લંડનઃ પાકિસ્તાનના ક્રિકેટરોને 2009ની સાલથી આઇપીએલમાં નથી રમવા મળ્યું, પરંતુ ઇંગ્લૅન્ડની જુલાઈ મહિનાની `ધ હન્ડ્રેડ' (The Hundred) નામની 100-100 બૉલવાળી ટૂર્નામેન્ટમાં ભારતીય માલિકીના ફ્રૅન્ચાઇઝીઓ પાકિસ્તાની ખેલાડીઓને નહીં ખરીદે એવી જે વાતો ઘણા મહિનાઓથી ફેલાઈ હતી એ ગુરુવારે શમી ગઈ હતી, કારણકે ચેન્નઈ સ્થિત સન ગ્રૂપની માલિકીની સનરાઇઝર્સ લીડ્સ નામની ટીમે પાકિસ્તાની સ્પિનર અબ્રાર અહમદ (Abrar Ahmed)ને ખરીદ્યો છે.
સનરાઇઝર્સે તેને 2.34 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આઇપીએલની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સન ગ્રૂપની જ માલિકીની છે.
અબ્રાર બીજો પાકિસ્તાની છે જેને ધ હન્ડ્રેડમાં રમવાનો મોકો મળવાનો છે. વિચિત્ર બોલિંગ ઍક્શનવાળા સ્પિનર ઉસ્માન તારિકને બર્મિંગમ ફિનિક્સે 1.72 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
જોકે ફિનિક્સ ટીમના ફ્રૅન્ચાઇઝીનું આઇપીએલ સાથે કોઈ કનેક્શન નથી. ધ હન્ડ્રેડ ટૂર્નામેન્ટ 21મી જુલાઈએ શરૂ થશે અને 16મી ઑગસ્ટે ફાઇનલ રમાશે.