Sat Jun 20 2026

Logo

ભારત શનિવારે અફઘાનિસ્તાનનો વાઇટવૉશ કરી શકશે?

2026-06-19 22:42:05
Author: Ajay Motiwala
Article Image

BCCI


ચેન્નઈઃ શુભમન ગિલના સુકાનમાં ભારતની વન-ડે (ODI) ટીમે ત્રણ મૅચની સિરીઝની પ્રથમ બે મૅચમાં અફઘાનિસ્તાન પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું અને એ શનિવારે (બપોરે 1.30 વાગ્યાથી) અહીં રમાનારી ત્રીજી અને છેલ્લી મૅચમાં પણ જાળવી રાખવામાં આવશે તો ભારત (INDIA)ની 3-0થી ક્લીન સ્વીપ પાક્કી છે.

ચેન્નઈની પિચ કેવી છે?

ચેન્નઈમાં શનિવારે લાલ માટીવાળી પિચ પર મૅચ રમાશે. આ પિચ પર બોલરને સારા બાઉન્સ મળે છે. જોકે ચેન્નઈમાં બે દિવસ વરસાદ પડ્યો હોવાથી પિચમાં થોડો ફેરફાર જોવા મળે તો નવાઈ નહીં. શુક્રવારે હવામાન સારું હતું. જોકે ચેન્નઈમાં હજી અસહ્ય ગરમી તો છે જ.

બન્ને મૅચ આસાનીથી જીત્યા

ભારતે ધરમશાલામાં પ્રથમ મૅચ શુભમન ગિલના અણનમ 84 રનની મદદથી સાત વિકેટના માર્જિન સાથે જીતી લીધી હતી. નવોદિત બોલર્સ ગુર્નુર બ્રાર અને હર્ષ દુબેએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. બે-બે વિકેટ નીતીશ રેડ્ડી અને અર્શદીપ સિંહે મેળવી હતી. ત્યાર બાદ બીજો મુકાબલો લખનઊમાં હતો જેમાં ગિલના 154 રન અને ઇશાન કિશનના 125 રનની મદદથી ભારતે 402 રન બનાવ્યા હતા જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 232 રનમાં આઉટ થઈ જતાં ભારતનો 170 રનના તોતિંગ માર્જિનથી વિજય થયો હતો. ફરી એક વખત ફાસ્ટ બોલર ગુર્નુરે ત્રણ વિકેટ, અર્શદીપે પણ ત્રણ વિકેટ અને તાજેતરમાં જ કરીઅરની શરૂઆત કરનાર ત્રીજા પેસ બોલર પ્રિન્સ યાદવે બે વિકેટ લીધી હતી.

ગુર્નુર શું ચાવલાના વિક્રમની બરાબરી કરશે?

સ્પિનર પીયૂષ ચાવલા ભારતનો એકમાત્ર બોલર છે જેણે તેની પહેલી ત્રણ વન-ડેમાં ત્રણ કે ત્રણથી વધુ વિકેટ લીધી હતી. ગુર્નુર બ્રાર અફઘાનિસ્તાન સામે કરીઅરની પહેલી બે વન-ડેમાં ત્રણ-ત્રણ વિકેટ લઈ ચૂક્યો છે અને હવે શનિવારે ત્રીજી મૅચમાં પણ ત્રણ કે વધુ વિકેટ લેશે તો ચાવલાના ભારતીય રેકૉર્ડની બરાબરી કરી લેશે.