તેલ અવીવ : મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સ્વિટ્ઝર્લૅન્ડમાં યોજાનારી શાંતિ સમજૂતી અટકી હતી. તેની બાદ અમેરિકા, કતાર અને ઈરાનની મધ્યસ્થીના લીધે ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ફરી યુદ્ધ વિરામ થયો છે. આ અંગે બે સ્થાનિક અધિકારીઓ અને એક યુએસ અધિકારીને પુષ્ટિ કરી છે.
યુદ્ધવિરામ માટે રાજદ્વારી પ્રયાસો તીવ્ર બનાવવામાં આવ્યા
આ બેઠક પૂર્વે ઇઝરાયલે દક્ષિણ લેબનોનમાં હુમલો કર્યો હતો. તેમજ તેના લીધે ઈરાન અને અમેરિકા વચ્ચે સ્વિટ્ઝર્લૅન્ડમાં યોજાનારી વાટાઘાટો મુલતવી રાખવામાં આવી હતી. તેની બાદ યુદ્ધવિરામ માટેના રાજદ્વારી પ્રયાસો તીવ્ર બનાવવામાં આવ્યા હતા.
જેડી વાન્સે ઇઝરાયલને ચેતવણી આપી
આ પૂર્વે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે ઇઝરાયલને અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરારની ટીકા અંગે કડક ચેતવણી આપી હતી. જેડી વાન્સે કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયલના એકમાત્ર સાથી છે. વાન્સે ટિપ્પણી કરી હતી કે ઇઝરાયલ ગંભીર રીતે અલગ પડી ગયું છે અને તેના નેતાઓ અમેરિકન રાજદ્વારી અને લશ્કરી સમર્થનના મહત્વને સમજવામાં નિષ્ફળ ગયા છે.
દક્ષિણ લેબનોન પર હુમલામાં 18ના મોત
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ઇઝરાયલે દક્ષિણ લેબનોનમાં કરેલા હુમલામાં એક વ્યક્તિના મોત બાદ મૃત્યુ આંક 18 થયો હતી. લેબનોનની રાષ્ટ્રીય સમાચાર એજન્સીના અહેવાલ મુજબ શુક્રવાર રાતથી હુમલાઓ ચાલુ હતા. લેબનોનના જાહેર આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, મધ્યરાત્રિ પછીના હુમલાઓમાં 33 લોકો પણ ઘાયલ થયા હતા.