Wed Aug 19 2026

Logo

અમેરિકન ચેસ પ્લેયરે ગુસ્સો ઠાલવતાં કહ્યું, `અમે બધા શું ઇરાનમાં ફરતા મોસાદના એજન્ટ જેવા છીએ?'

2026-04-02 20:18:28
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ સાયપ્રસ દેશમાં વિશ્વના ટોચના ચેસ ખેલાડીઓની `ધ કૅન્ડિડેટ્સ' નામની ટૂર્નામેન્ટ ચાલી રહી છે જેમાં આયોજક ફિડે એટલે કે ઇન્ટરનૅશનલ ચેસ ફેડરેશન તમામ ખેલાડીઓને જે છેતરપિંડી વિરોધી સિસ્ટમમાંથી પસાર થવાની ફરજ પાડી રહ્યું છે એ બાબતમાં અમેરિકાના વર્લ્ડ નંબર-ટૂ ચેસ ખેલાડી હિકારુ નાકામુરા (Nakamura)એ આક્રોશ ઠાલવ્યો છે અને એક નિવેદનમાં તેણે ઇરાન તેમ જ ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદ (Mossad)નો ઉલ્લેખ કરીને સૌને ચોંકાવી દીધા હતા.

ફિડેના અધિકારીઓએ સાયપ્રસમાં ચેસના ખેલાડીઓને ઍન્ટિ-ચીટિંગ સિસ્ટમના ભાગરૂપે ટૂર્નામેન્ટના સ્થળે ઠેકઠેકાણે સ્કૅનર તથા મશીન બેસાડ્યા છે. પરિણામે, ખેલાડીઓએ વારંવાર આ સ્કૅનર અને મશીનની સિસ્ટમમાંથી પસાર થવું પડે છે.

નાકામુરાની પત્ની ઇરાનની છે

નાકામુરા મૂળ જાપાનનો છે અને તેણે અમેરિકાનું નાગરિકત્વ મેળવ્યું છે. નવાઈની વાત એ છે કે તેની પત્ની અતૌસા પૉર્સ્કાશિયાન ઇરાનની છે. 37 વર્ષની અતૌસા પણ વિશ્વની ટોચની મહિલા ચેસ ખેલાડીઓમાં ગણાય છે. નાકામુરા 38 વર્ષનો છે. બન્નેએ 2023માં લગ્ન કર્યા હતા. અતૌસાએ 2022માં ઇરાન છોડ્યું હતું અને ત્યારથી અમેરિકામાં જ રહે છે. તેમને એક સંતાન છે.

આટલી બધી ચકાસણી શું કામ?

નાકામુરા `ધ કૅન્ડિડેટ્સ' નામની જે ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યો છે એમાં ભારતના કેટલાક ટોચના પ્લેયર્સ પણ ભાગ લઈ રહ્યા છે. નાકામુરાએ પોતાની યુટ્યૂબ ચૅનલ પર કહ્યું છે કે `આવી મોટી ઇવેન્ટમાં કોઈ ખેલાડી જાણી જોઈને કોઈ પ્રકારનો વિલંબ કરે, રમતી વખતે છેતરપિંડી કરે એવી બધી વાતો વાહિયાત છે. તેમના પર નજર રાખનારા ઘણા અધિકારીઓ છે. ખેલાડીઓને ગેમ પહેલાં અને ગેમ પછી સ્કૅનથી ચકાસવામાં આવે છે. એક તરફ મેટલ ડિટેક્ટરો છે, બીજી બાજુ સ્કૅનર છે. અમે બધા શું ઇરાનમાં ફરી રહેલા (ઇઝરાયલી જાસૂસી સંસ્થા) મોસાદના એજન્ટ છીએ? એ તો યાદ રાખો કે અમે બધા ચેસ ખેલાડી છીએ.'