ ઘણું કરવાની આવશ્યકતા છે.
મોંઘવારીનો પ્રશ્ર્ન પણ આ સમગ્ર ચર્ચાનું કેન્દ્ર છે. જો રૂપિયો નબળો પડે અને ક્રૂડ મોંઘું રહે તો આરબીઆઇ માટે વ્યાજ દર ઘટાડવાનો અવકાશ મર્યાદિત થઈ જાય છે. આર્થિક વૃદ્ધિ માટે સસ્તી લોન જરૂરી છે, પરંતુ મોંઘવારી નિયંત્રણમાં રાખવી પણ એટલું જ મહત્વપૂર્ણ છે. આ બેધારી તલવાર જેવી પરિસ્થિતિમાં આરબીઆઇ માટે સંતુલન જાળવવું પડકારજનક બની જાય છે.
વધુમાં, સામાન્ય નાગરિક માટે આ સ્થિતિ કેવી રીતે અસરકારક છે તે પણ સમજવું જરૂરી છે. રોજિંદા જીવનમાં ખર્ચ વધે છે, બચત પર અસર પડે છે, અને રોકાણના નિર્ણયો વધુ જટિલ બને છે. મધ્યમ વર્ગ માટે આ સૌથી મોટો આર્થિક દબાણનો સમય બની શકે છે, કારણ કે આવક સ્થિર રહે છે પરંતુ ખર્ચ વધે છે.
આ પરિસ્થિતિમાં સરકાર માટે રાજકોષીય શિસ્ત જાળવવી પણ મહત્વપૂર્ણ છે. જો સરકાર વધુ ખર્ચ કરશે અથવા સબસિડીમાં વધારો કરશે તો ફિસ્કલ ડેફિસિટ વધી શકે છે, જે ફરીથી કરન્સી પર દબાણ લાવી શકે છે. તેથી સંયમ અને વ્યૂહાત્મક ખર્ચની જરૂર છે.
આખરે, સવાલ એ નથી કે ડૉલર સામે રૂપિયો 100ની નીચી સપાટી સુધી પહોંચશે કે નહીં, પરંતુ સવાલ એ છે કે ભારત પોતાની આર્થિક નીતિઓને કેટલી મજબૂત બનાવી શકે છે જેથી તે વૈશ્ર્વિક આંચકાઓ સામે ટકી શકે. ટૂંકા ગાળાનાં પગલાં જરૂરી છે, પરંતુ લાંબા ગાળાની વ્યૂહરચના વધુ મહત્ત્વપૂર્ણ છે.
આજે રૂપિયો માત્ર એક કરન્સી નથી પરંતુ તે ભારતની આર્થિક શક્તિ, વિશ્વાસ અને સ્થિરતાનું પ્રતિબિંબ છે. જો આપણે આ સંકેતોને યોગ્ય રીતે સમજીને સમયસર યોગ્ય પગલાં લઈએ તો આ સંકટને તકમાં ફેરવી શકાય છે. નહીં તો આ માત્ર એક વધુ આર્થિક પડકાર બની રહેશે, જે ફરી એકવાર આપણને તૈયારીઓના અભાવની યાદ અપાવશે.