નવી દિલ્હીઃ ગત જુલાઈ મહિનામાં દેશનાં ઘણાં હિસ્સાઓમાં બફારાનું પ્રમાણ વધુ રહેતાં એર કન્ડિશનર જેવાં કૂલિંગ એપ્લાયન્સીસનો વપરાશ વધુ રહેતાં દેશમાં પાવર અથવા તો વીજ વપરાશ જુલાઈ, 2025નાં 153.88 અબજ યુનિટ સામે 10.93 ટકા વધીને 170.70 અબજ યુનિટની સપાટીએ રહ્યો હતો.
નિષ્ણાતોના મતાનુસાર ગત જુલાઈ મહિનામાં વાસ્તવિક તાપમાનની સરખામણીમાં ઉકળાટ વધુ રહેતાં એરકન્ડિશનર જેવાં કૂલિંગ ઉપકરણોનો વપરાશ વધુ થવાનાં કારણે પાવરની માગ અને તેનાં વપરાશમાં વધારો જોવા મળ્યો છે. ગત જુલાઈ મહિનામાં પીક પાવર માગ જુલાઈ, 2025ની 220.74 ગિગાવૉટ સામે વધીને 270.20 ગિગા વૉટની સપાટીએ રહી હતી. તેમ જ પીક પાવર માગ ગત મે મહિનાની વિક્રમ 270.82 ગિગા વૉટ આસપાસની જ સપાટીએ રહી હતી.
અત્રે નોંધનીય બાબત એ છે કે ગત સાલ મે મહિનામાં પીક પાવર માગ 230.99 ગિગા વૉટના સ્તરે રહી હતી. ગયા ઉનાળામાં પીક પાવર માગ જૂન, 2025માં 242.77 ગિગા વૉટની સપાટીએ રહી હતી, પરંતુ સરકારી 277 ગિગા વૉટના અંદાજ કરતાં નીચી સપાટીએ રહી હતી. જોકે, નિષ્ણાતોના મતાનુસાર ઓછાં વરસાદને ધ્યાનમાં લેતા વર્તમાન ઑગસ્ટ મહિનામાં પાવરની માગ સ્થિર રહેશે. ઈન્ડિયા મીટરોલોજિકલ ડિપાર્ટમેન્ટે આ વર્ષે દેશમાં ચોમાસામાં વરસાદની ખાધ રહેવાની આગાહી કરી છે.