મુંબઈ: ICC મેન્સ T20 વર્લ્ડ 2026 પૂરો થયા બાદ ICCએ નવી રેન્કિંગ જાહેર કરી છે. ટુર્નામેન્ટ દરમિયાન મજબુત પ્રદર્શનને કારણે ભારતીય ટીમના બેટર્સને T20 રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. ઈશાન કિશન મોટી છલાંગ લગાવીને બીજા સ્થાને પહોંચ્યો છે, હવે અભિષેક શર્માનું નંબર-1 સ્થાન જોખમમાં છે. પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ સંજુ સેમસની રેન્કિંગમાં પણ ફાયદો થયો છે. જયારે સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માને રેન્કિંગમાં નુકસાન પહોંચ્યું છે.
નવી T20I બેટિંગ રેન્કિંગ પર નજર કરીએ તો વર્લ્ડ કપમાં અપેક્ષા મુજબ પ્રદર્શન ન કરવા છતાં, અભિષેક શર્મા રેન્કિંગમાં નંબર વન સ્થાન પર યથાવત છે, પરંતુ ટૂંક સમયમાં તેનું આ સ્થાન છીનવાઈ શકે છે. ઇશાન કિશન બે સ્થાનનો કૂદકો મારીને બીજા સ્થાને આવી ગયો છે, તેનું રેટિંગ 871 છે, જયારે અભિષેક શર્માનું રેટિંગ 875 છે. આમ હવે ઇશાન અભિષેકથી માત્ર ચાર પોઇન્ટ દૂર છે.
પાકિસ્તાનનો ઓપનર સાહિબજાદા ફરહાન એક સ્થાન નીચે સરકીને ત્રીજા નંબર પર આવી ગયો છે, તેનું રેટિંગ 848 છે. ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટને પણ એક સ્થાનનું નુકશાન થયું છે, તે 792 રેટિંગ સાથે ચોથા નંબર પર છે. શ્રીલંકાના પથુમ નિસાન્કા પાંચમા ક્રમ પર યથાવત છે. ન્યુઝીલેન્ડનનો ટિમ સીફર્ટ ચાર સ્થાનનો કુદકો મારીને છઠ્ઠા નંબર પર પહોંચ્યો, તેનું રેટિંગ 749 છે.
તિલક અને સુર્યાને નુકશાન:
એક સ્થાનના નુકશાન સાથે ભારતનો તિલક વર્માને સાતમા ક્રમે આવી ગયો છે. દક્ષિણ આફ્રિકાનો ડેવાલ્ડ બ્રેવિસ આઠમા ક્રમે છે. ભારતીય ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવને બે સ્થાનનું નુકશાન પહોંચ્યું છે, તે સાતમાંથી નવમા નંબર પર આવી ગયો છે, તેનું રેટિંગ 722 છે. ઈંગ્લેન્ડના જોસ બટલર 716 રેટિંગ સાથે 10મા નંબર પર છે.
સંજુ સેમસન રેન્કિંગમાં ક્યા છે?
સંજુ સેમસન T20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ રહ્યો, તે ટોપ 10માં તો નથી પણ 18 સ્થાનનો મોટો કુદકો મારીને 22મા ક્રમે પહોંચી ગયો છે.