મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય ટીમે ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલ (Semi final)માં ભરોસાપાત્ર ઓપનર સંજુ સૅમસન (89 રન, 42 બૉલ, સાત સિક્સર, આઠ ફોર) ઉપરાંત ચાર બૅટ્સમેનની સાધારણ છતાં આક્રમક ઇનિંગ્સની મદદથી 20 ઓવરમાં સાત વિકેટે 253 રન કરીને ઇંગ્લૅન્ડને 254 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. સૅમસન (Samson) માત્ર 15 રન પર હતો ત્યારે કૅપ્ટન હૅરી બ્રૂકથી તેનો આસાન કૅચ છૂટી ગયો હતો જેનો સૅમસને પૂરો ફાયદો ઉઠાવ્યો હતો.
ટીમ ઇન્ડિયાના એમએસ ધોનીની હાજરીમાં ભારતીય બૅટ્સમેનોએ જબરદસ્ત ફટકાબાજી કરી હતી. જોકે તેઓ 256 રનનો આ વર્લ્ડ કપનો પોતાનો જ વિક્રમ તેમ જ 260 રનનો શ્રીલંકાનો વર્લ્ડ કપનો વિશ્વવિક્રમ નહોતા તોડી શક્યા.
અભિષેક શર્મા (નવ રન)એ બીજી જ ઓવરમાં વિકેટ ગુમાવ્યા બાદ સૅમસને બાજી સંભાળી લીધી હતી અને રવિવારે વેસ્ટ ઇન્ડિઝ સામેની અણનમ 97 રનની ઇનિંગ્સ જેવું રમ્યો હતો. સૅમસન 14મી ઓવરમાં કુલ 160 રનના સ્કોર પર સ્પિનર વિલ જૅક્સના બૉલમાં ફિલ સૉલ્ટના હાથમાં કૅચઆઉટ થયો ત્યાર પછી ટીમ ઇન્ડિયાનું રનમશીન ધીમું પડી ગયું હતું. ત્યાર પછી લગભગ અઢી ઓવર બાદ સૂર્યકુમારે શિવમ સાથે 30 રનની ભાગીદારી કરીને વિકેટ ગુમાવી હતી.
32,000-પ્લસ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમમાં ઇશાન કિશન (39 રન, 18 બૉલ, બે સિક્સર, ચાર ફોર), ચોથા નંબર પર મોકલવામાં આવેલા શિવમ દુબે (43 રન, પચીસ બૉલ, ચાર સિક્સર, એક ફોર), હાર્દિક પંડ્યા (27 રન, 12 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) તથા તિલક વર્મા (21 રન, સાત બૉલ, ત્રણ સિક્સર)એ નાના-મોટા યોગદાન સાથે છગ્ગા-ચોગ્ગાથી પ્રેક્ષકોનું અને સેલિબ્રિટીઝનું મનોરંજન કર્યું હતું. સૅમસન અને ઇશાન બાદ શિવમ, હાર્દિક તથા તિલક વર્માએ મેદાનની ચારેય બાજુએ બૉલ બાઉન્ડરીની બહાર મોકલ્યો હતો.
વાનખેડેમાં ઉપસ્થિત સેલિબ્રિટીઝમાં આઇસીસી ચૅરમૅન જય શાહ તેમ જ કે. એલ. રાહુલ, નીતા અંબાણી, શ્લોકા અંબાણી, રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ, વરુણ ધવન, લક્ષ્મી મિત્તલ વગેરેનો સમાવેશ હતો. હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા હાર્દિકના પુત્ર અગસ્ત્ય સાથે જોવા મળી હતી.
ઇંગ્લૅન્ડના છ બોલર્સમાં સ્પિનર વિલ જૅક્સ તથા બીજા સ્પિનર આદિલ રાશીદ બે-બે વિકેટ સાથે સૌથી સફળ રહ્યા હતા.