Sat Oct 03 2026

Logo

છેલ્લા પાંચ વર્ષમાં દેશની IITsમાં 45 વિદ્યાર્થીએ ગુમાવ્યા જીવઃ સૌથી વધુ અનામત વર્ગના વિદ્યાર્થીઓ સામેલ

2026-09-23 18:06:00
Author: Vimal Prajapati
છેલ્લા પાંચ વર્ષમાં દેશની IITsમાં 45 વિદ્યાર્થીએ ગુમાવ્યા જીવઃ સૌથી વધુ અનામત વર્ગના વિદ્યાર્થીઓ સામેલ

છેલ્લા પાંચ વર્ષમાં દેશની IITsમાં 45 વિદ્યાર્થીએ ગુમાવ્યા જીવઃ સૌથી વધુ અનામત વર્ગના વિદ્યાર્થીઓ સામેલ

નવી દિલ્હીઃ દેશની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં પણ વિદ્યાર્થીઓ શિક્ષણ મુદ્દે દબાણ અનુભવે છે. આઈઆઈટીમાં વિદ્યાર્થીઓની આત્મહત્યા મુદ્દે સરકારી આંકડાએ ચોંકાવ્યા છે. ઉપલ્બધ આંકડા પ્રમાણે વાત કરવામાં આવે તો વર્ષ 2020-21થી લઈને 2024-25 દરમિયાન ભારતમાં કુલ 23 આઈઆઈટીમાં 45 વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી. આ વિદ્યાર્થીઓમાં 28 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી (અન્ય પછાત વર્ગ) વર્ગના વિદ્યાર્થીઓ સામેલ હતાં. આત્મહત્યા અંગેના આ આંકડા 8 ડિસેમ્બર 2025માં લોકસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં જાહેર કરવામાં આવ્યાં હતાં. 

IITsમાં આત્મહત્યા અંગે સરકારી અહેવાલ? 

આ સમયગાળા દરમિયાન IITsમાં થયેલી કુલ આત્મહત્યાઓમાં SC, ST અને OBC વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા 62 ટકાથી વધારે હતી. ચોક્કસ આંકડાની વાત કરવામાં આવે તો, 12 વિદ્યાર્થીઓ OBC વર્ગના, 9 વિદ્યાર્થીઓ એસસી વર્ગના અને 7 વિદ્યાર્થીઓ એસટી વર્ગના હતા. આ સાથે જનરલ કેટેગરી 16 વિદ્યાર્થીઓ અને એક ઈડબલ્યુએસ વર્ગના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી. આ આંકડો ખૂબ જ ચિંતા જનક છે. પરંતુ અત્યારે IIT બોમ્બેમાં થયેલી આત્મહત્યા કેસમાં મામલે વધારે ઉગ્ર અને વિવાદાસ્પદ બન્યો છે. 

આત્મહત્યાના કેસમાં વધારો થયો હતો

આ આંકડામાં આગળ વાત કરવામાં આવે તો 2023-24માં આત્મહત્યાના કેસમાં વધારો થયો હતો. તે વર્ષે IITsમાં કુલ 16 વિદ્યાર્થીએ અંતિમ પગલું ભર્યું હતું, જ્યારે 2022-33માં 6 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. તેના પછી વર્ષ 2024-25માં કુલ 13 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ પાંચ વર્ષોમાં સૌથી વધુ IIT હૈદરાબાદમાં 7 વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી. તે પછી ક્રમશઃ IIT-ખડગપુર, IIT-દિલ્હી અને IIT-કાનપુરમાં છ-છ કેસ, જ્યારે IIT-મદ્રાસમાં પાંચ અને IIT (BHU)-વારાણસી ખાતે ચાર કેસ નોંધાયા હતા.

‘પ્રોવિઝનલ એડમિટેડ સ્ટાર્ડ ડાયરી નંબર 3682’ શું?

આ રિપોર્ટ લોકસભામાં 08 ડિસેમ્બર, 2025 દરમિયાન પૂછવામાં આવેલા ‘પ્રોવિઝનલ એડમિટેડ સ્ટાર્ડ ડાયરી નંબર 3682’ પ્રશ્ન અતર્ગત તૈયાર કરવામાં આવ્યો હતો. સરકારી આંકડા પ્રમાણે 2024-25માં 13 વિદ્યાર્થી દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી, તેમાં 4 વિદ્યાર્થી OBC, ત્રણ ST અને બે SC વર્ગના વિદ્યાર્થીઓ હતાં. આ સાથે 4 જનરલ વર્ગના વિદ્યાર્થીઓએ પણ આત્મહત્યા કરી હતી. 
આ સરકારી રિપોર્ટમાં આઠ 'અકુદરતી મૃત્યુ'નો પણ અલગથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને આત્મહત્યાના કેસમાં સમાવેશ નહોતા કરવામાં આવ્યાં! આ વિદ્યાર્થીઓએ શા માટે આત્મહત્યા કરીને તેનો રિપોર્ટમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.