ભુજઃ રણપ્રદેશ કચ્છમાં સતત વધી રહેલા ઉનાળુ તાપ અને કાળઝાળ ગરમીની સૌથી ગંભીર અસર રણકાંધીના વિસ્તારોમાં જોવા મળી રહી છે. બન્ની પંથકના મારવાડા સમાજમાં ગણતરીના દિવસોમાં જ એક પછી એક ચાર વ્યક્તિઓના અકાળ મોત થતાં સમગ્ર પંથકમાં ભારે શોક અને ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. બીજી તરફ, આ મોતના સિલસિલા પાછળ લૂ અને અસહ્ય ગરમી જવાબદાર હોવાની પ્રબળ આશંકાઓ વચ્ચે સ્થાનિકોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, હોડકો મારવાડા સમાજના અગ્રણી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ભસર ભુરાના પરિવારના વડીલ શકરીયા ભુરા ખોયલાનું ૭૨ વર્ષની વયે અવસાન થયું હતું. આ વડીલના નિધનના સમાચાર હજુ પ્રસર્યા ત્યાં જ ગાંધીનું ગામ (ખાવડા)ના રહીશ સજણ ટાભા ધુવાનું પણ મોત નીપજ્યું હતું. હજુ આ બે વ્યક્તિઓના મોતના આઘાતમાંથી સમાજ બહાર આવે તે પહેલાં જ હોડકો ગામના માત્ર ૨૧ વર્ષના કરમશી ખેંગારનું પણ અચાનક નિધન થયું હતું. આ સિલસિલો અહીં જ ન અટકતાં, અંધૌ ગામના પૂર્વ સરપંચ સુમારભાઈનું પણ ઓચિંતું અવસાન થતાં મારવાડા સમાજે ટૂંકા ગાળામાં જ ચાર-ચાર પુરુષ સભ્યો ગુમાવ્યા છે.
દરમ્યાન, સમાજમાં એકસાથે નીપજેલા આ ચોંકાવનારા મૃત્યુ અંગે તબીબી સૂત્રોનું માનવું છે કે આ તમામ મોત પાછળ હૃદયરોગનો હુમલો મુખ્ય કારણ છે. જો કે, બીજી તરફ સમાજના વડીલો અને અનુભવીઓનું કહેવું છે કે હાલ રણકાંધીમાં જે રીતે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે અને અસહ્ય તાપ પડી રહ્યો છે, તે જોતાં આ મૃત્યુ પાછળ ગરમી અને લૂ જ કારણભૂત હોવાની પૂરેપૂરી શંકા છે.
મારવાડા સમાજમાં સર્જાયેલી આ ગમગીની વચ્ચે સમાજના અગ્રણીઓએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.
(ઉત્સવ વૈદ)