સતત બે ટાઇટલ મેળવનાર પણ પહેલો દેશ, યજમાન રાષ્ટ્રની ટીમ ચૅમ્પિયન બની હોય એવું પહેલી વખત બન્યું
અમદાવાદઃ ભારતે (India) અહીં ક્રિકેટ જગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે સતત બીજી વાર અને કુલ ત્રીજી વખત ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીતીને નવો ઇતિહાસ રચ્યો હતો. યજમાન દેશ આ ફૉર્મેટનો વિશ્વ કપ જીત્યું હોય એવું પહેલી જ વખત બન્યું છે. ભારતે પ્રથમ બૅટિંગ મળ્યા બાદ પાંચ વિકેટે 255 રન કર્યા ત્યાર પછી ન્યૂ ઝીલૅન્ડની ટીમ 19 ઓવરમાં માત્ર 159 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી. સૂર્યકુમાર યાદવના સુકાનમાં ભારતે મૅચને વન-સાઇડેડ બનાવીને 96 રનથી જડબેસલાક વિજય હાંસલ કર્યો હતો. એકંદરે, ભારતે માત્ર ફાઇનલ (Final) જ નહીં, આખી ટૂર્નામેન્ટમાં બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગમાં અસાધારણ પર્ફોર્મ કરીને ત્રીજું ચૅમ્પિયનપદ મેળવ્યું. આ સાથે, ટીમ ઇન્ડિયાએ અમદાવાદમાં ભારત ખરાબ પર્ફોર્મ કરી રહ્યું છે એ અટકળને ખોટી પાડી દીધી હતી.
ટી-20 વર્લ્ડ કપની ટ્રોફીના વિજેતા ભારતીય કૅપ્ટનોમાં મહેન્દ્રસિંહ ધોની (2007) અને રોહિત શર્મા (2024) પછી હવે સૂર્યકુમાર યાદવ (2026)નું નામ લખાઈ ગયું છે. માત્ર અમદાવાદમાં જ નહીં, દેશના અનેક ભાગોમાં ટીમ ઇન્ડિયાની આ ઐતિહાસિક સિદ્ધિને પગલે ફટાકડા ફૂટ્યા હતા અને દિવાળી જેવો માહોલ અને ક્રિકેટપ્રેમીઓએ જાહેર માર્ગો પર આવીને જીતનું જશન મનાવ્યું હતું. 2007ના વર્લ્ડ કપ વખતે લાલચંદ રાજપૂત ભારતીય ટીમના કોચ/મૅનેજર હતા, 2024માં રાહુલ દ્રવિડ હેડ-કોચ હતો અને આ વખતે ગૌતમ ગંભીરના કોચિંગમાં ભારતે ઐતિહાસિક જીત મેળવી. જસપ્રીત બુમરાહ (4-0-15-4)ને મૅન ઑફ ધ ફાઇનલનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. ભારતીય બૅટ્સમેનો અને બોલર્સે 140 કરોડ ભારતીયો માટે સુપર સન્ડે બનાવી દીધો. સંજુ સૅમસને આખી ટૂર્નામેન્ટમાં 321 રન કર્યા હતા અને તેને મેન ઓફ ધ ટૂર્નામેન્ટનો પુરસ્કાર મળ્યો હતો. બુમરાહ અને વરુણ ચક્રવર્તીની 14-14 વિકેટ ટૂર્નામેન્ટમાં હાઈએસ્ટ હતી.
2024ના અને 2026 બન્ને ચૅમ્પિયનપદ સમયની ફાઇનલમાં જે ખેલાડીઓ હતા એમાં સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, શિવમ દુબે અને અર્શદીપ સિંહનો સમાવેશ થાય છે. કુલદીપ યાદવ 2024નો વર્લ્ડ કપ રમ્યો હતો અને 2026ના વર્લ્ડ કપની સ્કવૉડમાં પણ તે હતો.

સંજુ સૅમસન (89 રન, 46 બૉલ, આઠ સિક્સર, પાંચ ફોર) સતત ત્રીજી વખત મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમ્યો હતો. તેણે અભિષેક શર્મા (બાવન રન, 21 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર) સાથે 98 રનની ઓપનિંગ પાર્ટનરશિપ અને અભિષેકની વિકેટ પડ્યા બાદ તેણે ઇશાન કિશન (54 રન, પચીસ બૉલ, ચાર સિક્સર, ચાર ફોર) સાથે બીજી વિકેટ માટે 105 રનની મૅચ-વિનિંગ ભાગીદારી કરી હતી.
ન્યૂ ઝીલૅન્ડ પહેલાં ભારતની બૅટિંગ સામે નબળું સાબિત થયું હતું અને પછી ભારતીય બોલિંગ સામે ઝૂક્યું હતું. ટૂંકમાં, કિવીઓ 256 રનના લક્ષ્યાંકના બોજ નીચે દબાઈ ગયા હતા અને 96 રનના માર્જિન સાથે ભારતને શરણે થયા હતા. મૅચની શરૂઆતની ઓવર્સમાં સ્પિનર અક્ષર પટેલ બે ઓવરમાં બે વિકેટ લઈને અને કુલ 27 રનમાં ત્રણ વિકેટ સાથે ઝળક્યો હતો તો અંતિમ પળોમાં બુમરાહે ઉપરાઉપરી બે બૉલમાં બે વિકેટનો તરખાટ મચાવ્યો હતો. તેણે ત્રણ ઓવરમાં કુલ ત્રણ વિકેટ લીધી હતી. તેણે ચાર ઓવરમાં માત્ર 15 રનના ખર્ચે કુલ ચાર વિકેટ લીધી હતી. તેણે ચારમાંથી ત્રણ વિકેટ ક્લીન બોલ્ડમાં લીધી હતી. એક વિકેટ હાર્દિક પંડ્યાને અને એક વિકેટ વરુણ ચક્રવર્તીને મળી હતી, જ્યારે ટૂર્નામેન્ટની આખરી વિકેટ અભિષેક શર્માએ મેળવી હતી જેમાં તેના બૉલમાં તિલક વર્માએ જૅકબ ડફીનો કૅચ ઝીલ્યો હતો. ઇશાન કિશને કુલ ત્રણ અને તિલક વર્માએ બે કૅચ ઝીલ્યા હતા.
ટી-20નો આ 10મો વર્લ્ડ કપ હતો જે જીતીને ભારતીય ટીમે અંદાજે 27.48 કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ જીતી લીધું છે. કિવીઓની ટીમને રનર-અપ રહેવા બદલ 14.65 કરોડ રૂપિયા મળ્યા છે.

એ પહેલાં, ભારતે પ્રથમ બૅટિંગ કરવા મળી ત્યાર બાદ 20 ઓવરમાં પાંચ વિકેટે 255 રન કરીને કિવીઓને 256 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં 256 રનનો હાઇએસ્ટ ટીમ-સ્કોર (જે ભારતનો જ હતો) એ તો નહોતો તૂટી શક્યો, પરંતુ અભિષેક શર્મા, સંજુ સૅમસન, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા અને છેલ્લે શિવમ દુબેએ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવીને મહાનુભાવો સહિત સવા લાખ જેટલા પ્રેક્ષકોને મોજ કરાવી દીધી હતી.
અભિષેક-સૅમસનની ફટકાબાજી વખતે ખાતરીથી કહી શકાતું હતું કે ભારતના 275 અથવા 300 રન તો પાક્કા જ છે. જોકે અભિષેકની વિકેટ અને પછીથી સૅમસન-ઇશાનની શાનદાર 105 રનની ભાગીદારી પછી ઉપરાઉપરી જે ત્રણ વિકેટ પડી એને લીધે ભારતીયોનો રનનો ધોધ ઓસરી ગયો હતો અને ટીમ-સ્કોર 5/255 સુધી સીમિત રહ્યો હતો. જોકે ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ્સના ઇતિહાસમાં ભારતનો 5/255નો સ્કોર હવે તમામ દેશોમાં હાઇએસ્ટ છે.

અભિષેક શર્મા અને સંજુ સૅમસનની જોડીએ 7.1 ઓવરમાં 98 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરીને જીતનો પાયો નાખી આપ્યો હતો. સૅમસન સતત ત્રીજી મૅચમાં સેન્ચુરી ચૂકી ગયો, પણ આ ટૂર્નામેન્ટમાં તેની છેલ્લી ત્રણેય ઇનિંગ્સ (97 અણનમ, 89 રન અને 89 રન) વર્ષો સુધી યાદ રખાશે. અસલ ફૉર્મમાં આવી ગયેલા અભિષેક અને ઇન્ફૉર્મ ઓપનર સૅમસનની જોડીએ 15.33ના રેટથી રન બનાવ્યા હતા.
સૅમસન અને ઇશાન કિશન વચ્ચે 105 રનની ભાગીદારી થઈ હતી. પીઢ પેસ બોલર જેમ્સ નીશૅમે ભારતની ઇનિંગ્સની 16મી ઓવરમાં ત્રણ વિકેટ લઈને ભારતના રનમશીનને બે્રક લગાવી હતી. સૅમસન, કિશન અને સૂર્યકુમાર યાદવ (0)ની ઉપરાઉપરી ત્રણ વિકેટ પડ્યા બાદ ભારતીય બૅટ્સમેનો ખૂબ ધીમા પડી ગયા હતા.

હાર્દિક પંડ્યા (18 રન, 13 બૉલ, એક સિક્સર, એક ફોર)એ થોડી આતશબાજી કર્યા પછી વિકેટ ગુમાવી હતી અને છેલ્લી ઓવર્સમાં તિલક વર્મા (આઠ અણનમ) તો ખાસ કંઈ આક્રમક નહોતો રમ્યો, પરંતુ શિવમ દુબે (26 અણનમ, આઠ બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)એ ફટકાબાજી કરીને ભારતનું ટોટલ 250-પ્લસ કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી.
કિવી બોલર્સમાંથી નીશૅમે ત્રણ તેમ જ મૅટ હેન્રી તથા રચિન રવીન્દ્રએ એક-એક વિકેટ લીધી હતી. ખુદ કૅપ્ટન મિચલ સૅન્ટનર, ગ્લેન ફિલિપ્સ, લૉકી ફર્ગ્યુસન અને જેકબ ડફીને વિકેટ નહોતી મળી.

ફાઇનલ પહેલાં ક્રાઉડ-ફેવરિટ ફાલ્ગુની પાઠકે ખીચોખીચ ભરાયેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સવાલાખ જેટલા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. એ ઉપરાંત પૉપ સિંગર રિકી માર્ટિન તેમ જ પંજાબી સિંગર સુખબીર સિંહે પર્ફોર્મ કર્યું હતું.