નૉટિંગમઃ શ્રેયસ ઐયરની નવી કૅપ્ટન્સીમાં આયરલૅન્ડમાં ભારતીય ટીમની 0-2થી નામોશી થઈ ત્યાર પછી ઇંગ્લૅન્ડમાં પહેલી અનિર્ણિત ટી-20 મૅચ બાદ શનિવારે ટીમ ઇન્ડિયાએ અહીં પણ હારવાની શરૂઆત કરી એટલે ટીમની પ્લેઇંગ-ઇલેવનમાં ફેરફાર કરવામાં આવશે એવો અહેવાલ ચર્ચાસ્પદ થયો છે. બ્રિટિશરો સામેની પાંચ મૅચની આ સિરીઝની ત્રીજી મૅચ મંગળવારે (ભારતીય સમય મુજબ રાત્રે 10.00 વાગ્યાથી) રમાશે અને એમાં બદલાવની મોટી સંભાવના છે. જે બોલર (રવિ બિશ્નોઈ)ને કારણે શનિવારે ભારત હાર્યું તેને મંગળવારે ઇલેવનની બહાર રખાશે એવી ચર્ચા છે.
નૉટિંગમમાં ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે શ્રેણીની ત્રીજી ટી-20 રમાશે. ઇંગ્લૅન્ડ એ જીતશે તો સિરીઝ હારી નહીં શકે, પરંતુ ભારત મંગળવારની મૅચ જીતી જશે તો એને બાકીની બન્ને મૅચ જીતીને શ્રેણી જીતવાનો મોકો મળશે.
ભારતે શનિવારની બીજી મૅચમાં ત્રણ સ્પિનરને મેદાન પર ઊતાર્યા હતા જે બદલ ટીમની ટીકા થઈ હતી. એમાંથી અક્ષર પટેલ (4-0-20-1) અને વરુણ ચક્રવર્તી (4-0-37-1)ના પર્ફોર્મન્સ સાધારણ હતા, પરંતુ રવિ બિશ્નોઈ (4-0-60-0)ની બોલિંગ ધોવાઈ ગઈ હતી અને એ જ ભારતની હાર માટે સૌથી વધુ જવાબદાર હતો. ઇંગ્લૅન્ડ (England)ને ભારતે જીતવા 191 રનનો થોડો મુશ્કેલ લક્ષ્યાંક આપ્યો હતો. 16મી ઓવરમાં બ્રિટિશ ટીમે પાંચમી વિકેટ ગુમાવી હતી અને ભારત જીતી શકે એમ હતું. જોકે 17મી ઓવર બિશ્નોઈને આપવામાં આવી હતી જેમાં તેણે બે નો બૉલ ફેંક્યા હતા અને ઓવરમાં કુલ 29 રન બન્યા હતા જે ભારતને ખૂબ નડ્યા હતા. એ ઓવરમાં જેકબ બેથેલે (76 અણનમ, 46 બૉલ, પાંચ સિક્સર, પાંચ ફોર) ત્રણ છગ્ગા અને એક ચોગ્ગા ફટકાર્યા હતા. બિશ્નોઈની એ કમનસીબ ઓવર આ મુજબ રહીઃ નો બૉલ (બે રન), ફ્રી હિટમાં 6 રન, નો બૉલ (1 રન), ફ્રી હિટમાં 6 રન, બે રન, 4 રન, 6 રન, બે રન. જેકબ બેથેલને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.
એવું મનાય છે કે મંગળવારની મૅચમાં રવિ બિશ્નોઈ (Ravi Bishnoi)ના સ્થાને પેસ બોલર પ્રિન્સ યાદવને ઇલેવનમાં સમાવવામાં આવશે. પ્રિન્સે તાજેતરમાં આયરલૅન્ડમાં ડેબ્યૂ કર્યું હતું અને પહેલી જ મૅચમાં ત્રણ વિકેટ લીધી હતી. જોકે ત્યાર પછી તેને ટીમની બહાર રાખવામાં આવ્યો હતો.
આઇપીએલમાં ભારતીય ખેલાડીઓને 200-પ્લસના ટોટલની આદત પડી ગઈ હતી, પણ ઇંગ્લૅન્ડમાં એવું નથી જોવા મળ્યું. હવે મંગળવારે ભારતે પ્રથમ બૅટિંગમાં 200-પ્લસ રન બનાવવા જ પડશે અને એવું થશે તો જ જીતવાની આશા રાખી શકાશે. વૈભવ સૂર્યવંશીને શનિવારે ડેબ્યૂ કરવા મળ્યું, પણ હવે મંગળવારે ફરી રમવાનો મોકો મળશે તો અસ્સલ પ્રતિભા બતાવશે કે નહીં એ જોવું રહ્યું.
બન્ને દેશની સ્ક્વૉડ
ભારતઃ શ્રેયસ ઐયર (કૅપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઇશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, પ્રસિદ્ધ ક્રિષ્ના, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, સૂર્યાંશ શેડગે અને વૉશિંગ્ટન સુંદર.
ઇંગ્લૅન્ડઃ હૅરી બ્રૂક (કૅપ્ટન), ફિલ સૉલ્ટ, જૉશ બટલર (વિકેટકીપર), ટૉમ બૅન્ટન, જેકબ બેથેલ, જોર્ડન કૉક્સ, સૅમ કરૅન, વિલ જૅક્સ, જોફ્રા આર્ચર, લિઆમ ડૉસન, આદિલ રાશીદ, જૉશ ટન્ગ, જેમ્સ કૉલ્સ, રેહાન અહમદ, સૉની બેકર, સાકિબ મહમૂદ અને લ્યૂક વૂડ.