Wed Sep 30 2026

Logo

ગીતા મહિમાઃ સંકલ્પે ચાલ્યા રેતીમાં વહાણ!

2026-09-07 09:47:00
Author: Sarangpreet
ગીતા મહિમાઃ સંકલ્પે ચાલ્યા રેતીમાં વહાણ!

સારંગપ્રીત

લોકવાયકા અનુસાર કવિ કાલિદાસ શરૂઆતમાં ગમાર અને મંદબુદ્ધિ હતા. તેમની પત્ની એક વિદુષી હતી. લગ્ન સમયે પોતાના અહંકાર અને હઠના લીધે કોઈ સામાન્ય પુરુષ સાથે તે પરણવા તૈયાર થઈ હતી. તેમાં કાલિદાસ ફાવી ગયા. જોકે લગ્ન પછી પણ કાલિદાસ માટે તેને કશો ભાવ ન હતો અને તે પોતાના પિયરમાં જ રહેતી. 

એક દિવસ કાલિદાસે પત્નીના ઘરનું બારણું ખખડાવ્યું ત્યારે તેએ પૂછ્યું, ‘અસ્તિ કશ્ચિદ્ વાગ્ વિશેષ:’ તમારી પાસે કોઈ ભાષા વૈભવ છે? કાલિદાસને આ અપમાન ભર્યા શબ્દો અંતરમાં સોંસરા ઉતરી ગયા. તેમણે સાક્ષર થવા તીવ્ર સંકલ્પ કર્યો. તીવ્ર સંકલ્પના બળે તેઓ સંસ્કૃત ભાષાના મહાન કવિ થયા. પત્નીએ પૂછેલા પ્રશ્નના ત્રણ શબ્દોથી શરૂઆત થતાં ત્રણ મહાન ગ્રંથો અનુક્રમે કુમારસંભવમ્, મેઘદૂતમ્ અને રઘુવંશમ્ મહાકાવ્ય તેમણે રચ્યાં. કેવી સંકલ્પમયી શક્તિ ! 

પરાગ જો અંતરમાં હશે, તો તે પાંગરીને કદી પુષ્પ ખીલશે;
મનોરથો સ્વપ્ન મહી હશે, તો સિદ્ધિ રૂપે કાર્ય વિષે જ જન્મશે

માણસે સંકલ્પના જોરે વનમાંથી નગરો કર્યા, ગ્રંથો રચ્યાં, રાજ્યો સ્થાપ્યાં, વિવિધ પ્રકારનાં વાહનો શોધ્યાં, કમ્પ્યુટરની કરામતો શોધી. દરિયાના તળિયે અને આકાશની અટારીએ પહોંચ્યા. ચંદ્ર ઉપર પગ મૂક્યા અને દૂર દૂરના ગ્રહો નજીક અવકાશયાનો મોકલ્યા. અણુના સારા-નરસા ચમત્કારો સર્જ્યા અને વિકાસની ક્રાંતિ કરી.

જીવનમાં કેટલીક ક્ષણો એવી આવે છે, જ્યારે માણસ પોતાની અંદર એક શાંત પણ અડગ અવાજ સાંભળે છે, હવે બદલાવ જોઈએ. આ અવાજ જ સંકલ્પનો જન્મ છે. સંકલ્પ એટલે માત્ર ઇચ્છા નહીં, પરંતુ આત્માની ઊંડાઈમાંથી ઊગેલો નિશ્ચય. ઇચ્છા તો પવન જેવી, આવી અને ગઈ. પરંતુ સંકલ્પ? એ તો પહાડ જેવો, એક વાર ઉભો થયો પછી હલતો નથી.

આપણું જીવન ઘણીવાર અધૂરા નિર્ધારણોની કહાની બની જાય છે. કાલથી શરૂ કરું, આગળથી મહેનત કરું, આવાં વચનો આપણે આપીએ પણ પાળી શકતા નથી. કારણ કે એ સંકલ્પ નથી, એ તો ક્ષણિક ભાવના છે. સંકલ્પ ત્યાં જન્મે છે જ્યાં મન સ્થિર થાય, અને હૃદય એક જ દિશામાં ધબકે.

જ્યારે અર્જુને ગીતા સાંભળી, ત્યારે એ માત્ર જ્ઞાન મેળવતો નહોતો; એ પોતાની અંદર સંકલ્પને જન્મ આપતો હતો. ‘કરિષ્યે વચનં તવ’, આ શબ્દોમાં માત્ર સ્વીકાર નથી, પણ એક અડગ નિર્ધાર છે. આ જ સંકલ્પ તેને મોહમાંથી બહાર કાઢે છે અને કર્તવ્યના માર્ગે દોડાવે છે.

સંકલ્પ વગરનું જીવન વહેતી નદી જેવું છે દિશા વિના, ગંતવ્ય વિના અને સંકલ્પવાળો માણસ? એ તો નદીમાં બંધ બાંધે, દિશા આપે અને ઊર્જાને શક્તિમાં ફેરવે. સંકલ્પ એ શક્તિ છે જે અંદરના અશક્યને શક્ય બનાવે છે. એક વિદ્યાર્થી જો માત્ર પાસ થવાની ઇચ્છા રાખે તો કદાચ એ સરેરાશ પરિણામ મેળવે, પરંતુ જ્યારે એ સંકલ્પ કરે, ‘મારે શ્રેષ્ઠ બનવું છે.’ 

ત્યારે એની દિનચર્યા બદલાય છે, એની મહેનતનો સ્તર ઊંચો થાય છે, અને અંતે પરિણામ પણ બદલાય છે. આમ, સંકલ્પ માણસને અંદરથી ઘડે છે, પરંતુ સંકલ્પનો માર્ગ સહેલો નથી. અહીં શંકા આવશે, આળસ આવશે, અને ઘણીવાર નિષ્ફળતા પણ મળશે, પરંતુ સંકલ્પ ધરાવતો માણસ દરેક પડકારને પગથિયું બનાવી લે છે. એને ખબર હોય છે કે દરેક નિષ્ફળતા અંત નથી, પરંતુ વધુ મજબૂત થવાનો આરંભ છે.

આજના સમયમાં આપણે ઝડપી પરિણામોની આશા રાખીએ છીએ. પરંતુ સંકલ્પથી સિદ્ધિ સુધીની યાત્રા ધીરજ માગે છે. જેમ બીજ વાવ્યા પછી તરત વૃક્ષ નથી ઊગતું, તેમ સંકલ્પ કર્યા પછી તરત સિદ્ધિ મળતી નથી. સમય, શ્રમ અને વિશ્વાસ, આ ત્રણે મળીને સંકલ્પને સિદ્ધિમાં ફેરવે છે.

તાજેતરમાં મહંત સ્વામી મહારાજના સંકલ્પે ઈતિહાસ સર્જ્યો. સ્વામીની સંકલ્પ અને પ્રેરણાથી સરખું બોલતા પણ હજી તો શીખ્યા ન હતા એવા 15000 નાનકડા ભૂલકાઓએ ‘સત્સંગ દીક્ષા’ નામના સંસ્કૃત ગ્રંથનો મુખપાઠ પૂર્ણ કર્યો. આ સંકલ્પશક્તિએ રચેલ ઇતિહાસની નોંધ ગીનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ લેવાઈ !  

હા, સંકલ્પબીજમાંથી સિદ્ધિની ફસલ લેવાય છે. તમે ધારો તો બધુ જ કરી શકો. જેટલી સંકલ્પમાં તીવ્રતા તેટલી જલ્દી સિદ્ધિ મળે. અંતે એક વાત યાદ રાખવી જોઈએ, સંકલ્પ એ દીવો છે અને સિદ્ધિ એ એનો પ્રકાશ. દીવો પ્રગટાવ્યા વગર પ્રકાશની આશા રાખવી એ મૂર્ખામી છે. જીવનમાં જો સાચી સિદ્ધિ જોઈએ, તો પહેલા હૃદયમાં સંકલ્પનો દીવો પ્રગટાવવો પડશે.