મુંબઈઃ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા (HARDIK PANDYA) 2024ના ટી-20 વર્લ્ડ કપનો સુપરસ્ટાર ખેલાડી હતો અને તાજેતરમાં 2026ના ટી-20 વિશ્વ કપમાં પણ ચૅમ્પિયન ભારતીય ટીમનો ખેલાડી હતો, પરંતુ આઇપીએલ શરૂ થઈ એટલે તેના વળતાં પાણી જોવા મળ્યા જેમાં ખાસ કરીને તેના નેતૃત્વમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની સરિયામ નિષ્ફળતાએ તેને વધુ ચર્ચાસ્પદ બનાવી દીધો છે અને હવે તો તેના નામ પર જાત જાતની અટકળ થવા લાગી છે.
પ્લે-ઑફની રેસની બહાર થઈ ગયેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમના ખેલાડીઓએ ગુરુવારે ધરમશાલામાં પંજાબ કિંગ્સ સામે રમાવાનારી મૅચ માટે મંગળવારે ધરમશાલામાં પ્રૅક્ટિસ કરી હતી, પણ તેમની સાથે હાર્દિક નહોતો. ઊલટાનું તેણે નવી મુંબઈના રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં એકલાએ ત્રણ કલાક પ્રૅક્ટિસ કરી હતી. એમઆઇના મૅનેજમેન્ટ સાથે હાર્દિકની કોઈ વાતે ખટપટ ચાલી રહી હોવાની વાતો અફવા બજાર ગરમ કરવા માટે જાણે પૂરતી ન હોય એમ હાર્દિકની ગર્લફ્રેન્ડ માહિકા શર્માએ સોશ્યલ મીડિયામાં મૂકેલી એક પોસ્ટને કારણે હાર્દિકનું ચૅપ્ટર વધુ ઘૂંટાયું છે.

માહિકા શર્માની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીને ઇન્ટરનેટ યુઝર્સ તેમ જ એમઆઇએ શૅર કરી હતી. એ પોસ્ટ પરથી જણાય છે કે હાર્દિક તેના ઘરમાં કે હૉટેલમાં છે અને તેની સાથે માહિકા શર્મા છે. આ પોસ્ટમાં હાર્દિક ફૂલોનું મોટું બૂકે હાથમાં લઈને ઊભેલો જણાય છે. જોકે આ ફોટોમાં હાર્દિકનો ચહેરો નથી દેખાતો એટલે એ કોણ છે એ પણ પ્રશ્ન છે.
ખુદ હાર્દિકે ખેલાડી તરીકે આ વખતની આઇપીએલમાં નિરાશાજનક પર્ફોર્મ કર્યું છે. આઠ મૅચમાં તે માત્ર 146 રન બનાવી શક્યો છે અને ચાર જ વિકેટ લીધી છે. ઇન્ટરનેટ પર એક ક્રિકેટપ્રેમીએ ત્યાં સુધી જણાવ્યું છે કે `મને 99 ટકા ખાતરી છે કે હાર્દિકને એમઆઇની ટીમમાંથી જાકારો અપાયો છે.'
એક વાત એવી છે કે બીસીસીઆઇએ ખેલાડીઓને આઇપીએલ દરમ્યાન ગર્લફ્રેન્ડ સાથે ટ્રાવેલ કરવા પર નિયંત્રણો મૂકી દીધા છે ત્યારથી હાર્દિકના એમઆઇ સાથેના સંબંધો તંગ થઈ ગયા હોવાનું મનાય છે. સોશ્યલ મીડિયામાં ક્રિકેટપ્રેમીઓ પૂછી રહ્યા છે કે શા માટે હાર્દિક ગુરુવારની મૅચ માટે ટીમ સાથે જ ધરમશાલા ન ગયો.