ઈન્ડિયન નેવીની દરેક વોરશિપ એ માત્ર એક મશીન નહીં પણ દેશનું ગૌરવ અને સાર્વભૌમત્વનું પ્રતિક પણ છે. હવે તમે સમાચાર ધ્યાનથી વાંચ્યા હશે તો તમને ખ્યાલ હશે કે હાલમાં જ ઈન્ડિયન નેવીના કાફલામાં INS અરિદમનનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે ખરું કે આ ઈન્ડિયન નેવીના જહાજને કોણ નામ આપે છે અને આ નામની આગળ આઈએનએસ લગાવવામાં આવે છે તો આઈએનએસમાં આખરે આઈએનએસ છે શું? આ સિવાય આ જહાજના નામકરણ પાછળ એક ચોક્કસ તર્ક, પરંપરા અને ઊંડો અર્થ છુપાયેલો હોય છે એ પણ આપણે આ સ્ટોરીમાં જાણીશું...
ભારતીય નૌસેનામાં જહાજોના નામ રાખવાની પ્રક્રિયાને 'નેવલ નોમેનક્લેચર' તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયામાં જહાજની શ્રેણી અને તેના હેતુને ધ્યાનમાં રાખીને નામ પસંદ કરવામાં આવે છે. ચાલો હવે આગળ વધીએ અને જાણીએ કે આ જહાજના નામની આગળ લગાવવામાં આવતા આઈએનએસનો અર્થ શું થાય છે એનો.
આઈએનએસના અર્થની વાત કરીએ તો દરેક જહાજની આગળ લગાવવામાં આવતું આઈએનએસ એટલે કે ઈન્ડિયન નેવલ શિપ (Indian Naval Ship). આ જ દર્શાને છે કે આ જહાજ ભારતીય નૌકાદળના સક્રિય કાફલાનો હિસ્સો છે.
હવે આગળ વધીએ અને વાત કરીએ કે આખરે ઈન્ડિયન નેવીના જહાજોના નામ કઈ રીતે નક્કી કરવામાં આવે છે એની તો આ તમામ જહાજોના નામ વીરતા અને ઐતિહાસિક મહત્વ પરથી રાખવામાં આવે છે. જેમ કે, આઈએનએસ વિક્રાંત (બહાદુર) અને આઈએનએસ વિક્રમાદિત્ય.

જહાજની સાથે સાથે ઈન્ડિયન નેવીની સબમરીનના નામની આગળ પણ આઈએનએસ લગાવવામાં આવે છે. આ સબમરીનના નામ દરિયાઈ જીવો અથવા સમુદ્ર સાથે જોડાયેલી વસ્તુઓ પરથી હોય છે (દા.ત. INS સિંધુઘોષ). જ્યારે પરમાણુ સબમરીનના નામ અત્યંત શક્તિશાળી અર્થ ધરાવતા હોય છે, જેમ કે INS અરિદમન (દુશ્મનોનો નાશ કરનાર).
ફ્રિગેટ્સ અને ડિસ્ટ્રોયર જહાજોના નામ ભારતીય નદીઓ, પર્વતો અથવા શસ્ત્રો પરથી રાખવામાં આવે છે. જેમ કે, INS બ્રહ્મપુત્ર કે INS શિવાલિક. જ્યારે પેટ્રોલિંગ જહાજોના નામ સામાન્ય રીતે ભારતના ટાપુઓના નામ પરથી રાખવામાં આવે છે.
કોણ લે છે અંતિમ નિર્ણય?
હવે વાત કરીએ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ મુદ્દાની એટલે કે આખરે આ જહાજ અને સબમરીનના નામ કોણ નક્કી કરે છે એની તો નૌસેનાની એક ઈન્ટરનલ કમિટી દ્વારા નામોના સૂચનની એક યાદી તૈયાર કરવામાં આવે છે. ત્યાર બાદ આ નામોને અંતિમ મંજૂરી ડિફેન્સ મિનિસ્ટ્રી કે પછી ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે.