Thu Jun 18 2026

Logo

ઈમરાન ખાન માટે કપિલ દેવ-ગાવસ્કર મેદાને! જેલમાં સારવાર માટે પાકિસ્તાન સરકારને પત્ર લખ્યો

2026-02-17 15:31:58
Author: savan zalariya
Article Image

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન હાલ જેલમાં કેદ છે, તેઓ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન પણ રહી ચુક્યા છે. તેની કેપ્ટનશીપ હેઠળ પાકિસ્તાન ટીમે ICC ODI વર્લ્ડ કપ 1992નું ટાઈટલ જીત્યું હતું. અહેવાલો મુજબ જેલમાં ઇમરાન ખાનની તબિયત ખરાબ છે, એવામાં ક્રિકેટ જગત તરફથી તેમને સમર્થન મળ્યું છે. આંતરરાષ્ટ્રીય ટીમોના 14 ભૂતપૂર્વ કેપ્ટનોએ પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ પત્ર લખી જેલમાં ઇમરાન ખાનને યોગ્ય તબીબી સુવિધાઓ પૂરી પાડવા વિનંતી કરી છે.

અહેવાલ મુજબ ગ્રેગ ચેપલ, બેલિન્ડા ક્લાર્ક, માઇકલ આથર્ટન, નાસેર હુસૈન, સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, ઇયાન ચેપલ, એલન બોર્ડર, માઇકલ બ્રિયરલી, ડેવિડ ગોવર, કિમ હ્યુજીસ, ક્લાઇવ લોયડ, સ્ટીવ વો અને જોન રાઈટ દ્વારા પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફને સંબોધીને લખેલા પત્રના હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જેમાં પાકિસ્તાન સરકારને વિનંતી કરવામાં આવી છે કે જેલમાં હોવા છતાં ઇમરાન ખાનને યોગ્ય કાયદાકીય સુવિધાઓ મળે.

નોંધનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમના બે પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર અને કપિલ દેવે આ પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. જોકે, પાકિસ્તાનના એક પણ ભૂતપૂર્વ કેપ્ટને અરજી પર હસ્તાક્ષર કર્યા નથી. 

ગયા અઠવાડિયે, વસીમ અકરમ, વકાર યુનિસ અને શાહિદ આફ્રિદી સહિત કેટલાક ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ઇમરાનને યોગ્ય તબીબી સારવાર મળે એ માટે વિનંતી કરી હતી.

ઇમરાન ખાને દ્રષ્ટિ ગુમાવી:
ગત અઠવાડિયે જાહેર થયેલા એક અહેવાલ મુજબ ઇમરાને જમણી આંખમાં 85 ટકા દ્રષ્ટિ ગુમાવી દીધી છે. અહેવાલ મુજબ પરિવારને જેલમાં તેમને મળવાની અરજીઓ પણ નકારવામાં આવી રહી છે.  

નોંધનીય છે, વર્ષ 2022 માં ઈમરાનની વડાપ્રધાન પદેથી હકાલ પટ્ટી કરવામાં આવી હતી, ઓગસ્ટ 2023થી ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબી જેલમાં કેદ છે. ઇમરાન ખાન પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો છે. ડિસેમ્બર 2025 માં તેમને 31 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.

પરિવારે દાવો કર્યો છે કે ઇમરાન ખાનને ખૂબ જ નાની કોટડીમાં બંધ કરવમાં આવ્યા છે, જેને ડેથ સેલ તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે જેમને મૃત્યુદંડની સજા આપવામાં આવી હોય એવા કેદીઓને ત્યાં રાખવામાં આવે છે.