ઈક્રાએ નાણાકીય વર્ષ 27 માટેનાં કૃષિ વૃદ્ધિનો અંદાજ ઘટાડ્યો
નવી દિલ્હીઃ વર્ષ 2026માં દેશમાં નૈર્ઋત્યનાં ચોમાસામાં વરસાદ લાંબાગાળાની સરેરાશનાં 87 ટકા જેટલો નોંધાયો હોવાથી વર્ષ 2015 પછીનું સૌથી નબળું ચોમાસું રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં લેતા અગ્રણી રેટિંગ એજન્સી ઈક્રાએ વર્તમાન નાણાકીય વર્ષ 2027 માટે કૃષિ, વનીકરણ અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રની વૃદ્ધિનો અંદાજ જે 1.3 ટકા મૂક્યો હતો તે ઘટાડીને એક ટકો કર્યો છે.
તાજેતરમાં ઈક્રાએ બહાર પાડેલા ચોમાસા અંગેના અહેવાલમાં જણાવ્યું હતું કે અપૂરતા અને અનિયમિત વરસાદની અસર ખરીફ પાકના વાવેતર પર પહેલેથી જ જોવા મળી છે અને સપ્ટેમ્બરના અંત સુધીનું વાવેતરનું પ્રમાણ અગાઉના વર્ષની સરખામણીમાં 1.2 ટકા ઓછું રહ્યું છે. તેમ જ જળાશયોમાં પાણીના ઘટતા સ્તરને કારણે ખાસ કરીને દક્ષિણ અને ઉત્તર ભારતનાં કેટલાંક રાજ્યોમાં રવી પાક સામેની ચિંતામાં વધારો કર્યો છે.
નબળા ચોમાસાની પાકનાં ઉત્પાદન અને ખેડૂતોની આવક પર થનારી સંભવિત માઠી અસર અંગે ઈક્રાએ સાવચેતીનું વલણ અપનાવતા ચેતવણી આપી હતી કે ખેડૂતોની ઓછી આવક નાણાકીય વર્ષનાં બીજા છમાસિકગાળાની ગ્રામીણ માગને ઘટાડી શકે છે અને ખાદ્ય ચીજોનાં ફુગાવામાં વધારો થવાનું જોખમ ઊભું કરી શકે છે.
આ વર્ષની ચોમાસાની મોસમ અલ નીનોની માઠી અસરથી પ્રભાવિત થતાં ગત જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ લાંબા સમયગાળાની સરેરાશનાં 87 ટકા રહ્યો હતો. જેમાં લાંબા સમયગાળાની સરેરાશ સામે જૂન મહિનામાં વરસાદ 60 ટકા, જુલાઈમાં 103 ટકા, ઑગસ્ટમાં 84 ટકા અને સપ્ટેમ્બરમાં 93 ટકા વરસાદ થયો હતો.
વધુમાં આ મોસમમાં વરસાદનું વિતરણ પણ અસમાન રહ્યું હતું. પૂર્વ અને ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં લાંબાગાળાની સરેરાશનો 74 ટકા અને દક્ષિણ દ્વીપકલ્પમાં 76 ટકા રહ્યો હતો, જે અછતની શ્રેણીમાં આવે છે. આ સિવાય ઉત્તર-પશ્ચિમ ભારતમાં 94 ટકા અને મધ્ય ભારતમાં લાંબાગાળાની સરેરાશનો 97 ટકા વરસાદ થયો છે.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્ટેમ્બરના અંત સુધીમાં દેશમાં ખરીફ પાકનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાની તુલનામાં 1.2 ટકા ઘટીને ઐતિહાસિક સરેરાશ જેટલો 11.07 કરોડ હેક્ટર રહ્યો છે. જેમાં ડાંગરના વાવેતર વિસ્તારમાં 3.6 ટકાનો, કપાસના વાવેતરમાં એક ટકા જેટલો ઘટાડો થયો છે. જોકે, અમુક અંશે આ ઘટ કઠોળ અને જાડા ધાન્યનાં વાવેતર વિસ્તારમાં સરભર થઈ છે. તેમ છતાં દક્ષિણ અને મધ્ય ભારતનાં ઘણાં રાજ્યોમાં વાવેતર વિસ્તારમાં તીવ્ર ઘટાડો થયો છે.
જેમાં આંધ્ર પ્રદેશમાં 6.1 ટકાનો, તેલંગણામાં 4.9 ટકાનો અને મહારાષ્ટ્રમાં વાવેતર વિસ્તારમાં ચાર ટકાનો ઘટાડો થયો હોવાનું ઈક્રાએ અહેવાલમાં જણાવતાં ઉમેર્યું હતું કે વરસાદના સમય અને વિતરણમાં જોવા મળેલી અસમાનતા પાકના ઉત્પાદન પર માઠી અસર કરી શકે છે. વાવેતર વિસ્તાર સામાન્ય સ્તરની નજીક હોવા છતાં પણ એકંદર ખરીફ ઉત્પાદન ઘટી શકે છે.
પાણીના સંગ્રહના નીચા સ્તરને કારણે ડાંગર અને ઘઉં જેવાં વધુ સિંચાઈની આવશ્યકતા ધરાવતા પાકોનાં રવી વાવેતર પર અસર પડી શકે છે. ભારતમાં રવી ડાંગરના કુલ વાવેતર વિસ્તારમાં દક્ષિણનાં રાજ્યોનો હિસ્સો લગભગ 98 ટકા જેટલો અને જાડા ધાન્યના વાવેતર વિસ્તારમાં 33 ટકા જેટલો હોય છે. જ્યારે પંજાબ અને રાજસ્થાન મળીને ઘઉંનાં વાવેતર વિસ્તારમાં અંદાજે 31 ટકા હિસ્સો ધરાવે છે.
એજન્સીએ નાણાકીય વર્ષ 2027 માટેનાં કૃષિ, વનીકરણ અને મત્સ્ય ઉદ્યોગનાં ક્ષેત્રોમાં ગત વર્ષ 2026ની 3.3 ટકાની વૃદ્ધિની સરખામણીમાં ગ્રોસ વૅલ્યૂ એડેડ ધોરણે 1.3 ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો તે ઘટાડીને એક ટકા કર્યો છે.