Mon Oct 05 2026

Logo

આઈઆઈટી બોમ્બે આત્મહત્યા બાદ જાગ્યુંઃ હવે હોસ્ટેલમાં સિલિંગ ફેનને બદલે વોલ-માઉન્ટેડ પંખા લાગશે

2026-09-22 18:51:47
Author: Vipul Vaidya
આઈઆઈટી બોમ્બે આત્મહત્યા બાદ જાગ્યુંઃ હવે હોસ્ટેલમાં સિલિંગ ફેનને બદલે વોલ-માઉન્ટેડ પંખા લાગશે

મુંબઈ: આઈઆઈટી બોમ્બેમાં બી ટેકના બીજા વર્ષના વિદ્યાર્થી સાહિલ વાકોડેના તાજેતરના મોત બાદ સંસ્થાએ હોસ્ટેલમાં સીલિંગ ફેનને બદલે વોલ-માઉન્ટેડ ફેન લગાવવાની પ્રક્રિયા શરૂ કરી હોવાનું સામે આવ્યું છે. આ નિર્ણય હેઠળ કેમ્પસના તમામ હોસ્ટેલ તેમજ અન્ય ઉપયોગી વિસ્તારોમાં સીલિંગ ફેન હટાવીને દિવાલ પર લગાવવામાં આવતા ફેન મૂકવામાં આવશે. સંસ્થાના આ નિર્ણયની માહિતી સામે આવ્યા બાદ વોલ-માઉન્ટેડ ફેનનો એક જથ્થો કેમ્પસમાં પહોંચ્યો હોવાનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના રહેવાસી સાહિલ વાકોડે એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગમાં અભ્યાસ કરતો હતો. શુક્રવારે સાંજે પવઈ કેમ્પસ સ્થિત હોસ્ટેલના રૂમમાં તે મૃત હાલતમાં મળી આવ્યો હતો. અહેવાલો મુજબ, મિડ-સેમેસ્ટર પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોન પર ચેટજીપીટી નો ઉપયોગ કર્યાની કથિત ઘટના બાદ આ બનાવ બન્યો હતો. સાહિલના પરિવારજનોએ અગાઉ સંસ્થામાં કથિત જાતિ આધારિત ભેદભાવ અને માનસિક ત્રાસના આક્ષેપો કર્યા છે, જેના આધારે પોલીસ તપાસ પણ ચાલી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, આઈઆઈટી બોમ્બેમાં સીલિંગ ફેનને બદલે વોલ-માઉન્ટેડ ફેન લગાવવાનો નિર્ણય જુલાઈમાં બનેલી અન્ય એક વિદ્યાર્થી આત્મહત્યાની ઘટના બાદ ચર્ચામાં આવ્યો હતો. સાહિલના મોત બાદ આ નિર્ણયને ફરી વેગ મળ્યો છે. હવે સમગ્ર કેમ્પસના હોસ્ટેલ અને અન્ય જરૂરી વિસ્તારોમાં તબક્કાવાર ફેન બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

જોકે, આ નિર્ણય અંગે એનસીપી (એસપી) ના પ્રવક્તા અનીશ ગાવંડેએ સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે માત્ર સીલિંગ ફેનને વોલ-માઉન્ટેડ ફેનથી બદલવાથી આઈઆઈટીમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની સમસ્યાનો ઉકેલ આવી શકે નહીં. તેમણે આત્મહત્યા નિવારણ, માનસિક આરોગ્ય માટેની સહાય અને વિદ્યાર્થીઓને જરૂરી કાઉન્સેલિંગ જેવી વ્યવસ્થાઓ પર વધુ ધ્યાન આપવાની જરૂરિયાત વ્યક્ત કરી છે.

ગાવંડેએ દાવો કર્યો કે છેલ્લા 20 વર્ષમાં દેશની વિવિધ આઈઆઈટીમાં 117થી વધુ વિદ્યાર્થીઓના આત્મહત્યાથી મોત થયા છે. તેમણે સવાલ કર્યો કે શું સીલિંગ ફેનની જગ્યાએ વોલ ફેન લગાવવાથી આઈઆઈટીમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની ગંભીર સમસ્યાનો ઉકેલ આવશે. દરમિયાન, આઈઆઈટી બોમ્બે દ્વારા ફેન બદલવાની કામગીરી શરૂ થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે, જ્યારે વિદ્યાર્થીઓની સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્ય અંગેની અન્ય વ્યવસ્થાઓ અંગે સંસ્થાની તરફથી વધુ સ્પષ્ટ માહિતીની રાહ જોવાઈ રહી છે.