નવી દિલ્હી:ગઇકાલે જ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે આજે આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર લેન્ડિંગ કરતી વખતે ભારતીય વાયુસેનાનું ટ્રાન્સપોર્ટ વિમાન (AN-32) ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં પાંચ વાયુસેનાના જવાનો શહીદ થયા હતા, જેમાં બિહારના જહાનાબાદના વતની ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમારનો પણ સમાવેશ થાય છે. જો કે ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમે દુર્ઘટનાના એક કલાક પહેલા જ તેની માતા સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. દીકરાના મૃત્યુના સમાચાર મળતાં જ પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.
શુભમ શહીદ થયો છે તેવા સમાચારથી આખા ગામ અને પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી. શહીદના પરિવારને સવારે 11 વાગ્યાની આસપાસ દુર્ઘટનાની જાણ થઈ હતી અને ત્યારબાદ આ સમાચાર સમગ્ર પંથકમાં ફેલાઈ ગયા હતા. શહીદ ફ્લાઇટ લેફ્ટનન્ટના ભાઈ સત્યમે જણાવ્યું હતું કે શરૂઆતમાં તેમને આ સમાચાર ખોટા અને ભ્રામક લાગ્યા હતા અને અમે કોઈ માનવા માટે તૈયાર નહોતા. જ્યારે તેમણે તેમના ભાઈના મોબાઇલ ફોન પર ફોન કર્યો ત્યારે તેમને ઘટનાની જાણ કરવામાં આવી હતી.
તેમણે આગળ કહ્યું હતું કે શુભમે સવારે 9 વાગ્યાની આસપાસ તેની માતા સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. તે સમયે તે શુભમ ખૂબ જ ખુશ દેખાતો હતો. જોકે તે પરિવારના અન્ય સભ્યો સાથે વાત કરી શક્યો ન હતો. શુભમ કુમારે તેની માતાને ફક્ત એટલું જ કહ્યું કે તે ઉતાવળમાં છે અને જ્યારે તે ફ્રી થશે ત્યારે વાત કરશે. પરંતુ માતાને એ ખબર નહોતી કે આ તેના દીકરાનો છેલ્લો વીડિયો કોલ હશે.
ઉલ્લેખનીય છે કે સવારે 10 વાગ્યે આસામના જોરહાટમાં લેન્ડિંગ કરતી વખતે ભારતીય વાયુસેનાનું વિમાન ક્રેશ થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, લેન્ડિંગ દરમિયાન વિમાને કાબુ ગુમાવ્યો અને રનવે પરથી સ્લીપ થયું હતું. ત્યારબાદ વિમાન ટેક્સીવેને પાર કરીને બે ભાગમાં વિભાજીત થઈ ગયું અને તેમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમાર સહિત પાંચ બહાદુર સૈનિકો શહીદ થયા હતા, જ્યારે એક સહ-પાયલટ ગંભીર રીતે ઘાયલ થયો હતો. વાયુસેનાએ અકસ્માતની તપાસ માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની રચના કરી છે.