નવી દિલ્હી : દેશમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નકલી મેડિકલ રિપોર્ટના આધારે હોસ્પિટલ દ્વારા કરાતી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. જેમાં નેશનલ હેલ્થ ઓથોરિટીએ એઆઇ અને મશીન લર્નિંગની મદદથી રૂપિયા 655.04 કરોડના છેતરપિંડીના દાવા શોધ્યા છે.
2,021 હોસ્પિટલોને પેનલમાંથી બહાર કાઢવામાં આવી
જેમાં માલૂમ પડ્યું કે, આ યોજના હેઠળ, વિવિધ દર્દીઓના નામે ખોટા અહેવાલો, એક્સ-રે અને બ્લડ ટેસ્ટથી લઇને MRI અને CT સ્કેન સુધી સબમિટ કરવામાં આવ્યા હતા. તેમજ દર્દીની વિગતો સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ હોસ્પિટલોમાં દાવાઓ દાખલ કરવા માટે સમાન તબીબી દસ્તાવેજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એનએચએ અનુસાર આવી છેતરપિંડીમાં સામેલ 2,021 હોસ્પિટલોને પેનલમાંથી બહાર કાઢવામાં આવી છે. તેમજ 590 હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે અને 26 સામે FIR નોંધવામાં આવી છે. સરકારે હોસ્પિટલો પર ₹263.71 કરોડનો દંડ પણ ફટકાર્યો છે.
સમાન દસ્તાવેજો ઓળખીને છેતરપિંડીનો પર્દાફાશ
એઆઈ આધારિત ઇમેજ એનાલિટિક્સ સિસ્ટમે એવા કિસ્સાઓ શોધ્યા હતા જ્યાં ત્રણ અલગ અલગ દર્દીઓ માટે દાવામાં એક જ એક્સ-રે ફિલ્મનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે દર્દીનું નામ, ID અને તારીખમાં ફેરફાર કર્યા પછી દસ્તાવેજો સબમિટ કરવામાં આવ્યા હતા. સિસ્ટમે આને સંભવિત ઇમેજ છેડછાડ તરીકે ચિહ્નિત કર્યું. આ ઉપરાંત એવા કિસ્સાઓ પણ શોધી કાઢવામાં આવ્યા હતા જ્યાં બે અલગ અલગ દર્દીઓને સંડોવતા દાવાઓ માટે એક જ દર્દીના રિપોર્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઇમેજ હેશિંગ અને દસ્તાવેજ વિશ્લેષણ તકનીકો દ્વારા સમાન દસ્તાવેજો ઓળખીને છેતરપિંડીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.