નવી દિલ્હીઃ ભારતની નૅશનલ હૉકી ટીમના ખેલાડીઓનો રંગ બ્લુમાંથી ભગવો (કેસરી) કરવામાં આવ્યો હોવાની ગુરુવારે જાહેરાત થતાં જ વિરોધ પક્ષના નેતાઓએ સરકારની ટીકા કરવાનું શરૂ કરી દીધું છે. આ નેતાઓએ એવી ચિંતા વ્યક્ત કરી છે કે હવે કદાચ ભારતીય લશ્કરના યુનિફૉર્મ (Uniform)નો રંગ પણ ભગવો કરી નાખવામાં આવશે. સર્વત્ર ભગવો રંગ ફેલાવી દેવાનો ભાજપ અને આરએસએસ દ્વારા પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ વિપક્ષોએ કર્યો હતો.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે...
ભારતના પુરુષ તેમ જ મહિલા હૉકી ખેલાડીઓની જર્સી હવેથી બ્લુને બદલે કેસરી રંગમાં જોવા મળશે. કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા (Vadra)એ હૉકી ઇન્ડિયાના આ નિર્ણયને રાજકીય સ્વરૂપ આપતાં જણાવ્યું હતું કે `અમને લાગે છે કે સરકાર કદાચ યુનિફૉર્મનો રંગ પણ બદલી નાખશે. આ બાબત તેમ જ આરએસએસ-પ્રેરિત શિક્ષણ નીતિથી પ્રભાવિત ઇતિહાસની બાબતમાં યુવા વર્ગના મંતવ્યો સમજવાની ખાસ જરૂર છે. દેશને આઝાદી અપાવવાની લડત સત્ય અને અહિંસા પર આધારિત હતી અને આરએસએસ એના પિક્ચરમાં ક્યાંંય નથી.'
કૉંગ્રેસી સંસદસભ્ય અમર સિંહે આક્ષેપ કર્યો હતો કે `ભાજપ બધું ભગવા રંગનું બનાવી નાખવા માગે છે. અમને લાગે છે કે હૉકી ટીમ પછી હવે ભારતીય લશ્કરનો યુનિફૉર્મ પણ ભગવા રંગનો કરી નાખવામાં આવશે.'
કીર્તિ આઝાદનું ડબલ સ્ટાન્ડર્ડ
1983 વર્લ્ડ કપના ક્રિકેટર અને તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના નેતા કીર્તિ આઝાદે બે દૃષ્ટિકોણવાળી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, `કેસરી રંગ હોય કે લીલો, કોઈ ફરક ન પડે. મેદાન પર તો ખેલાડીના પર્ફોર્મન્સનું જ મહત્ત્વ હોય છે. ક્રિકેટમાં (ટેસ્ટમાં) અમે સફેદ કપડાં પહેરીને રમતા હતા. રંગ કરતાં પર્ફોર્મન્સનું વધુ મૂલ્ય છે. મંદિરમાં, મસ્જિદમાં, ગુરુદ્વારામાં કે ચર્ચમાં જઈને કોઈ વ્યક્તિ (ખેલાડી) 100 રૂપિયાની નોટ ઈશ્વરના ચરણમાં ધરે અને પ્રાર્થના કરે કે આવતી કાલે મારી મૅચ છે, મને સેન્ચુરી કરવામાં મદદ કરજો. જોકે એ શક્ય નથી...ખેલાડીએ પ્રયત્નથી જ લક્ષ હાંસલ કરવું પડતું હોય છે. ટૂંકમાં, રમતગમતમાં રંગ મહત્ત્વનો નથી, ખેલાડીની કાબેલિયત પર બધુ નિર્ભર હોય છે. જોકે મારું માનવું છે કે હૉકીના ખેલાડીઓના જર્સીના પરંપરાગત બ્લુ રંગમાં ફેરફાર કરવાની જરૂર શું હતી એ જ મને નથી સમજાતું. આ રમત સાથે આપણો બ્લુ રંગ વર્ષોથી સંકળાયેલો હતો તો પછી એ જ રહેવા દેવો જોઈતો હતો. એના પર ધાર્મિક રંગ લાદવાની જરૂર જ શું છે.'