Tue May 19 2026

Logo

મગજ મંથનઃ રંગ ને રીત ભલે અલગ હોય, પણ પ્રેમ - આનંદ ને ભાવ એક...

2026-03-04 15:03:00
Author: Mumbai Samachar Team
Article Image

વિઠ્ઠલ વઘાસિયા

ભારત ઉત્સવોની ભૂમિ છે. અહીં દરેક ઋતુ, દરેક ભાવના અને દરેક પરિવર્તનને ઉત્સવ રૂપે ઉજવવામાં આવે છે. એમાં પણ હોળી-ધુળેટી એવો ઉત્સવ છે, જે રંગ, પ્રેમ, સમાનતા અને આનંદનો સંદેશ આપે છે. વસંતઋતુના આગમન સાથે આવતો આ ઉત્સવ માત્ર રંગે રમવાનો દિવસ નથી, પરંતુ, અહંકાર પર વિનમ્રતાની વિજયગાથા અને માનવ વચ્ચેના ભેદભાવને ભૂલવી દેવાનો પાવન અવસર છે.

ધુળેટી એટલે રંગો દ્વારા સમાનતાનો ફેલાતો સંદેશ. 
હોળી પછી આવતી ધુળેટીના દિવસે લોકો એકબીજાને રંગ લગાવે છે. અહીં રાજા-રંક, ધનવાન-ગરીબ, ઊંચ-નીચ બધો ભેદ ભૂલીને લોકો એકબીજાને ગળે મળે છે. રંગો એ ભાષા બની જાય છે - જેમાં પ્રેમ, આનંદ અને મિત્રતાનો સંદેશ છુપાયેલો છે.

ભારતની વિશેષતા એ છે કે એક જ ઉત્સવ દરેક રાજ્યમાં અલગ સ્વરૂપે, અલગ રંગે અને અલગ ભાવથી ઉજવાય છે. હોળીની ઉજવણી પણ પ્રદેશ અને સમાજની પરંપરા મુજબના રંગો ધારણ કરે છે. ઉત્તરના પર્વતીય વિસ્તારોથી કેરળના દક્ષિણી વિસ્તારો હોય કે પશ્ર્ચિમના રાજસ્થાનથી પૂર્વના બંગાળ ક્ષેત્ર હોય, એક દિવસથી માંડીને બાર દિવસના સમયગાળા દરમિયાન હોળી મનાવવામાં આવે છે. ધાર્મિક, સાંસ્કૃતિક અને પરંપરાગત રીતે હોળી અને વસંતના વધામણાંનો અનોખો સંયોગ રચાય છે, જેમકે...

ઉત્તર પ્રદેશ: બરસાના અને નંદગાવમાં રાધા અને કૃષ્ણની હોળીની લોકવાયકાને જીવંત કરવામાં આવે છે. મથુરા-વૃંદાવન વિસ્તારમાં લઠમાર હોળી ખૂબ પ્રસિદ્ધ છે. અહીં મહિલાઓ લાકડાની લાઠીથી પુરુષોને મજાકીય રીતે મારતી હોય છે અને પુરુષો ઢાલથી બચાવ કરે છે. આ ઉજવણી રાધા-કૃષ્ણની લીલાઓ સાથે જોડાયેલી છે. વિખ્યાત લઠમાર હોળીની ખ્યાતિ દેશની સરહદો ઓળંગી ગઈ છે. રંગોમાં રમમાણ ભાવિકો આ લોકવાયકાને માણવા દેશ અને વિદેશમાંથી આવે છે.

રાજસ્થાન: રાજસ્થાનમાં હોળી રાજસી ભવ્યતા સાથે ઉજવાય છે. જયપુર, ઉદયપુર જેવાં શહેરોમાં શોભાયાત્રા, લોકનૃત્ય, ઢોલ-નગારાં અને અગ્નિકુંડ સાથે હોળી દહન થાય છે. અહીં હોળી વીરતા, શૌર્ય અને પરંપરાનો ઉત્સવ બની જાય છે. રજવાડી રાજ્ય રાજસ્થાનમાં મહેલો અને રાજવી પરિવારોની ભવ્યતા હોળીના ઉત્સવમાં પણ પ્રતિબિંબિત થાય છે. રાજવી પરિવારોમાં તેમની હેરિટેજ પ્રોપર્ટીમાં પરંપરાગત નૃત્યો સંગાથે સરઘસનું આયોજન કરવામાં આવે છે. સહેલાણીઓ રંગના તહેવારને માણી શકે એટલા માટે મહેલોના પ્રાંગણ અને ફાઈવ સ્ટાર હોટલોમાં પણ આગવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે.

ગુજરાત: ગુજરાતમાં હોળી-ધુળેટી ફાગણ મહિનાની લોક પરંપરાઓ સાથે જોડાયેલી છે. હોળી દહન પછી ધુળેટીના દિવસે લોકો રંગ-ગુલાલ સાથે રાસ-ગરબા, ફાગણી ગીતો અને મીઠાઈઓ સાથે ઉત્સવ મનાવે છે. અહીં હોળી સામૂહિક આનંદ અને લોકસંસ્કૃતિનું પ્રતિબિંબ છે.

પંજાબ: હોળીના સમયે વિરતા અને શિસ્તનું વિશેષ પ્રદર્શન એટલે હોલા મહોલ્લા. ગુરુ ગોવિંદસિંહે શરૂ કરેલી આ વિશેષ પરંપરામાં સૌથી મોટી ઉજવણી આનંદપુર સાહિબ ખાતે થાય છે. શીખ યુવકો વીરતોના દાવો રજૂ કરે છે. ઘોડે સવારી, તલવારબાજી જેવા હિંમત ભર્યા ખેલ કરીને દિલેરી સાથે વસંતને વધાવતા હોય છે. આ ઉજવણીની સાથોસાથ શેરીઓમાં લંગર લગાવીને પ્રસાદ વિતરણ પણ કરવામાં આવે છે.

વારાણસી: વારાણસીમાં વિખ્યાત મણિકર્ણિકા ઘાટ પર મસાણ હોળી સાવ અલગ ભાત પાડે છે. સતત જલતી ચિતાની રાખ વડે હોળી રમીને ભાવિકો જીવન અને મૃત્યુના તાદાત્મયને સાર્થક કરે છે.

પશ્ચિમ બંગાળ: બંગાળમાં હોળીને દોલ યાત્રા તરીકે ઉજવવામાં આવે છે. અહીં શ્રીકૃષ્ણની મૂર્તિને ઝૂલામાં બેસાડીને ભક્તિ ગીતો સાથે યાત્રા કાઢવામાં આવે છે. રંગ રમવાની સાથે ભક્તિ અને કળાનો સંગમ જોવા મળે છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે શરૂ કરેલી બસંત ઉત્સવની પરંપરાને આજે પણ શાંતિનિકેતને જાળવી રાખી છે. વિદ્યાર્થીઓ પીળાં વસ્ત્રો ધારણ કરીને ગીતો, કવિતાઓ અને નૃત્યો વડે વસંતને આવકારે છે. હોળીની આ ઉજવણી સાહિત્યિક વર્તુળોમાં ભારે લોકપ્રિય છે.

બિહાર: બિહારમાં ભોજપુરી રીતે ફાગણના વધામણાં કરવામાં આવે છે. ફાગુનવાની આ ખાસ હોળી ઉજવણી આમતો વસંત પંચમીથી શરૂ થઈ જાય છે. ગામ અને નગરના ચોકમાં સાંજે લોકો એકઠા થઈને ભોજપુરી ગીતોની રમઝટ બોલાવે છે. માલપુવા, પકોડા અને ગુંજિયા જેવાં પરંપરાગત વ્યંજનો સંગાથે પરિવારો અને મિત્ર વર્તુળો આનંદમાં ગુલતાન બને છે.

આમ પ્રદેશ કોઈ પણ હોય, પણ એ દરેક જગ્યાએ હોળી માત્ર ઉત્સવ નથી; તે માનવતાનો પાઠ છે. દ્વેષ ભૂલીને માફી માગવાનો દિવસ છે. તૂટેલા સંબંધોને ફરી જોડવાનો અવસર છે. આ દિવસે ‘બુરા ના માનો, હોલી હૈ’ માત્ર વાક્ય નથી, પરંતુ જીવનદૃષ્ટિ છે.

હોળી-ધુળેટી ભારતના આત્માનો ઉત્સવ છે. વિવિધ રાજ્યોમાં વિવિધ રૂપે ઉજવાતી હોળી આપણને એક જ સંદેશ આપે છે - ‘રંગ અલગ હોઈ શકે, રીત અલગ હોઈ શકે, પણ - પ્રેમ, સમાનતા આનંદ અને ભાવ એક જ છે....’