ગ્લાસગોઃ શનિવારે સ્કૉટલૅન્ડની કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતને પ્રથમ મેડલ અપાવનાર દિવ્યાંગ પાવરલિફ્ટર ઝંડુ કુમારની દેશ-વિદેશમાં ચર્ચા થવા લાગી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેને `એક્સ' પર અભિનંદન આપીને રાષ્ટ્રના ખૂણે-ખૂણે ઝંડુ કુમારની સિદ્ધિ પહોંચાડી દીધી છે, પરંતુ ઘણાને વિચાર આવ્યો હશે કે ઝંડુ કુમાર નામ પડ્યું કેવી રીતે?
28 વર્ષનો ઝંડુ કુમાર બિહારના હરનૌત ગામનો છે. તેણે ગ્લાસગોની કૉમનવેલ્થમાં 181 કિલો તથા 190 કિલો વજન ઊંચકીને 130.9 પૉઇન્ટ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું અને બ્રૉન્ઝ જીતી લીધો હતો. સુધીર નામનો બીજો પાવરલિફ્ટર 114.1 પૉઇન્ટ સાથે છઠ્ઠા સ્થાને રહ્યો હતો.
ઝંડુ કુમાર પાંચ વર્ષનો હતો ત્યારથી તેને પોલિયો છે. તેના ઈલાજ માટે તેના મમ્મી-પપ્પાએ બનતું બધુ જ કર્યું હતું, પણ તેની એ શારીરિક ખામી દૂર નહોતા કરાવી શક્યા. તેણે પીટીઆઇને કહ્યું, `નાનપણથી મારે બેસીને ચાલવું પડ્યું છે. લોકો મારા વિશે ટોણો મારતા હતા. તેઓ કહેતા કે આ છોકરો વિકલાંગ થઈ ગયો, હવે જીવનમાં આગળ જતાં શું કરશે?'
કોઈકને વિચાર આવ્યો હશે કે દેશની એક જાણીતી બ્રેન્ડના નામ પરથી ઝંડુ કુમારનું નામ પડ્યું હશે. જોકે એવું નથી. ઝંડુ કુમારના પપ્પાને તેમના મિત્રો મજાકમાં કહેતા, `આપ કા બેટા સબ ઝંડુ કર દિયા, સબ પૈસા ખતમ કર દિયા.' તેમનો કહેવાનો અર્થ એ હતો કે ઝંડુ કુમારને કારણે તેના પિતાના બધા પૈસા વેડફાઈ ગયા, બધી મૂડી વેડફાઇ ગઈ.
"Aap ka beta sab jhandu kar diya, sab paisa khatam kar diya (Your son has wasted all your money)," society told Jhandu Kumar's parents. 💔
— The Bridge (@the_bridge_in) July 25, 2026
The nickname, Jhandu, stuck.😔
He once tried to change it to Avinash Kumar. But during a visit to a government office, officials called out… pic.twitter.com/gRG7Pwh1Tp
સરકારી ઑફિસની મુલાકાત ટર્નિંગ પૉઇન્ટ બની
ઝંડુ કુમારના પિતા મિત્રની એ મજાક તો ભૂલી ગયા, પણ પુત્રનું ઉપનામ તેનું મુખ્ય નામ બની ગયું. ઝંડુ કુમારે પોતાનું નામ એક સમયે બદલીને અવિનાશ કુમાર રાખવાનો વિચાર કર્યો હતો, પણ એક દિવસ એક સરકારી ઑફિસમાં જ્યારે તે કોઈ કામસર ગયો ત્યારે અધિકારીઓ તેને ઝંડુ કુમાર કહીને જ બોલાવતા હતા. ઝંડુ કુમાર જ્યારે કૅબિનમાં ગયો ત્યારે અધિકારીઓએ તેને વારંવાર તેનું નામ પૂછ્યું હતું અને ખૂબ હસ્યા હતા. ઝંડુ કુમારે પીટીઆઇને એ કિસ્સા વિશેની વાતમાં કહ્યું, `મેં જોયું કે મારા નામ પર બધા જો ખૂબ હસી રહ્યા છે તો પછી મારે હવે આ જ નામ રાખી મૂકવું છે કે જેથી લોકો હસતાં રહે. હવે મારા તમામ દસ્તાવેજોમાં મારું ઝંડુ કુમાર જ નામ છે. અવિનાશ કુમાર નામ રાખવાનો વિચાર મેં એ સરકારી ઑફિસની મુલાકાત બાદ મનમાંથી કાઢી નાખ્યો હતો.'
માતા-પિતા હજી પણ શાકભાજી વેચે છે
ઝંડુ કુમાર ખેડૂતપુત્ર છે. જોકે એક સમયે તે ગુજરાન ચલાવવા તેમ જ પોતાના ખર્ચને પહોંચી વળવા શાકભાજી વેચતો હતો. તેના માતા-પિતા ગામમાં હજી પણ શાકભાજી વેચે છે. તેણે પીટીઆઇને કહ્યું, `મેં પાવરલિફ્ટિંગમાં કરીઅર બનાવવાનું નક્કી કર્યું ત્યારથી મેં ડાયટ અને ફિટનેસ પર ખાસ ધ્યાન આપ્યું છે. મેં મારા જિમ્નેશ્યમનો ખર્ચ ભોગવવા આઠ-નવ મહિના ઇ-રિક્ષા ચલાવી હતી. પગમાં પોલિયો હોવા છતાં હું ગમે એમ કરીને બે્રક મારી લેતો હતો. હું દિવસના 200-400 રૂપિયા કમાઈ લેતો હતો, પણ રિક્ષા ચલાવ્યા બાદ ખૂબ થાકી જતો એટલે સાંજે જિમ્નેશ્યમમાં જઈ જ નહોતો શક્તો. મારા જિમના સર સુધીરભાઈએ એક સમયે કૉમનવેલ્થ ગેમ્સમાં 212 કિલો વજન ઊંચકીને મેડલ જીતી લીધો હતો એટલે ત્યારે જ મેં નક્કી કર્યું કે હું પણ દેશ માટે મેડલ જીતીશ.'