નવી દિલ્હી : સીબીઆઇએ ડિજિટલ એરેસ્ટના કેસ સંદર્ભે 16 રાજ્યોના 80 સ્થળોએ દરોડા પાડયા છે. આ દરોડા દ્વારા સીબીઆઈ સાયબર ક્રાઈમના માળખા સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. સીબીઆઈએ અગાઉ પણ ડિજિટલ એરેસ્ટ સાથે જોડાયેલા અનેક કેસોમાં કાર્યવાહી કરી છે.
ઓપરેશન ચક્ર-VI માટે 60 ખાસ ટીમોની રચના
સીબીઆઈએ 'ઓપરેશન ચક્ર-VI માટે 60 ખાસ ટીમોની રચના કરી છે. આ ટીમોએ પંજાબ, ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આસામ, પશ્ચિમ બંગાળ, મણિપુર, કર્ણાટક અને ઓડિશા સહિત 16 રાજ્યોમાં 80 થી વધુ સ્થળોએ દરોડા અને સર્ચ ઓપરેશન હાથ ધર્યા છે.
આ કાર્યવાહી ડિજિટલ એરેસ્ટ કૌભાંડો માટેની તપાસનો એક ભાગ
સીબીઆઈની આ કાર્યવાહી ડિજિટલ એરેસ્ટ કૌભાંડો માટેની તપાસનો એક ભાગ છે. જેનો ઉદ્દેશ દેશભરમાં આવા 200 થી વધુ કેસોમાં સંડોવાયેલા ઓપરેશનલ નેટવર્કને તોડી પાડવાનો છે. એજન્સીએ શેલ કંપનીઓ સ્થાપવા અને ગેરકાયદે બેંક ખાતા ખોલવા બદલ બે શંકાસ્પદોની ધરપકડ કરી છે. આ ખાતાઓનો ઉપયોગ ડિજિટલ એરેસ્ટ કૌભાંડો દ્વારા મેળવેલી રકમને મની લોન્ડરિંગ કરવા માટે કરવામાં આવતો હતો.