Tue Oct 06 2026

Logo

નેશનલ ફિલ્મ એવોર્ડનું પ્રસારણ ક્યાં જોવા મળશે? એકતાનગરથી લાઈવ અંગે આટલું ખાસ જાણો

2026-09-22 14:17:00
Author: Mumbai Samachar Team
નેશનલ ફિલ્મ એવોર્ડનું પ્રસારણ ક્યાં જોવા મળશે? એકતાનગરથી લાઈવ અંગે આટલું ખાસ જાણો

નેશનલ ફિલ્મ એવોર્ડ્સની શરૂઆત વર્ષ 1954માં થઈ હતી. છેલ્લા 71 વર્ષથી આ પુરસ્કાર સમારોહ દેશની રાજધાની નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાતો આવ્યો છે. જોકે, 72 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આ એવોર્ડ સમારોહ દિલ્હીની બહાર યોજાઈ રહ્યો છે. આ વખતે ગુજરાતના કેવડિયા (એકતા નગર)માં તેનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નજીક સમારોહ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. 

આ ભવ્ય એવોર્ડ સમારોહ 22 સપ્ટેમ્બર 2026ના રોજ યોજાશે, જેની શરૂઆત બપોરે 3 વાગ્યાથી થશે. આ ઐતિહાસિક સમારોહનું લાઇવ પ્રસારણ DD નેશનલ અને દૂરદર્શન નેશનલ પર જોઈ શકાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિજેતાઓને સન્માનિત કરશે. આ દરમિયાન ટીવી 9 ના વરિષ્ઠ પત્રકાર સંજીવ શ્રીવાસ્તવને ‘બેસ્ટ ફિલ્મ ક્રિટિક’ માટે નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

કોને-કોને મળશે નેશનલ ફિલ્મ એવોર્ડ?
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં આ વર્ષે અનેક દિગ્ગજ કલાકારો અને શ્રેષ્ઠ ફિલ્મોનો દબદબો જોવા મળી રહ્યો છે. ભારતીય સિનેમામાં દાયકાઓ સુધી આપેલા યોગદાન બદલ દિગ્ગજ અભિનેતા અનંત નાગને દેશના સર્વોચ્ચ સિનેમાઈ સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

ફિલ્મ ‘આર્ટિકલ 370’માં શાનદાર અને દમદાર અભિનય બદલ યામી ગૌતમને બેસ્ટ એક્ટ્રેસ તરીકે પસંદ કરવામાં આવી છે. જ્યારે ‘ચંદુ ચેમ્પિયન’ માટે કાર્તિક આર્યનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવશે. દક્ષિણ ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા મમૂટી પણ બેસ્ટ એક્ટરનો એવોર્ડ મેળવશે.

આ ઉપરાંત ટીવી 9ના વરિષ્ઠ પત્રકાર સંજીવ શ્રીવાસ્તવને બેસ્ટ ફિલ્મ ક્રિટિક એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે માહિતી અને પ્રસારણ મંત્રાલયે 18 જુલાઈ 2026ના રોજ નવી દિલ્હીમાં નેશનલ ફિલ્મ એવોર્ડ્સના વિજેતાઓની જાહેરાત કરી હતી.

ક્યારે થઈ હતી નેશનલ ફિલ્મ એવોર્ડ્સની શરૂઆત?
નેશનલ ફિલ્મ એવોર્ડ્સની શરૂઆત વર્ષ 1954માં થઈ હતી. તે સમયે તેને ‘સ્ટેટ એવોર્ડ્સ ફોર ફિલ્મ્સ’ તરીકે ઓળખવામાં આવતો હતો. આ એવોર્ડ્સ મુખ્યત્વે ત્રણ ક્ષેત્રોને આવરી લે છે , જેમાં ફીચર ફિલ્મ, નોન-ફીચર ફિલ્મ અને સિનેમા પર લેખન પણ સામેલ છે. નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં મેડલ અને પ્રમાણપત્રની સાથે ઇનામની રકમ પણ આપવામાં આવે છે. ફીચર ફિલ્મ કેટેગરીમાં સ્વર્ણ કમળ અને રજત કમળ મેળવનારને અંદાજે 2થી 3 લાખ રૂપિયા સુધીની ઇનામી રકમ મળે છે.

નોન-ફીચર ફિલ્મ કેટેગરીમાં પણ સ્વર્ણ કમળ અથવા રજત કમળ સાથે 2થી 3 લાખ રૂપિયા સુધીની ઇનામી રકમ આપવામાં આવે છે. જ્યારે સિનેમા પર શ્રેષ્ઠ લેખન માટે સ્વર્ણ કમળ આપવામાં આવે છે અને તેની સાથે 1 લાખ રૂપિયાનું ઇનામ મળે છે. દાદાસાહેબ ફાળકે એવોર્ડની વાત કરીએ તો વિજેતાને સ્વર્ણ કમળ અને શાલથી સન્માનિત કરવામાં આવે છે. આ ઉપરાંત 10 લાખ રૂપિયાની ઇનામી રકમ પણ આપવામાં આવે છે.