Thu Jun 18 2026

Logo

ભારતનો 4/256નો વિક્રમજનક સ્કોરઃ અભિષેક-હાર્દિકની હાફ સેન્ચુરી, તમામ છ બૅટ્સમેને ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા

2026-02-26 21:13:47
Author: Ajay Motiwala
Article Image

ચેન્નઈઃ ભારતે (India) વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં અહીં ઝિમ્બાબ્વે (ZIMBABWE)ના બોલર્સની બોલિંગની જોરદાર ધુલાઈ કરી અને આ વખતના વર્લ્ડ કપના સૌથી ઊંચા ટોટલમાં નવો વિક્રમ રચી દીધો. ટીમ ઇન્ડિયાએ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં ચાર વિકેટે 256 રન કર્યા અને વેસ્ટ ઇન્ડિઝના ઝિમ્બાબ્વે સામેના 6/254ના સ્કોરના વિક્રમને ઓળંગી લીધો હતો. ભારતની ઇનિંગ્સમાં બૅટિંગ કરનાર તમામ છ બૅટ્સમેને ડબલ ડિજિટમાં રન કર્યા હતા અને એક કે એક કરતાં વધુ ફોર તથા સિક્સર ફટકારી હતી.

પાવરપ્લેમાં પાવર બતાડનાર અભિષેક શર્મા (પંચાવન રન, 30 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર) અને હાર્દિક પંડ્યા (50 અણનમ, 23 બૉલ, ચાર સિક્સર, બે ફોર)ની હાફ સેન્ચુરી તેમ જ તિલક વર્મા (44 અણનમ, 16 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર) ભારતની ઇનિંગ્સના ત્રણ મુખ્ય સિતારા હતા.

ભારતના 256 રનમાં સંજુ સૅમસન (24 રન, 15 બૉલ, બે સિક્સર, એક ફોર), ઇશાન કિશન (38 રન, 24 બૉલ, એક સિક્સર, ચાર ફોર) અને સૂર્યકુમાર યાદવ (33 રન, 13 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)ના પણ મહત્ત્વના યોગદાન હતા.

ભારતને 12 રન એક્સ્ટ્રામાં મળ્યા હતા. ઝિમ્બાબ્વેના સાત-સાત બોલર ભારતને 256 રનનો રેકૉર્ડ-બે્રક સ્કોર કરતા રોકી નહોતા શક્યા. ખાસ કરીને બે ફાસ્ટ બોલર રિચર્ડ ઍન્ગેરવા (62 રનમાં એક વિકેટ) અને બ્રાડ ઇવાન્સ (બાવન રનમાં વિકેટ નહીં) સૌથી ખર્ચાળ બન્યા હતા.