અમદાવાદઃ ગુજરાતમાં વરસાદનું જોર ફરીથી વધશે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ વરસાદી ઝાપટાં પડશે. 9 થી 12 ઓગસ્ટ દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. કેટલાક વિસ્તારોમાં 3 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 6 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે. સુરતમાં તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થવાની શક્યતા છે.
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાક દરમિયાન રાજ્યમાં 27 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. માત્ર એક જ તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. દાહોદના સુખસરમાં સૌથી વધુ 0.59 ઇંચ વરસાદ પડ્યો હતો. ધરમપુરમાં 0.28 ઇંચ, ડાંગમાં 0.28 ઇંચ, ખાનપુરમાં 0.24 ઇંચ, સુબીરમાં 0.24 ઇંચ, કપરાડામાં 0.20 ઇંચ વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગે શું કરી છે આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં આગામી દિવસોમાં ગાજવીજ અને ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. 8 અને 9 ઓગસ્ટે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.
આજે અને આવતીકાલે ક્યાં છે વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ સહિત દમણ અને દાદરા-નગર હવેલીમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં આ દિવસે યલો એલર્ટ રહેશે. 9 ઓગસ્ટના રોજ વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.