માવજી મહેશ્વરી
‘થોડા કલાકોમાં તમારા કેટલાં વર્ષો રીવાઈન્ડ થઈ ગયાં નહીં?’
‘હા, સનત. મને જરા અજીબ લાગે છે. મારી કહાની કોઈને કહેવાની થશે એવું તો મેં કદી વિચાર્યું પણ નહોતું.’
‘આપણે જે ન વિચાર્યું હોય તે થાય ત્યારે અજીબ લાગે. તમે આગળ વધો. એક રાતમાં તમારા મમ્મીમાં એવું શું પરિવર્તન આવ્યું કે સવારે તમાશો થયો?’
રૂટીનથી ટેવાયેલા શરીરે મને હંમેશના સમયે જ ઉઠાડી મૂકી. હું તે દિવસે મોર્નિંગ વોકમાં નીકળી ગયેલી. પણ ઘેર પહોંચતાં જ ફરી એજ કડવાશ સામે આવશે એ ખબર નહોતી. હું નહાઈને ટેબલ પર આવી ત્યારે મમ્મી પપ્પાની બાજુમાં બેઠી હતી. તેની આંખોમાં અનેરી ચમક હતી. થોડીવારે સંજય આવીને ખુરશી પર બેસી છાપું ઉપાડી લીધું. ચા આવી, નાસ્તો આવ્યો. મમ્મીથી જાણે રહેવાતું ન હતું. તેણે પપ્પાને પૂછી નાખ્યું, ‘તમે હવે શું કરવાના છો? આઈ મીન આપણા ધંધા વિશે કહું છું.’
પપ્પાએ સંજય તરફ નજર કરતાં કહ્યું, ‘અરે હા, ઠીક યાદ કરાવ્યું. હું એમ કહેતો હતો કે આપણે સાથે બેઠા છીએ તો અત્યારે ચર્ચા કરી લઈએ.’ સંજય પપ્પાને તાકી રહ્યો. મને ખબર નહોતી કે ગઈ કાલથી શાંત રહેલો સંજય વિસ્ફોટ કરશે. પપ્પાએ ચાની ચુસ્કી ભરી કપ ટેબલ પર રાખતાં કહ્યું, ‘છેલ્લાં એક વર્ષમાં આપણા એકબીજા સામેના પારિવારીક અસંતોષ બહાર આવ્યા છે. હું નથી ઈચ્છતો કે કોઈને અસંતોષ રહે. મારી એવી ઈચ્છા છે કે આપણી ઓફિસમાં મેનેજરની જગ્યા પર તને બેસાડું. સોનુએ હવે ત્યાં આવવાની અનિચ્છા જાહેર કરી છે. છતાં એ આવશે તો મને ગમશે.’
‘મારે શું કરવાનું છે?’ સંજય અજાણ્યા માણસની જેમ બોલ્યો. ‘તું કહેવા શું માગે છે હું કંઈ સમજ્યો નહીં. તમે સમજવાના પણ નથી. કારણ કે તમારે સમજવું જ નથી. ગઈ કાલથી જે ખેલ ચાલે છે તેમાં અમે બેય ભાઈઓને સાઈડ લાઈન કરી નાખવામાં આવ્યા છે. તે શું અમે નહીં સમજતા હોઈએ?’
‘એમાં સાઈડ લાઈન કરવાની વાત જ ક્યાં આવી છે સંજય? હું તો તારો પગાર નક્કી કરવાનું વિચારી રહ્યો છું. એટલું જ નહીં ઘરનો જે મેમ્બર કામ કરશે તેને પગાર મળશે.’
‘વાહ! હવે અમને પગાર આપીને મને નોકર બનાવવા માગો છો.’
‘સંજય તારે અવળો જ અર્થ લેવાનો હોય તો લે. બાકી નોકર બનાવી દેવાની વાત જ નથી. તને એમ ન થાય કે તું મફતમાં કામ કરે છે.’
‘તમે બાપ, દીકરી અને પેલા વોરાએ અમને બહાર કાઢવા માટે જ વિચાર્યું છે. આને એક વર્ષ સુધી વાંધો ન આવ્યો અને અચાનક એવું તે શું થયું કે તમને જનરલ પાવર આપી દેવામાં આવ્યા પપ્પા? મીસ સોનલ ઝવેરીને ઓચિંતુ શું સુઝ્યું?’
મને થયું કે મારે બોલવું જોઈએ. મેં સંજય સામે જોઈ રહેતા કહ્યું, ‘સંજય એક વર્ષમાં મેં જે વેઠ્યું છે તે ઓછું નથી. કાલે જયે મને ફોન કર્યો હતો. તેણે મારા માટે જે શબ્દો વાપર્યા છે તે સાંભળ્યા પછી પણ હું અહીં તમારી સામે બેઠી છું. તમે મને બહેન માનતા નથી અને માનવાના પણ નથી. તમને એવું લાગતું હતું કે મારા કારણે તમારા હક છીનવાયા છે મેં એટલે જ દૂર થઈ જવાનું નક્કી કર્યું છે.’
‘આ બધા તારા નાટક છે. પપ્પા આ છોકરી બડી ચાલાક છે. તમારા ખભા પર બંદૂક રાખીને પોતાનું નિશાન તાકવા માગે છે. પણ એટલું યાદ રાખજે સોનલ, હું તારા ઈરાદા પાર પાડવા નહીં દઉં.’ ‘મારા કોઈ ઈરાદા જ નથી સંજય. મને બધું પચાવી પાડવું હોત તો તમે એક વર્ષ પછી આ ઘરમાં રહેતા પણ ન હોત.’
સંજયની આંખોમાં રીતસર ખુન્નસ તરી આવ્યું. તેણે મારી સામે ઝેરીલી આંખે જોતાં કહ્યું, ‘એટલે તારો ઉપકાર ગણાવે છે એમ? શું તું એમ માને છે કે તેં આ ઘરમાં રહેવા ન દીધો હોત તો હું ફૂટપાથ પર આવી ગયો હોત?’
‘સંજય તારે ઝઘડો જ કરવો હોય તો હું ઉઠી જાઉં. મારે મારી સવાર નથી બગાડવી.’ પપ્પાએ કહ્યું.
‘અમારી જિંદગી બગડવા બેઠી છે અને તમને તમારી સવારની પડી છે. પપ્પા તમને પાવરદાર બનાવવાની વાત આવી ત્યારે તમે એવું કહી શક્યા હોત કે સંજયને પાવરદાર બનાવો. પણ તમે એવું ન કહો, કારણ કે મમ્મી તમને ન કહેવા દે. મને બધો ખેલ સમજાય છે. હમણાં જ તમે મમ્મીને મેનેજર બનાવવાની વાત કરી. તમને ત્યારેય મારો વિચાર ન આવ્યો. તમે અમને આ ઘરમાંથી બહાર જ કાઢવા માગો છો. મને સમજાઈ ગયું છે. પણ તમે એમ ન માનશો કે તમારા સિવાય મારું કોઈ નથી. હું કંઈ એકલો નથી થઈ જવાનો.’
‘તારા તો ઘણાંય સગાં છે સંજય. એવું છે તો પછી અમારા લોકોના ઉપકાર તળે શા માટે બેઠો છે. તને કોઈ તમીજ નથી કે કોની સાથે કઈ રીતે વાત થાય? તને એટલી સમજ પડે છે કે તું વેપારીનો દીકરો છો?’ ક્યારથી ચૂપ બેઠેલી મમ્મીએ કહ્યું.
આ સાંભળી સંજય એકદમ ઉંચા અવાજે બોલ્યો, ‘મને તો ખબર છે જ કે હું વેપારીનો દીકરો છું. તમે ક્યારે પેદાઈશી વેપારી હતા? તમે કઈ દુનિયામાંથી આવો છો અને શું કરતા હતા એ યાદ કરો. મને ઉશ્કેરો નહીં. નહીંતર તમારો ભૂતકાળ અહીં પપ્પા સામે જ ખોલીશ શું સમજો છો મને?’ સંજય એટલા ઉંચા અવાજે બોલ્યો કે એક નોકર દોડી આવ્યો. સંજયના શબ્દોએ પપ્પાને એટલી હદે ઉશ્કેરી નાખ્યા કે તે ઊભા થઈ ગયા. ગુસ્સાથી ધ્રુજતા પપ્પાએ દરવાજા તરફ હાથ લાંબો કરતા કહ્યું, ‘સંજય યુ નોન્સેન્સ. ગેટ આઉટ ફ્રોમ હીયર. આજથી મોઢું ન બતાવતો.’
સંજય દાંત ભીંસીને ધીમેથી ઊભો થયો અને નિર્મલાની બાંય પકડીને નજીક લાવતા કહ્યું, ‘સાંભળી લીધું ને? તું કહેતી હતી ને કે પપ્પાજી અને સોનલબહેન બહુ સારા માણસ છે. જોઈ લીધી તે એમની નાલાયકી? ચાલ જલ્દી કર. બેગ ભર. આપણે અહીં નથી રહેવું.’
તેની પત્ની લાચાર આંખે અમને જોઈ રહી. સંજયે રીતસર તેને ધકેલી અને અમારા તરફ પાછો ફરી ખુન્નસ ભરી નજરે જોઈને બોલ્યો, ‘પપ્પા હું હંમેશ માટે જાઉં છું. અમારી મા હોત તો અમારા હક્ક માટે લડત. સોનલ સાંભળ, તે અમારા સુખ ચેન છીનવી લીધા છે. તારા સુખ ચેન છીનવી ન લઉં ત્યાં સુધી મને શાંતિ નહીં થાય.’ ઘરનું વાતાવરણ ભયંકર રીતે ડહોળાઈ ગયું.
પપ્પા માથે હાથ દઈને બેસી ગયા. પણ મમ્મીના મોં પર દુખની એક રેખા નહોતી. જાણે જે કંઈ બન્યું તેના માટે સારું બન્યું હતું. પપ્પાની નજીક ખસતાં તેણે કહ્યું, ‘એમાં માથે હાથ દઈને બેસવાની જરૂર નથી. તમારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. ચિંતા એ કરે જેણે ભૂલો કરી હોય. એમને આ ઘર છોડી ચાલ્યા જવું હોય તો ચાલ્યા જાય. ઠોકરો ખાશે એટલે પોતાની મેળે અક્કલ ઠેકાણે આવશે. ચાલો ચા પીઓ, આપણે નીકળવાનું છે.’
ઘરમાં મોટું મહાભારત ખેલાઈ ગયું હતું અને એ સ્ત્રીને પોતાને મળનારા પદમાં રસ હતો. નવાઈની વાત એ હતી કે બધું એની ઈચ્છા મુજબ બની રહ્યું હતું. મને ઘડીક લાગ્યું કે મેં પપ્પાને પાવરદાર બનાવીને કોઈ ભૂલ તો નથી કરીને? સાચું કહું તો મારું ધ્યાન તે વખતે ઉપરના ઓરડામાં હતું. એ ઓરડામાં એક મજબુર સ્ત્રી અને બાળકો એક ઉછાંછળા પુરુષને કારણે ઘર છોડી જઈ રહ્યા હતા. ક્ષણ ક્ષણ પસાર થતી હતી તેમ મારું હૈયું આક્રંદ કરતું જતું હતું. મારે એક પ્રયાસ કરવો જ જોઈએ. મને અજીબ મૂંઝારો થવા લાગ્યો.
હું ઝડપથી સંજયના રૂમમાં પહોંચી. સંજય કોઈ સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. ભાભી બેગમાં કપડાં ભરી રહી હતી. સંજયના નાના છોકરાએ મારી સામે જોયું. એની આંખો જોઈ મારું કાળજું કપાઈ ગયું. મારી આંખમાં આંસુ જોઈને સંજયનો ગુસ્સો બેવડાયો. તેણે, હું પછી કોલ કરું છું કહીને ફોન કટ કર્યો અને મારી સામે તાડૂક્યો, ‘શા માટે અહીં આવી છો? રડવાનું નાટક બંધ કર. તારા કારણે જ મારે આજે ઘર છોડવાનો સમય આવ્યો છે. આ વાત હું મરીશ ત્યાં સુધી ભુલીશ નહીં.’
હું તોય ઊભી રહી. મારી વિખેરાતી હિંમત એકઠી કરી મેં કહ્યું, ‘સંજય તને એમ લાગતું હોય કે મારાં કારણે થયું છે તો ન જા. હું પોતે જ આ ઘર છોડીને ચાલી જવા તૈયાર છું. તારી જીદનો ભોગ આ બાળકોને શા માટે બનાવે છે?’
‘તને કહ્યું ને કે ચાલી જા અહીંથી. મારું મગજ ઠેકાણે નથી. મારાથી ન થવાનું થઈ જશે. એ મારા છોકરા છે. અને યાદ રાખજે તને એવા માણસો વચ્ચે નાખી દઈશ જે તારા બદનને ચૂંથી નાખશે.’
સંજય જે બોલ્યો તેનો શો અર્થ થતો હતો તે હું બરાબર સમજી હતી. મારે હવે ત્યાં ઊભા રહેવાનું કોઈ કારણ નહોતું. હું રડતી આંખે મારા રૂમમાં આવી બેડ પર જઈને મેં પડતું મૂક્યું. દુ:ખ અને આઘાતથી મારું હૈયું ચિરાતું હતું. આંસુ એકધારા વહે જતા હતા. થોડીવારે પપ્પા મારા રૂમમાં આવ્યા. મારી બાજુમાં બેસી મારા વાળ પર હાથ ફેરવતાં તેમણે કહ્યું, ‘સોનું બેટા પપ્પા હજુ જીવે છે હોં. તું રડ નહીં દીકરા, તું કહીશ તો બધું એને આપી દઈશ. આપણે રાજસ્થાન ચાલ્યા જઈશું. આપણે સાથે રહીશું બસ. પ્લીઝ રડ નહીં.’
ખબર નહીં કેમ પણ પપ્પાએ રાજસ્થાનની વાત કહી તે સાંભળી મારા હૈયાના બંધ છુટી ગયા. કોઈ નાની છોકરીની જેમ હું પપ્પાને વળગીને જોરથી રડી પડી. પપ્પાની આંખો ભીની થઈ ગઈ. તે જ વખતે મમ્મી મારા રૂમમાં આવી. અમને બાપ દીકરીને રડતા જોઈ તેણે જરા કરડા સ્વરે કહ્યું, ‘આમ રડો છો તે તમને બેયને સારું નથી લાગતું. નોકરો જોશે તો શું વિચારશે તેની ખબર છે?’
મને હતું કે મમ્મી નજીક આવશે. મારી પીઠ પર હાથ ફેરવશે. મને સાંત્વના આપશે. પણ તેણે તો પપ્પાનો હાથ પકડતાં કહ્યું, ‘ચાલો ઊભા થાવ. એ તમારો દીકરો છે, બાપ નહીં. એને જવું હોય તો ભલે જાય. ચાલો ઓફીસે જવાની તૈયારી કરો અને સોનલ તું પણ રડવાનું બંધ કર. મમ્મી અને પપ્પા મારા રૂમમાંથી નીકળી ગયા. મને સમજાતું નહોતું કે જે માણસ મને પોતાની દુશ્મન સમજે છે. તેના તરફ મને શા માટે લાગણી જાગે છે.
મારા મનમાં વિચિત્ર તોફાન હતું. જે મને જ સમજાતું નહોતું. મેં શીખેલું સાઈકોલોજીનું બધું જ્ઞાન નિરર્થક સાબિત થઈ રહ્યું હતું. મેં, સંજય અને તેના છોકરાના બહાર જવાના અવાજ સાંભળ્યો. હું બહાર દોડી ગઈ. પૂતળાની જેમ સૌ સંજય તેની પત્ની અને બાળકોને ઘરની બહાર જતા જોઈ રહ્યા હતા. ખબર નહીં કે અચાનક સંજયના નાના છોકરાએ મારી સામે હાથ હલાવ્યો. મારી જાણ બહાર જ મારાથી ધ્રુસકો મુકાઈ ગયો. કિંમતી વસ્તુઓથી સજાવેલા અમારા ડ્રોઈંગ રૂમમાં ફેલાઈ ગયો.
મેં ફરી મારા રૂમમાં દોટ મૂકી અને રૂમ અંદરથી બંધ કરી દીધો. મારા રૂમની ટેબલ પર મૂકેલી મારી મમ્મીની છબી મને તાકી રહી હતી. (ક્રમશ:)