ભુજઃ ફાગણમાં ચૈત્ર-વૈશાખ જેવા છવાયેલા માહોલ વચ્ચે સમગ્ર કચ્છમાં અંધકાર પર પ્રકાશના વિજયના પ્રતિક સમાં હોળીનો તહેવાર રંગેચંગે ઉજવાયો હતો અને ઠેર-ઠેર હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા. હોલિકા દહન દરમ્યાન તેમાં કપૂર સહિતની યજ્ઞ સામગ્રીના ઉપયોગ સાથે લોકો હોળીની પ્રદક્ષિણા કરતાં કરતાં, શ્રીફળ અને ધાણી જેવી પરંપરાગત પૂજન સામગ્રી સાથે કપૂર સહિતના વૈદિક દ્રવ્યોની આહુતિ આપતા નજરે પડ્યા હતા.

'વર્લ્ડ હેરિટેજ સાઈટ'માં સમાવિષ્ટ ભુજના ઐતિહાસિક દરબારગઢ ચોક ખાતે યોજાયેલી હોળીએ ભારે આકર્ષણ ઉભું કર્યું હતું અને આ હોળીમાં વિદેશી પર્યટકો પણ હોળીની પ્રદક્ષિણા કરતા જોવા મળ્યા હતા અને હોળી પ્રાગટ્યની સાથે જ જ્યાં કચ્છનો રાજ દરબાર ભરાતો તે પ્રાગમહેલના તોરણીયા નાકા અને સમગ્ર કચ્છના ઇતિહાસના મૂક સાક્ષી સમી દરબારગઢની પ્રાચીન દીવાલો હોલિકાનાં પ્રકાશપુંજથી ઝળાંહળાં થતાં અવલોકિક નજારો સર્જાયો હતો.આ ઉપરાંત ભુજના હાટકેશ્વર મંદિર,ધીંગેશ્વર મહાદેવ ખાતે તેમજ ધરતીકંપ બાદ અસ્તિત્વમાં આવેલી ભુજની રિલોકેશન વસાહતોમાં પણ વિરાટ હોલિકા દહન કરાયા હતા.
આવતીકાલે ધૂળેટીનું પર્વ હોઈ,ભુજની બજારોમાં મોડે મોડે પણ જુદા જુદા પ્રકારના રંગ અને પિચકારીઓની ખરીદી કરતા લોકો જોવા મળી રહ્યા હતા. ભુજ ઉપરાંત માંડવી,અંજાર,રાપર,નલિયાથી શરૂ કરીને છેક છેવાડાના માતાના મઢ અને નારણ સરોવર ખાતે પણ હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા.
(ઉત્સવ વૈદ્ય)