ડૉ. બળવંત જાની
ઉમરાળીના કાનાભાઈ આહીર અમારે વતનમાં કમળાપુર ખૂબ આવે. એમના ભાણેજ વીરા વાલેરા રાઠોડ અને હું બાળ ગોઠિયા. 1976ના વેકેશનમાં એક વખત દેશમાં લદાયેલી કટોકટી અને આંદોલનને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા- સાહિત્ય ભવનમાં રજાઓને કારણે હું ગામડે હતો. સૌરાષ્ટ્રની રસધારને આધારે મહિલાએ કથેલા દુહા વિશે સ્પર્ધા માટે નિબંધ લખતો હતો.
કાનાભાઈ કમળાપુર આવ્યા હોય ત્યારે મોટાભાગનો સમય મારા દાદાજી સાથે ગાળે અને રાજા-રજવાડા, આહીર-કાઠી, ચારણ સમાજની ઐતિહાસિક વાતો ચાલતી હોય. એમની વેંત-વેંતની મુછો, બગલાની પાંખ જેવાં ધવલ વસ્ત્રો, ટટ્ટાર, ઊંચાઈવાળી પાતળી દેહદૃષ્ટિ અને ખોંખારો ખાઈને વાત માંડે એ મને જોવું-સાંભળવું ખૂબ ગમતું. મને મહારાજ સંબોધન કરતા કહે મારાજ શું વાંચો છો. મેં કહ્યું સૌરાષ્ટ્રની રસધારમાંથી મહિલા દ્વારા કથેલા દુહાઓને આધારે મહિલા દુહાગીરો નામે સ્પર્ધા માટે નિબંધ લખું છું.
મારી પાસેની રસધારના ભાગમાંની આઈ કામબાઈનામની કથા કાઢીને કહે તમારે ત્યાં રતુદાન પાસે હું ખૂબ આવું છું. એ પણ ઉમરાળી આવતા હોય છે. એમને મળવું હતું ને. મેં કહ્યું અમે સાથે જ છીએ. એમણે જ આ બધા આ ભાગ મને આપ્યા છે. કાનાભાઈને સૌરાષ્ટ્રના અનેક કાઠી-ચારણ ડાયરા સાથે ગાઢ સંબંધો હતા. મને કહે આમાં મેઘાણીની ભૂલ છે. આ જાંબુડા ગામની ઘટના નથી. ગામમાં રાજવી કોઈની ઘેર આવી રીતે જાય જ નહીં, પણ ખંભાળિયા ગામની સીમના ખજૂરિયા નેસમાં બનેલી આ બાબત છે.
નેસ રેઢો હતો, પુરુષવર્ગ માલ-ઢોર લઈને નીકળી ગયો હોય અને એકાંત ભાળીને રાજવી પધારેલા. અને એમાંના આ છેલ્લા બે દુહા પણ કામબાઈ આઈના કહેલા છે. રાજવીને માફી આપતી વેળાએ. એમની પાસેની ફાઉન્ટન પેનથી બે-ત્રણ પાઠ પણ મારી નોટબુકમાં સુધારી આપેલા અને મને યાદ છે મારા નિબંધમાં એમનો નામોલ્લેખ મેં કરેલો. અખિલ હિંદ મહિલા પરિષદ તરફથી યોજાયેલી નિબંધ સ્પર્ધામાં મને પહેલું ઈનામ મળેલું. પ્રિયબાળાબહેન શાહની સાથે પછીથી આ કારણે નીકટનો સંપર્ક થયેલો. કાનાભાઈ આહીર મારા સ્મૃતિલોકમાં કાયમી બીરાજેલા છે. એમની ગોઠડીઓમાં એક-બે તરુણ શ્રોતાઓ કાયમી હોય, એમાંનો હું એક઼ એમણે એ ઘટના મને કહેલી. મારા સ્મૃતિપ્રદેશમાં એ આજ સુધી અકબંધ છે.
મૂળ કચ્છના-કાછેલા પણ જામનગર રાજયના સ્થાપક જામ રાવળને દરબાર ગઢમાં કોઈ સેવકે પગચંપી કરતાં-કરતાં કહેલં કે બાપુ અહીં ખંભાળિયા-પડખેના ખજુરિયા નેસમાં એક ચારણબાઈ ભારે રૂપાળા છે, શું એનું રૂપ, કહીને વખાણ કરેલા. સેવકની વાતમાં આવી જઈને કોઈ દિવસે ટાણે-કટાણે બાપુ સેવક સાથે નેસમાં આવેલા. નેસમાં દશ-બાર ખોરડામાં હોય. બપોર વચાળે માલ-ઢોર લઈને ચારણો લગભગ નીકળી ગયા હોય. વહુઆરુમાં જે કોઈ હોય, એ સહુ-સહુના ઘરમાં કામ-આટોપતા હોય, ઘીની તાવણી થાતી હોય. આવા સમયે બે ઘોડેસવાર કામબાઈ આઈને ખોરડે આવ્યા. સેવકે ફળિયામાં જઈને આઈને સાદ દીધો, રાજવી પધાર્યા છે. થાકલો ખાશે ને એને ચા-પાણી કરવા છે.
કામબાઈ આઈએ ઓંસરીમાંથી જ મીઠો આવકારો આપ્યો. આવો ખમ્મા ઘણી આપને, ક્રોડ દિવાળી રાજ કરો કહીને માથેની લોમડીથી કપાળ ઢાંકીને દુ:ખણાં લીધા પણ રાજવીની છાતી પર ટેકવાયેલી ફડી નજર કામબાઈ પારખી ગયા. ત્યાં તો સેવકે ઓંસરીમાં ઢોલિયા ઢાળીને ઉપર નાટે ટાંગેલી ઘડકી પાથરીને, પધારો બાપુ અહીં બીરાજો કહીને સેવકે આવકાર્યા અને આસન આપ્યા. આવું છું કહીને બહાર નીકળી ગયો.
આઈ કામબાઈ કપડા વધુ સંકોરી, પેની ઢક પોશાકમાં પાણીનો કળશ્યો રાજવી સમક્ષ્ા ધર્યો. પણ રાજવીની કામાસક્ત નજર તો કામબાઈના કપડેથી ઢંકાયેલા દેહ ઉપર તરતી હતી અને બોલ્યો લાવો ભાભીજી, એ શબ્દ સાંભળતા જ કામબાઈએ દુહો કહ્યો,
હું ભેણી ને તું ભા,
ઈ સાચુકલો આદુનો સંબંધ
તોય કવેણ કાછેલા,
કયે અવગુણે કાઢિયા.. 1
હે કચ્છમાંથી જામનગરમાં પધારેલા જાડેજા રાજવી હું ચારણઆઈ તો રાજપૂતની બહેન થાઉં. આપણો આવો આગળથી ચાલ્યો આવતો સાચુકલો સંબંધ, તોય મારા ક્યા અવગુણે તેં મને ભાભી જેવા કવેણ કહ્યા. પણ રાજવીની નજર તો ખોડાઈ ગયેલી કામબાઈ આઈના ગળા, કાપડા અને છાતી ઉપર. આ જોઈને કામબાઈએ બીજો દુહો કહ્યો.
સંચેલ ધન ચારણ તણાં,
જરશે નહી તને જસા,
અજરો રે અસાં,
લોઢું લાખણ શિયડા.. 2
(ક્રમશ:)