Thu Jun 18 2026

Logo

ICC T20 રેન્કિંગમાં ભારતનો દબદબો: ટોચનું સ્થાન જાળવી રાખી રચ્યો નવો ઈતિહાસ

Dubai   2026-05-05 21:34:34
Author: mumbai samachar team
Article Image

ICC


દુબઈઃ ભારતે આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ટી20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. ભારતે માર્ચમાં ટી-20 વર્લ્ડ કપના ટાઇટલનો સફળતાપૂર્વક બચાવ કરનારી પ્રથમ ટીમ બનીને ઇતિહાસ રચ્યો હતો. તેઓએ રેકોર્ડ ત્રીજી વખત ટાઇટલ પણ જીત્યું હતું. ભારતે શ્રીલંકા સાથે મળીને આ ટુનામેન્ટનું આયોજન કર્યું હતું.

આઈસીસીએ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે, "તાજેતરના રેન્કિંગમાં મે, 2025  પછી રમાયેલી બધી મેચોને 100 ટકા વેટ અને છેલ્લા બે વર્ષથી રમાયેલી મેચોને 50 ટકા વેટ આપવામાં આવે છે." આઈસીસીએ કહ્યું હતું કે, "275 પોઈન્ટ સાથે ટોચ પર રહેલા ભારતની ઈંગ્લેન્ડ (262 પોઈન્ટ) પરની લીડ એક પોઈન્ટ ઘટી છે જ્યારે 258 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહેલ ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડની નજીક પહોંચી ગયું છે."

બે વખતનું વિજેતા ઈંગ્લેન્ડના 262 પોઈન્ટ છે, જ્યારે એક વખતના ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના 258 પોઈન્ટ છે.  આઈસીસી ટી-20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં ટોચની સાત ટીમોના સ્થાનમાં કોઈ ફેરફાર થયો નથી. 

ન્યૂઝીલેન્ડ (247), દક્ષિણ આફ્રિકા (244), પાકિસ્તાન (240) અને વેસ્ટ ઈન્ડિઝ (233) પોતપોતાના સ્થાન પર યથાવત છે. જોકે, શ્રીલંકા (221) છ રેટિંગ પોઈન્ટ ગુમાવીને નવમા સ્થાને પહોંચી ગયું છે. બાંગ્લાદેશ (225) એક સ્થાન ઉપર આઠમા સ્થાને પહોંચી ગયું છે. અફઘાનિસ્તાન (220) 10મા સ્થાને છે.  શ્રીલંકા અને તેમની વચ્ચે થોડું અંતર છે. ઝિમ્બાબ્વે અને આયરલેન્ડ અનુક્રમે 11મા અને 12મા સ્થાને છે.

આઈસીસીએ કહ્યું કે "ઉત્તર અમેરિકામાં ઉભરતી ક્રિકેટ શક્તિ અમેરિકાએ છ પોઈન્ટ મેળવ્યા છે." તે નેધરલેન્ડ્સ (14મા સ્થાને) અને સ્કોટલેન્ડ (15મા સ્થાને) ને પાછળ છોડીને 13મા સ્થાને પહોંચી ગયું છે. "નામિબિયા 16મા ક્રમે યથાવત છે, જ્યારે નેપાળ (17મા ક્રમે) અને ઓમાનને (19મા ક્રમે) એ એક-એક સ્થાનનો ફાયદો થયો છે. 

યુએઈ 18મા અને કેનેડા 20મા ક્રમે છે. રેન્કિંગમાં સામેલ ટીમોની સંખ્યા 102 થી ઘટીને 98 થઈ ગઈ છે, કારણ કે છેલ્લા ત્રણ વર્ષમાં જરૂરી આઠ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમવામાં નિષ્ફળતાને કારણે ફિજી, ગામ્બિયા, ગ્રીસ અને ઇઝરાયલને યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.